<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

પાકિસ્તાની હોકી ટીમનું એવું મોટું બ્લન્ડર કે જોઈને દુનિયા હસી પડી: ભારત સામે પાંચને બદલે છ ખેલાડી મેદાનમાં ઉતાર્યા, અમ્પાયરની પેનલ્ટી બાદ ભારતે ઠોકી દીધા આઠ ગોલ!

કોચની વાત જ ન સમજાયાનું અજીબોગરીબ બહાનું! અમ્પાયરે પાકિસ્તાનના બે ખેલાડી બહાર તગડી મૂકતા ભારતીય ટીમે પાકિસ્તાની ડિફેન્સના ધજાગરા ઉડાવી દીધા

મસ્કત (ઓમાન) : ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમતગમતની જંગ હંમેશા હાઈ-વોલ્ટેજ હોય છે, પરંતુ ઓમાનના મસ્કતમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ફાઈવ-એ-સાઈડ હોકી મેચમાં પાકિસ્તાની ટીમ-મેનેજમેન્ટે એક એવું શરમજનક બ્લન્ડર કરી દીધું કે જેને જોઈને આખી દુનિયા હસી-હસીને લોટપોટ થઈ ગઈ છે. મસ્કતમાં શુક્રવારે રાત્રે ભારત સામેની હાઈ-સ્ટેક મેચ શરૂ થવાની તૈયારીમાં જ હતી, ત્યારે અમ્પાયરોએ જોયું કે મેદાન પર ગોલકીપર સહિત પાંચ ખેલાડીઓને બદલે પાકિસ્તાને છ-છ ખેલાડીઓને રમાડવા ઉતારી દીધા હતા!

પાકિસ્તાનની આ ગંભીર અને હાસ્યાસ્પદ ભૂલ પર અમ્પાયરે વિલંબ કર્યા વગર ત્વરિત પેનલ્ટી ફટકારી હતી. અમ્પાયરે નિયમોનો કડક અમલ કરીને પાકિસ્તાનના બે ખેલાડીઓને સીધા મેદાન બહાર મોકલી દીધા હતા. પરિણામે, પાકિસ્તાની ટીમ ગોલકીપર સહિત માત્ર ચાર જ ખેલાડીઓની થઈ ગઈ હતી. ભારતની મજબૂત અને ચતુર ટીમે આ આકાશી તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને પાકિસ્તાનની નબળી પડેલી ડિફેન્સ લાઈનમાં એક પછી એક ધડાધડ 8 ગોલ ઠોકીને પાકિસ્તાનને આકરો પરાજય ચાખડ્યો હતો.

આ શરમજનક ઘટનાની જાણ થતાં જ પાકિસ્તાન હોકી ફેડરેશનના પ્રમુખ લાલચોળ થઈ ગયા હતા અને તેમણે ટીમ મેનેજમેન્ટ સામે કડક તપાસનો આદેશ આપી જવાબ માંગ્યો હતો. ત્યારે ટીમ મેનેજમેન્ટે ફેડરેશનને એવો ગજબનો જવાબ આપ્યો કે લોકો હસી પડ્યા; તેમણે કહ્યું, "ટીમ કોચિંગ મીટિંગ દરમિયાન કેટલાક ખેલાડીઓ કોચ શું બોલી રહ્યા હતા તે બરાબર સમજી નહોતા શક્યા, તેથી આ ગરબડ થઈ ગઈ!"

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીમ માટે આ પ્રકારની કોમિક ગરબડ કોઈ નવી નથી. આ પહેલાં 2022ના હોકી એશિયા કપમાં જાપાન સામેની મેચમાં પણ પાકિસ્તાને 11ને બદલે 12 ખેલાડીઓને મેદાન પર ઉતારી દીધા હતા. ત્યારે પણ અમ્પાયરે પાકિસ્તાનનો ગોલ રદ કર્યો હતો, મેચ હારી જવાથી પાકિસ્તાન 2023ના વર્લ્ડ કપમાંથી જ બહાર ફેંકાઈ ગયું હતું. હવે ફરી એકવાર ભારત સામે પાકિસ્તાની ટીમે પોતાની જ મૂર્ખામીથી હાર વહોરી લીધી છે.

 

(7:47 PM IST)