તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
"ક્યા મિડલ સ્ટમ્પ ઉડાયા બે!": કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રોહિત શર્માએ KKRના કોચની નકલ કરી મિડલ સ્ટમ્પ ઉખાડ્યો; ખેલાડીઓ હસી-હસીને લોટપોટ!
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે KKR માટે મુંબઈ ઇન્ડિયન્સ સામેની બુધવારની મેચ 'કરો અથવા મરો' સમાન; વિવાદોથી બહાર થયેલી હાર્દિક પંડ્યાની પલટન કોલકાતાની રમત બગાડવા સજ્જ

કોલકાતા, તા.૧૯: આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) ની રોમાંચક સીઝન હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે, જ્યાં મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. પરંતુ આ ગંભીર માહોલ વચ્ચે પણ ભારતીય ટીમના અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન 'હિટમેન' રોહિત શર્માએ પોતાની આગવી રમુજી શૈલીથી ઈડન ગાર્ડન્સનું વાતાવરણ હળવુંફૂલ કરી દીધું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મહામેચની પૂર્વસંધ્યાએ નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માની એક મજેદાર હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને બંને ટીમના ખેલાડીઓ હસી-હસીને લોથપોથ થઈ ગયા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવેલી આ વિડીયો ક્લિપમાં રોહિત શર્મા, ભારતીય ક્રિકેટ જગતમાં તેના સૌથી પાકા મિત્રોમાંના એક અને KKR ના વર્તમાન આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરની અનન્ય બોલિંગ એક્શનની આબેહૂબ નકલ કરતો જોવા મળે છે. રોહિતે નાટકીય રીતે દોડીને અભિષેક નાયરની સ્ટાઈલમાં બોલ ફેંક્યો અને અદ્ભુત રીતે તે બોલ સીધો સામે રાખેલા ખાલી સ્ટમ્પના મિડલ સ્ટમ્પ પર જઈને વાગ્યો. બોલ મિડલ સ્ટમ્પ પર વાગતા જ રોહિત શર્મા પોતાની ખુશી કાબુમાં ન રાખી શક્યો અને મુંબઈયા સ્ટાઈલમાં જોરથી બૂમ પાડીને બોલ્યો, "ક્યા મિડલ સ્ટમ્પ ઉડાયા બે!" નજીક ઉભેલા કેકેઆરના કોચ નાયર પણ રોહિતની આ એક્ટિંગ જોઈને પેટ પકડીને હસવા લાગ્યા હતા.
KKR ની કિસ્મત હવે કાંટા પર; પ્લેઓફ માટે જીત અનિવાર્ય
એકતરફ જ્યાં રોહિત શર્માની મસ્તીથી મેદાનનો મૂડ હળવો થયો છે, ત્યાં બીજી તરફ બુધવારે રમાનારો આ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આરપારની લડાઈ સમાન છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી KKR ની ટીમે પ્લેઓફની રેસમાં જીવંત રહેવા માટે કોઈપણ ભોગે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું જ પડશે. જો કોલકાતા આ મેચ હારી જશે, તો ટૂર્નામેન્ટમાંથી તેની સત્તાવાર વિદાય થઈ જશે. જો કેકેઆર જીતી જાય તો પણ તેણે પ્લેઓફની ચોથી બર્થ માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આ અઠવાડિયાના અંતમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચ કોલકાતાનું ભાગ્ય નક્કી કરશે. શરૂઆતમાં સતત છ મેચ હાર્યા બાદ કેકેઆરે જોરદાર વાપસી કરીને છેલ્લી છમાંથી પાંચ મેચ જીતી છે, પરંતુ આ કમબેક કદાચ ઘણું મોડું સાબિત થઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે છે રમત બગાડવાની સોનેરી તક
બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઇજાઓ અને ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે મુંબઈ માટે આ સીઝન કોઈ ખરાબ સપના જેવી રહી છે. પરંતુ હવે મુંબઈ પાસે ગુમાવવાનું કશું જ નથી, તેથી તેઓ મુક્ત મને રમીને KKR નું પ્લેઓફનું ગણિત બગાડવા માટે પૂરી તાકાત લગાવશે. ફિટનેસની ચિંતાઓ વચ્ચે રોહિત શર્મા પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરવા આતુર છે, જ્યારે ઈજા બાદ નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આ મેચમાં વાપસી કરે તેવી પૂરી સંભાવના છે, જે મુંબઈની ટીમ માટે રાહતના સમાચાર છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
