તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
'ધ વોલ' રાહુલ દ્રવિડના પુત્ર અન્વયનો ક્રિકેટ મેદાન પર ધમાકો: વનડે મેચમાં ટી-૨૦ સ્ટાઈલથી બેટિંગ કરી શ્રીલંકન બોલરોને બરાબરના ધૂળ ચટાડ્યા
અંડર-૧૯ મેચમાં સંકટ સમયે અન્વય દ્રવિડે ૬૭ બોલમાં ૮૭ રનની વિસ્ફોટક ઇનિંગ રમી, સદી ભલે ચૂકી ગયો પણ પિતાના જૂના દિવસો યાદ અપાવી દીધા

કોલંબો : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'ધ વોલ' તરીકે જાણીતા મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડનો નાનો પુત્ર, અન્વય દ્રવિડ, હવે પિતાના પગલે ચાલીને ક્રિકેટ જગતમાં પોતાનું નામ રોશન કરી રહ્યો છે. હાલમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા અંડર-૧૯ વચ્ચેની બિનસત્તાવાર વનડે (ODI) મેચમાં આ યુવા વિકેટકીપર-બેટ્સમેને એવો તરખાટ મચાવ્યો કે ખુદ રાહુલ દ્રવિડ પણ તેના ફેન થઈ જાય. પિતા રાહુલ દ્રવિડ ટેસ્ટ મેચમાં ધીમી અને મક્કમ બેટિંગ માટે જાણીતા હતા, પરંતુ દીકરા અન્વયે ૫૦ ઓવરની વનડે મેચમાં જ ટી-૨૦ જેવી આક્રમક રમત રમીને શ્રીલંકાના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું.
જ્યારે ટીમ સંકટમાં હતી, ત્યારે જુનિયર દ્રવિડે મોરચો સંભાળ્યો
ભારત અંડર-૧૯ ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ભારતે માત્ર ૭૮ રનના સ્કોર પર પોતાની ૩ મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી અને ટૂંક સમયમાં જ સ્કોર ૪ વિકેટે ૮૧ રન થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા જ્યારે ભારે દબાણમાં હતી, ત્યારે અન્વય દ્રવિડ ક્રીઝ પર આવ્યો. તેણે એક છેડો મક્કમતાથી પકડી રાખ્યો અને તેને બીજા છેડેથી અર્જુન રાજપૂતનો અદ્ભુત સાથ મળ્યો.
અન્વય અને અર્જુન વચ્ચે ૧૪૫ રનની ઐતિહાસિક ભાગીદારી
અન્વય દ્રવિડ અને અર્જુન રાજપૂતે પાંચમી વિકેટ માટે મજબૂત ૧૪૫ રનની ભાગીદારી કરીને ભારતને સંકટમાંથી ઉગાર્યું હતું અને ટીમનો સ્કોર ૨૨૧ રન સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન અર્જુન રાજપૂત ૮૧ બોલમાં ૭૬ રન બનાવીને કમનસીબે રનઆઉટ થયો હતો. પરંતુ અન્વયે પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. તેણે માત્ર ૪૭ બોલમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી.
• અન્વયનો સ્કોર: અન્વયે માત્ર ૬૭ બોલનો સામનો કરીને ૯ ચોગ્ગા અને ૧ ગગનચુંબી છગ્ગાની મદદથી ધમાકેદાર ૮૭ રન ફટકાર્યા હતા.
• સદી ચૂકી ગયો: અન્વય પાસે શાનદાર સદી ફટકારવાની સુવર્ણ તક હતી, પરંતુ શ્રીલંકાના ડાબોડી ફાસ્ટ બોલર ગિમ્હન મેન્ડિસે (જેણે ૪૧ રન આપીને ૫ વિકેટ ઝડપી) તેને આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં: અન્વયની આ વિસ્ફોટક ઇનિંગના જોરે ભારતીય અંડર-૧૯ ટીમ ૧ વિકેટે ૨૮૫ રનના મજબૂત સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો કે, અન્વય આઉટ થયા પછી ભારતે છેલ્લી ૩ વિકેટો માત્ર ૨૨ રનમાં જ ગુમાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ શ્રીલંકાને ૪ વિકેટે પરાજય આપ્યો હતો અને હવે અન્વયની બેટિંગના કારણે ભારત શ્રેણીમાં મજબૂત પકડ બનાવી ચૂક્યું છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
