તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
મેદાન પર વિરાટનું ‘નામ સ્મરણ’: મુંબઈ સામેની મેચમાં કોહલીની આંગળી પર દેખાયું ‘જાપ કાઉન્ટર’, રન મશીનનો આધ્યાત્મિક અવતાર વાયરલ!
બેટિંગમાં ભલે મળ્યો શૂન્યનો આંચકો, પણ ડગઆઉટમાં મંત્રોચ્ચારમાં મગ્ન દેખાયો કિંગ કોહલી; વૃંદાવનની ભક્તિ અને ‘તુલસી માલા’ બાદ હવે નવું રહસ્ય છતું થયું

રાયપુર: ક્રિકેટના મેદાન પર અગ્રેસિવ અંદાજમાં જોવા મળતા વિરાટ કોહલીનું એક નવું અને શાંત પાસું ચાહકોની સામે આવ્યું છે. રવિવારે રાયપુરમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન વિરાટ કોહલી ડગઆઉટમાં બેઠેલો હતો ત્યારે તેની આંગળી પર એક નાનકડું ડિજિટલ ઉપકરણ જોવા મળ્યું હતું. ગરુડ જેવી તેજ નજર રાખતા ચાહકોએ તરત જ ઓળખી કાઢ્યું કે આ બીજું કંઈ નહીં પણ ‘નામ જાપ કાઉન્ટર’ છે.
શું છે આ ‘નામ જાપ કાઉન્ટર’?
આધ્યાત્મિક માર્ગે ચાલતા લોકો માટે આ ઉપકરણ અત્યંત મહત્વનું છે. જ્યારે કોઈ વ્યક્તિ મંત્ર, પ્રાર્થના અથવા ભગવાનના નામનો જાપ કરે છે, ત્યારે તેની ગણતરી રાખવા માટે આ ડિજિટલ કાઉન્ટરનો ઉપયોગ થાય છે. પરંપરાગત માળાની જેમ જ આ કાઉન્ટર ભક્તોને એકાગ્રતા જાળવવામાં અને મંત્રોના પુનરાવર્તનની ચોક્કસ સંખ્યા પૂર્ણ કરવામાં મદદ કરે છે. વિરાટ કોહલી મેચની ગંભીર ક્ષણોમાં પણ ભગવાનના સ્મરણમાં વ્યસ્ત હોવાનું જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત અને પ્રભાવિત થયા છે.
કોહલીનો આધ્યાત્મિક ઝુકાવ
વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી સતત આધ્યાત્મિકતા તરફ વળ્યો છે. IPL 2026 ના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તેણે પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનની મુલાકાત લીધી હતી અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. તે અવારનવાર ગળામાં ‘તુલસી માલા’ પહેરેલો પણ જોવા મળે છે. મેદાન પર ભલે તે વિસ્ફોટક બેટ્સમેન હોય, પણ જીવનમાં તે હવે માનસિક શાંતિ માટે ભક્તિનો સહારો લઈ રહ્યો હોય તેમ જણાય છે.
મેદાન પર રહ્યો ‘બેડ પેચ’: સતત બીજો ડક
આધ્યાત્મિક ચર્ચાની વચ્ચે ક્રિકેટના આંકડા વિરાટ માટે ચિંતાજનક રહ્યા છે. રવિવારે રાયપુરમાં મુંબઈ સામેની મેચમાં કોહલી માત્ર એક બોલ રમીને શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. દીપક ચહરે તેને પહેલી જ ઓવરમાં પેવેલિયન ભેગો કર્યો હતો. ખાસ વાત એ છે કે, IPL 2026 માં વિરાટનો આ સતત બીજો 'ગોલ્ડન ડક' (પહેલા બોલે આઉટ) હતો. આ પહેલા ૭ મેના રોજ લખનૌ સામે પણ તે શૂન્ય રને આઉટ થયો હતો.
મેચનું પરિણામ: મુંબઈની જીત
વિરાટ વહેલો આઉટ થતા RCB ની ટીમ ૧૬૭ રનના લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈ ઇન્ડિયન્સે શાનદાર રમત બતાવીને બેંગલુરુને હરાવી દીધું હતું. જોકે, હાર-જીત વચ્ચે સોશિયલ મીડિયા પર તો માત્ર વિરાટ કોહલી અને તેની આંગળી પરનું એ ‘જાપ કાઉન્ટર’ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
