News of Monday, 11th May 2026
WFI દ્વારા ૨૬ જૂન સુધી પ્રતિબંધ મુકાયા બાદ વિનેશ ફોગાટનો પલટવારઃ ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મે
શિસ્તભંગ અને ડોપિંગ નિયમોના ઉલ્લંઘન બદલ રેસલિંગ ફેડરેશનની કાર્યવાહીઃ વિનેશ ૧૪ દિવસમાં કારણદર્શક નોટિસનો જવાબ આપશે

નવી દિલ્હી તા.૧૧: ભારતીય કુસ્તી જગતમાં ફરી એકવાર વિવાદ વકર્યો છે. શિસ્તનું પાલન ન કરવા અને ડોપિગ વિરોધી નિયમોના કથિત ઉલ્લંઘન બદલ રેસલિગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) દ્વારા મહિલા રેસલર વિનેશ ફોગાટ પર આગામી ૨૬ જૂન સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહી બાદ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર શાયરી દ્વારા પોતાનો મક્કમ મિજાજ વ્યક્ત કર્યો છે.
પ્રતિબંધના સમાચાર બાદ વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિન્દી શાયરી શેર કરતા લખ્યું હતું કે, ઝિંદગી ફંસી હૈ કિસી મઝધાર મેં, ઝમાના ઢૂંઢતા હૈ ખામી મેરે કિરદાર મેં. ઝિદગી તેરા સર સદા બુલંદ રખ્ખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં. આ શાયરી દ્વારા તેણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે આ પડકાર સામે નમશે નહીં.
ફેડરેશન દ્વારા વિનેશને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેનો જવાબ તેણે ૧૪ દિવસમાં આપવાનો રહેશે. બીજી તરફ, WFI ના પ્રમુખ સંજય સિહે આ બાબતે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, વિનેશ ફોગાટનું ધ્યાન હવે રમત પરથી હટીને રાજકારણ તરફ વળ્યું છે. તે કોંગ્રેસની ધારાસભ્ય હોવાથી દેશ વિરુદ્ધ કામ કરશે અને તેનું આ આંદોલન કોંગ્રેસ દ્વારા પ્રોત્સાહિત છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
