તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ક્રિકેટ જગતમાં શોકની લહેર: અંગત જીવનની ભયાનક કરૂણાંતિકા વચ્ચે પણ દેશ માટે મેદાનમાં ઉતરીને અદમ્ય સાહસ દાખવનાર ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર બોબ બ્લેયરનું ૯૪ વર્ષની વયે દુઃખદ અવસાન
વર્ષ ૧૯૫૩માં દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક જોહાનિસબર્ગ ટેસ્ટ દરમિયાન ટ્રેન અકસ્માતમાં મંગેતર ગુમાવી હોવાના આઘાતજનક સમાચાર મળ્યા હોવા છતાં, ૧૧મા ક્રમે બેટિંગ કરવા ઉતરીને આખી દુનિયાની આંખો ભીની કરનાર પૂર્વ કિવી ક્રિકેટરે અંતિમ શ્વાસ લીધા

લંડન (એજન્સી): ક્રિકેટના ઇતિહાસમાં પોતાની બોલિંગ કરતાં પણ વધુ પોતાના અદમ્ય સાહસ અને રમત પ્રત્યેના સમર્પણ માટે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે તેવા ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બોબ બ્લેયરનું તેમના ૯૪મા જન્મદિવસે ઈંગ્લેન્ડ ખાતે નિધન થયું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અને વેલિંગ્ટન ક્રિકેટ એસોસિએશને આ મહાન ખેલાડીના અવસાન અંગે સત્તાવાર જાહેરાત કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. બોબ બ્લેયરના નિધનને પગલે સમગ્ર રમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ સહિત અનેક પૂર્વ ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
બોબ બ્લેયરનો જન્મ ૨૩ જૂન ૧૯૩૨ના રોજ થયો હતો અને સંજોગોવશાત ૨૩ જૂનના રોજ જ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ વિશ્વના સૌથી વયસ્ક જીવિત ટેસ્ટ ક્રિકેટરોની યાદીમાં સામેલ હતા. જોકે, ક્રિકેટના ઇતિહાસમાં બોબ બ્લેયરનું નામ માત્ર એક શાનદાર ખેલાડી તરીકે જ નહીં, પરંતુ રમત પ્રત્યેની અજોડ માનવ ભાવના અને બહાદુરીના પ્રતીક તરીકે સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. વર્ષ ૧૯૫૩માં રમાયેલી એક ટેસ્ટ મેચ દરમિયાન તેમની સાથે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ તેમને ક્રિકેટ ઇતિહાસના સૌથી સાહસિક ખેલાડી બનાવી દીધા હતા.
મેચ દરમિયાન જ મંગેતરના મૃત્યુના સમાચાર મળ્યા હતા
વાત જાણે એમ છે કે, ડિસેમ્બર ૧૯૫૩માં ન્યૂઝીલેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતી. જોહાનિસબર્ગના એલિસ પાર્ક ખાતે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. આ મેચના બીજા દિવસની રમત (ક્રિસમસના દિવસે) દરમિયાન ન્યૂઝીલેન્ડમાં એક અત્યંત ભયાનક રેલ અકસ્માત સર્જાયો હતો, જેને ઇતિહાસમાં 'તાંગીવાઈ રેલ દુર્ઘટના' તરીકે ઓળખવામાં આવે છે. આ ભયાનક અકસ્માતમાં ૧૫૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કમનસીબે, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં બોબ બ્લેયરની મંગેતર નેરિસા લવ પણ સામેલ હતી. બોબ બ્લેયરને જ્યારે મેચ દરમિયાન જ ડ્રેસિંગ રૂમમાં આ આઘાતજનક સમાચાર મળ્યા, ત્યારે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને આખી ટીમ ગમગીન બની ગઈ હતી.
આઘાત છતાં દેશ માટે મેદાન પર ઉતરીને સૌને ચોંકાવી દીધા
મંગેતરના અવસાનના સમાચાર મળ્યા બાદ ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે સૌ કોઈ માની રહ્યું હતું કે બોબ બ્લેયર હવે મેચ રમવા માટે મેદાન પર નહીં ઉતરે. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સ મુશ્કેલીમાં હતી અને ૯ વિકેટ પડી ચૂકી હતી. સ્કોરબોર્ડ પર બ્લેયરના નામની આગળ 'ગેરહાજર' (Absent) લખવાનું પણ નક્કી કરી લેવાયું હતું. પરંતુ, જ્યારે નવમી વિકેટ પડી ત્યારે આખો સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું કારણ કે બોબ બ્લેયર ડ્રેસિંગ રૂમમાંથી બેટ પકડીને રડતી આંખે મેદાન તરફ આવી રહ્યા હતા. પોતાની મંગેતર ગુમાવ્યાનું અસહ્ય દુઃખ હૃદયમાં દબાવીને જ્યારે તેઓ ૧૧મા નંબરે બેટિંગ કરવા ઉતાર્યા, ત્યારે મેદાન પર હાજર હજારો દર્શકો અને વિરોધી આફ્રિકન ખેલાડીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને સૌએ ઊભા થઈને આ બહાદુર ખેલાડીને તાળીઓના ગડગડાટ સાથે સન્માન આપ્યું હતું.
સાથી ખેલાડી સાથે મળીને અદ્ભુત પાર્ટનરશિપ કરી
મેદાન પર આવ્યા બાદ બોબ બ્લેયરે તેમના સાથી ખેલાડી બર્ટ સટક્લિફ સાથે મળીને માત્ર ૧૦ મિનિટ ક્રિઝ પર વિતાવી હતી પરંતુ આ ૧૦ મિનિટ ક્રિકેટ ઇતિહાસની સૌથી લાગણીસભર ક્ષણ બની ગઈ હતી. બન્ને ખેલાડીઓએ અંતિમ વિકેટ માટે ૨૫ રન જોડ્યા હતા, જેમાં એક જ ઓવરમાં ચાર ગગનચુંબી સિક્સર ફટકારવામાં આવી હતી, જેમાંથી એક સિક્સર ખુદ બ્લેયરે ફટકારી હતી. જ્યારે બ્લેયર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા ત્યારે આખું સ્ટેડિયમ તેમની બહાદુરીને સલામ કરી રહ્યું હતું. આ ઘટના પર પાછળથી ડોક્યુમેન્ટ્રી અને ફિલ્મો પણ બની ચૂકી છે.
બોબ બ્લેયરની ક્રિકેટિંગ સફર
વેલિંગ્ટન તરફથી સ્થાનિક ક્રિકેટ રમતા બોબ બ્લેયર પોતાના સમયના અત્યંત ઝડપી અને ઘાતક બોલર માનવામાં આવતા હતા. તેમણે ૧૯૫૩થી ૧૯૬૪ દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે કુલ ૧૯ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે ૩૫.૨૩ની સરેરાશથી ૪૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેમનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો હતો, જ્યાં તેમણે ડાબા હાથે બેટિંગ અને જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરીને ૧૧૯ મેચોમાં કુલ ૫૩૭ વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે બ્લેયરના સન્માનમાં વર્ષ ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીનું નામ બદલીને 'તાંગીવાઈ શીલ્ડ' રાખ્યું હતું, જે હંમેશા આ ખેલાડીના બલિદાન અને સમર્પણની યાદ અપાવતું રહેશે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
