તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
વિશ્મી ગુણારત્ને અને હર્ષિતા સમરવિક્રમાના બેવડા ધમાકાથી હંબનટોટામાં ગુંજ્યો વિજયનાદ: પાકિસ્તાનને 8 વિકેટે ધૂળ ચાટતી કરીને શ્રીલંકાએ શ્રેણી 1-1 થી સરભર કરી!
સિદ્રા અમીનની સદી પર ફેરવાયું પાણી: ગુણારત્ને-સમરવિક્રમા વચ્ચે 203 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી, 47મી ઓવરમાં જ શ્રીલંકાએ મેળવી ભવ્ય જીત

હંબનટોટા : હંબનટોટાના મેદાન પર શ્રીલંકા અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં અદ્ભુત ક્રિકેટ અને રનનો વરસાદ જોવા મળ્યો હતો. વિશ્મી ગુણારત્ને અને હર્ષિતા સમરવિક્રમાની જોરદાર સદીઓની મદદથી યજમાન શ્રીલંકાએ પાકિસ્તાન સામે 8 વિકેટે શાનદાર અને એકતરફી વિજય મેળવ્યો છે. પાકિસ્તાન તરફથી સિદ્રા અમીને ફટકારેલી અણનમ સદી એળે ગઈ હતી, કારણ કે શ્રીલંકાની આ જોડીએ બીજી વિકેટ માટે 203 રનની મેચ-વિનિંગ ભાગીદારી નોંધાવીને પાકિસ્તાની બોલરોની બરાબરની ધોલાઈ કરી નાખી હતી.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને પાંચમી ઓવરમાં જ સદાફ શમાસ આઉટ થઈ ગઈ હતી. પરંતુ તે પછી ક્રીઝ પર આવેલી સિદ્રા અમીને એક છેડો પકડી રાખ્યો હતો. તેણે આયેશા ઝફર (49) અને મુનીબા અલી (45) સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં સિદ્રા અમીને પોતાની સદી (100*) પૂર્ણ કરી હતી, જ્યારે કેપ્ટન ફાતિમા સનાની 25 રનની આક્રમક ઇનિંગ્સની મદદથી પાકિસ્તાને 50 ઓવરમાં 273/5 નો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો.
274 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ પાંચમી ઓવરમાં જ મોટો ઝાટકો આપ્યો હતો અને દગ્ગજ ખેલાડી ચમારી અથાપથુને પવેલિયન ભેગી કરી દીધી હતી. પરંતુ તે પછી જે બન્યું તેનાથી પાકિસ્તાની ટીમ સાવ સ્તબ્ધ થઈ ગઈ! વિશ્મી ગુણારત્ને અને હર્ષિતા સમરવિક્રમાએ ક્રીઝ પર પગ જમાવીને પાકિસ્તાની આક્રમણને બેઅસર કરી દીધું હતું. ગુણારત્નેએ 40મી ઓવરમાં આઉટ થતાં પહેલાં 11 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 123 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ તે ચમારી અથાપથુ પછી એકથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારી બીજી શ્રીલંકન મહિલા ક્રિકેટર બની ગઈ છે.
ગુણારત્ને આઉટ થયા બાદ કવિશા દિલહારીએ (40*) આવીને તાબડતોબ બેટિંગ શરૂ કરી હતી, જ્યારે બીજા છેડેથી હર્ષિતા સમરવિક્રમાએ પોતાની ઇનિંગ્સ ચાલુ રાખી હતી. બંનેએ માત્ર 45 બોલમાં 52 રન ઉમેરીને શ્રીલંકાને 46.5 ઓવરમાં જ 275/2 રન બનાવીને 8 વિકેટે વિજય અપાવી દીધો હતો. સમરવિક્રમાએ મેચની અંતિમ ક્ષણોમાં પોતાની સદી (104*) પૂર્ણ કરીને અણનમ રહી વિજયની ઉજવણી કરી હતી. આ ભવ્ય જીત સાથે જ શ્રીલંકાએ 3 મેચની વન-ડે શ્રેણીમાં 1-1 થી બરાબરી કરી લીધી છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
