તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ક્રિકેટના મેદાન પર 'થપ્પડકાંડ'નો જ્વાળામુખી ફરી ભભૂક્યો: શ્રીસંતે હરભજન સિંહને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો, કહ્યું - "હવે કોઈ સંબંધ નથી!"
એડવર્ટાઈઝમેન્ટ વિવાદમાં દોઢ દાયકા જૂની દુશ્મની ફરી તાજી; ભજ્જી પર વિવાદ વેચીને ૧ કરોડ કમાવવાનો અને અપમાનિત કરવાનો શ્રીસંતનો ગંભીર આરોપ

નવી દિલ્હી: આઈપીએલ (IPL) ના ઇતિહાસમાં ૨૦૦૮નો એ 'થપ્પડકાંડ' આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં તાજો છે, પરંતુ ૧૮ વર્ષ બાદ આ વિવાદે ફરી એક નવો વળાંક લીધો છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે હરભજન સિંહ વિરુદ્ધ મોરચો ખોલતા તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે. શ્રીસંતે ભજ્જી પર અત્યંત ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, હરભજન સિંહ તે જૂના વિવાદનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરી રહ્યો છે.
શ્રીસંતના જણાવ્યા અનુસાર, હરભજન સિંહે ૨૦૦૮ના થપ્પડકાંડ પર આધારિત એક જાહેરાત (Ad) દ્વારા અંદાજે ૮૦ લાખથી ૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે ભજ્જીએ શ્રીસંતને જ આ એડ પ્રમોટ કરવા માટે કહ્યું. શ્રીસંતે રોષે ભરાતા કહ્યું કે, જે ઘટનાએ તેના કરિયર અને માનસિક શાંતિ પર ઊંડી અસર પાડી હતી, તેને હરભજન સિંહ માત્ર એક બિઝનેસની જેમ જોઈ રહ્યો છે. શ્રીસંતે સ્પષ્ટ કર્યું છે કે તે આ બાબતને ભૂલ્યો નથી અને હવે ભજ્જી સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.
શું હતો ૨૦૦૮નો એ વિવાદ?
આઈપીએલની પ્રથમ સીઝન દરમિયાન કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ બાદ હરભજન સિંહે મેદાન પર જ શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ શ્રીસંતની રડતી તસવીરો આખા વિશ્વમાં વાયરલ થઈ હતી અને હરભજન પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ બંને ખેલાડીઓ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં સાથે રમ્યા હતા અને અનેક પ્રસંગોએ સુલેહ થઈ હોવાનું જણાતું હતું.
તાજો વિવાદ અને સોશિયલ મીડિયા પર યુદ્ધ:
વર્ષ ૨૦૨૬માં ફરી આ મુદ્દો ઉછળતા ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે. શ્રીસંતે આક્ષેપ કર્યો છે કે, "ભજ્જીએ માફી માંગી હતી પણ તે હવે તે જ વિવાદને વેચી રહ્યો છે." બીજી તરફ હરભજન સિંહ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આઈપીએલની વર્તમાન સીઝન વચ્ચે આ પ્રકારના વિવાદથી ચાહકો પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. શ્રીસંતનું કહેવું છે કે સ્વાભિમાન સામે તે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજો વચ્ચેની આ ખાઈ ક્યારે પૂરાશે કે પછી આ દુશ્મની કાયમી બની જશે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
