<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

મુંબઈ ઇન્‍ડિયન્‍સ સાથે હાર્દિક પંડ્‍યાના છેડા ફાટશે? પલટાતા સમીકરણો વચ્‍ચે ‘કેપ્‍ટન'ના આડકતરા સંકેતથી ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ!

સોશિયલ મીડિયા પર રહસ્‍યમય પોસ્‍ટ અને હાવભાવથી અટકળો તેજઃ શું ‘પલટન'છોડીને હાર્દિક ફરી જૂની ફ્રેન્‍ચાઈઝી તરફ દોડશે કે થશે નવો ધડાકો?

મુંબઈઃઆઈપીએલની સિઝન પૂરી થતાંની સાથે જ ક્રિકેટ કોરિડોરમાં સૌથી મોટો ગરમાટો હાર્દિક પંડ્‍યાના ભવિષ્‍યને લઈને જોવા મળી રહ્યો છે. મુંબઈ ઇન્‍ડિયન્‍સના કેપ્‍ટન તરીકે ચાલુ સિઝનમાં ભારે વિવાદો, ટ્રોલિંગ અને ટીમની નબળા પ્રદર્શનનો સામનો કરનાર સ્‍ટાર ઓલરાઉન્‍ડર હાર્દિક પંડ્‍યા હવે મુંબઈ ઇન્‍ડિયન્‍સ છોડી રહ્યો હોવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની તાજેતરની ગતિવિધિઓ અને ટીમ મેનેજમેન્‍ટ સાથેના ઠંડા સંબંધો આ વાતને વધુ હવા આપી રહ્યા છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, રોહિત શર્માના સ્‍થાને કેપ્‍ટન બન્‍યા બાદથી જ ટીમની અંદર બધું બરાબર નહોતું ચાલતું. ચાહકોની નારાજગી તો ઠીક, પણ ડ્રેસિંગ રૂમમાં પણ ખેલાડીઓ વચ્‍ચે બે ફાડિયાં પડી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્‍યું હતું. હવે જયારે મેગા ઓક્‍શન  નજીક આવી રહ્યું છે, ત્‍યારે હાર્દિક પંડ્‍યા પોતે જ મુંબઈ ઇન્‍ડિયન્‍સ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા માંગતો હોય તેવા અણસાર આપ્‍યા છે. તેના નજીકના વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ, હાર્દિક ફરી એકવાર પોતાની જૂની અને સફળ ફ્રેન્‍ચાઈઝી તરફ દ્યરવાપસી કરી શકે છે અથવા કોઈ ત્રીજી જ ટીમ તેને અધધધ રકમ સાથે પોતાના પાલામાં ખેંચવા તૈયાર બેઠી છે.

હાર્દિકે તાજેતરમાં શેર કરેલી અમુક રહસ્‍યમય લાઈન્‍સ અને વિડીયો ક્‍લિપ્‍સ જોઈને ક્રિકેટ વિશ્‍લેષકો દાવો કરી રહ્યા છે કે આ માત્ર સંયોગ નથી, પણ મુંબઈ ઇન્‍ડિયન્‍સના માલિકો અને મેનેજમેન્‍ટને આપવામાં આવેલો સ્‍પષ્ટ ઈશારો છે કે ‘હવે રસ્‍તા અલગ થઈ રહ્યા છે'. બીજી તરફ મુંબઈ ઇન્‍ડિયન્‍સ પણ આગામી સિઝન માટે ટીમનું નવેસરથી પુનર્ગઠન કરવા વિચારી રહી છે, જેમાં હાર્દિકને રીટેન કરવામાં આવે તેવી શક્‍યતાઓ નહિવત દેખાઈ રહી છે.

હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હાર્દિક પોતે સત્તાવાર જાહેરાત કરીને આ સસ્‍પેન્‍સ પરથી પડદો ઊંચકે છે કે પછી મેગા ઓક્‍શન પહેલા કોઈ મોટો ટ્રેડિંગ ધડાકો જોવા મળે છે!

(3:10 PM IST)