<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

એશિયન ગેમ્સમાં વિથ્યા રામરાજે ઇતિહાસ રચ્યો : 54.75 સેકન્ડમાં 400 મીટર હર્ડલ્સ પૂર્ણ કરી પીટી ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડી બ્રોન્ઝ જીત્યો

ભારતની વિથ્યા રામરાજે એશિયન ગેમ્સની મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો: રેકોર્ડ તોડ્યા બાદ વિથ્યાએ ડાન્સ કરીને પોતાની ખુશીની ઉજવણી કરી

ભારતની વિથ્યા રામરાજે એશિયન ગેમ્સની મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વિથ્યાએ 54.75 સેકન્ડનો સમય નોંધાવી પોતાનું સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન કર્યું અને દિગ્ગજ દોડવીર પી.ટી. ઉષાનો 4 દાયકાથી વધુ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો. રેકોર્ડ તોડ્યા બાદ વિથ્યાએ ડાન્સ કરીને પોતાની ખુશીની ઉજવણી કરી હતી. તેમની આ ઉજવણીનો વીડિયો પણ ચર્ચામાં આવ્યો છે.

વિથ્યાએ 1984ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં પી.ટી. ઉષાએ નોંધાવેલા 55.42 સેકન્ડના રાષ્ટ્રીય રેકોર્ડને પાછળ છોડી દીધો. વિથ્યાએ 54.75 સેકન્ડનો સમય નોંધાવી નવો રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પ્રદર્શન સાથે વિથ્યાએ ભારતીય એથ્લેટિક્સમાં પોતાની ખાસ ઓળખ વધુ મજબૂત કરી છે.

 

મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં વિથ્યા ત્રીજા સ્થાને રહી હતી. સંયુક્ત આરબ અમીરાતની મરિયમ કરીમે 54.31 સેકન્ડના એશિયન ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. કઝાકિસ્તાનની એડેલિના જેમ્સે 54.58 સેકન્ડના પોતાના સર્વશ્રેષ્ઠ સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. વિથ્યાએ 54.75 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.

 

આ એશિયન ગેમ્સમાં વિથ્યા રામરાજનો આ બીજો મેડલ છે. અગાઉ તે ભારતની 4x400 મીટર મિક્સ્ડ રિલે ટીમનો ભાગ રહી હતી અને ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. આ રીતે વિથ્યાએ ચાલુ એશિયન ગેમ્સમાં અત્યાર સુધી 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ જ રેસમાં ભારતની અનુ રાઘવન 55.88 સેકન્ડના પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય સાથે પાંચમા સ્થાને રહી હતી. જોકે, તે મેડલ જીતવામાં સફળ રહી નહોતી.

મહિલાઓની ચક્કા ફેંક સ્પર્ધામાં કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સીમા કાલીરમણે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના પાંચમા પ્રયાસમાં 59.88 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. જોકે, આ પ્રદર્શન મેડલ માટે પૂરતું સાબિત થયું નહોતું અને સીમા ચોથા સ્થાને રહી હતી. ત્રણેય મેડલ વિજેતાઓએ 60 મીટરથી વધુનું સર્વશ્રેષ્ઠ અંતર નોંધાવ્યું હતું. 

(7:27 PM IST)