<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

શું હાર્દિક ફરી મુંબઈ ઇન્‍ડિયન્‍સ સાથે છેડો ફાડશે? ઈન્‍સ્‍ટાગ્રામ પરના એક ‘અનફોલો'થી ક્રિકેટ જગતમાં ખળભળાટ

મુંબઈ ઇન્‍ડિયન્‍સને અનફોલો કર્યાના સ્‍ક્રીનશોટ વાયરલ થતાં જ હાર્દિકે ઉતાવળે ફરી એકાઉન્‍ટ ફોલો કર્યું; રાયપુર પહોંચવા છતાં બેંગલોર સામેની મેચમાં ગેરહાજર રહેતા અનેક તર્ક-વિતર્ક

મુંબઈ : મુંબઈ ઇન્‍ડિયન્‍સ સતત છઠ્ઠી આઇપીએલ સીઝનમાં ટ્રોફીથી દૂર રહીને ટૂર્નામેન્‍ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ટીમની નિષ્‍ફળતા વચ્‍ચે હવે કેપ્‍ટન હાર્દિક પંડ્‍યા અને ફ્રેન્‍ચાઈઝી વચ્‍ચે બધું બરાબર ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્‍યું છે. સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઈન્‍સ્‍ટાગ્રામ પર હાર્દિકની કેટલીક હરકતોએ ચાહકો અને વિવેચકોને વિચારતા કરી દીધા છે.

વાયરલ થયેલા અહેવાલો મુજબ, હાર્દિક પંડ્‍યાએ મુંબઈ ઇન્‍ડિયન્‍સને લગતી આ સીઝનની તમામ પોસ્‍ટ હટાવી દીધી હતી અને ટીમને ‘અનફોલો' કરી દીધી હતી. આ બાબતના સ્‍ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતા જ ભારે હોબાળો મચ્‍યો હતો. જોકે, વિવાદ વધતો જોઈ આ ઓલરાઉન્‍ડરે ગણતરીના સમયમાં જ ફરીથી મુંબઈ ઇન્‍ડિયન્‍સના એકાઉન્‍ટને ફોલો કરી લીધું હતું. લોકોનું ધ્‍યાન એ વાત પર પણ ગયું કે તેના ફોલોઈંગ લિસ્‍ટમાં સંખ્‍યા ૧૫૦થી ઘટીને ૧૪૯ થઈ ગઈ હતી, જે બાદમાં ફરી ૧૫૧ થઈ હતી. શું આ કોઈ ટેકનિકલ ભૂલ હતી કે પછી આઇપીએલ૨૦૨૬ના નબળા પ્રદર્શન બાદની હતાશા? તે મોટો પ્રશ્ન છે.

બીજી તરફ, બેંગલોર સામેની મહત્‍વની મેચ માટે હાર્દિક છત્તીસગઢના રાયપુર પહોંચ્‍યો હોવા છતાં રવિવારે મેદાન પર ઉતર્યો નહોતો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી. હાર્દિકની ગેરહાજરી અંગે સ્‍પષ્ટતા કરતા હેડ કોચ માહેલા જયવર્ધનેએ જણાવ્‍યું હતું કે, ‘‘હાર્દિકને પીઠમાં સમસ્‍યા (Back Injury) છે. મેડિકલ ટીમ તેની સાથે કામ કરી રહી છે, પરંતુ તે પૂરતી તાલીમ લઈ શકયો ન હોવાથી અમે તેને મેદાનમાં ઉતારવાનું જોખમ લેવા માંગતા નહોતા.''

(3:18 PM IST)