<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીના યુગનો અંત આવશે? 2027 ના વર્લ્ડ કપ બાદ કોહલી લઈ શકે છે નિવૃત્તિ, જાણો કયો યુવા ખેલાડી બનશે નંબર-3 નો નવો ‘કિંગ’

નંબર-3 ના સ્થાને વિરાટના સ્થાને તિલક વર્માનું નામ સૌથી આગળ; શાનદાર ટેકનિક અને આક્રમક બેટિંગથી પસંદગીકારોને કર્યા પ્રભાવિત, શ્રેયસ અય્યર અને કે.એલ. રાહુલ વચ્ચે ‘ઉત્તરાધિકારી’ માટે જામી સ્પર્ધા

મુંબઈ:ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે કે રન મશીન વિરાટ કોહલી પછી ટીમ ઇન્ડિયામાં નંબર-3 ના મહત્વના સ્થાને કોણ બેટિંગ કરશે. માનવામાં આવે છે કે 2027 ના વનડે વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં નંબર-3 પર જે રેકોર્ડ્સ બનાવ્યા છે તે અસાધારણ છે, તેથી તેના સ્થાને યોગ્ય ખેલાડીની પસંદગી કરવી BCCI માટે મોટો પડકાર છે.
  ક્રિકેટ વિશ્લેષકોના મતે, યુવા બેટ્સમેન તિલક વર્મા વિરાટ કોહલીના ઉત્તરાધિકારી તરીકે સૌથી મજબૂત દાવેદાર છે. હૈદરાબાદના આ યુવા ખેલાડીએ પોતાની આક્રમક બેટિંગ અને મજબૂત ટેકનિકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તિલક વર્મા પેસ અને સ્પિન બંને બોલિંગને સારી રીતે રમી શકે છે. તેણે અત્યાર સુધી 49 T20 મેચોમાં 44.81 ની શાનદાર સરેરાશથી 1389 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 6 અર્ધસદી સામેલ છે.
ટીમ ઇન્ડિયાના મધ્યમ ક્રમમાં અત્યારે શ્રેયસ અય્યર (નંબર-4), કે.એલ. રાહુલ (નંબર-5) અને હાર્દિક પંડ્યા (નંબર-6) એ પોતાની જગ્યા પક્કી કરી લીધી છે. પરંતુ જો વિરાટ કોહલી નિવૃત્તિ લે છે, તો નંબર-3 પર એક એવા ખેલાડીની જરૂર પડશે જે ઇનિંગને સંભાળી પણ શકે અને જરૂર પડ્યે રન રેટ પણ વધારી શકે. તિલક વર્મામાં આ બંને ગુણો હોવાથી તેમને વિરાટના સ્થાને અજમાવવામાં આવી શકે છે.
તિલક વર્માએ પોતાની છેલ્લી વનડે મેચ 6 ડિસેમ્બર, 2025 ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. T20 ફોર્મેટમાં સતત સારો દેખાવ કરનાર તિલકને હવે વનડેમાં પણ વધુ તક મળવાની શક્યતા છે. ચાહકોને આશા છે કે 2027 ના વર્લ્ડ કપ બાદ જ્યારે કોહલી મેદાન છોડશે, ત્યારે તિલક વર્મા ભારતીય બેટિંગ લાઇન-અપની જવાબદારી પોતાના ખભા પર લેવા માટે તૈયાર હશે

(9:26 PM IST)