<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

યુઝવેન્દ્ર ચહલે રેડ બોલ ક્રિકેટમાંથી કરી અચાનક નિવૃત્તિની જાહેરાત: સોશિયલ મીડિયા પર શેર કરી અત્યંત ભાવુક પોસ્ટ!

'ટેસ્ટ કેપ પહેરવાનું સપનું અધૂરું રહ્યું, પણ આ સફરનો આભારી છું': લોર્ડ્સમાં છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર ભારતીય લેગ સ્પિનરે ચાહકોને આંચકો આપ્યો

નવી દિલ્હી, તા.02: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે અચાનક રેડ બોલ (ફર્સ્ટ ક્લાસ) ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગત અને ચાહકોને ચોંકાવી દીધા છે. અગાઉ રેડ બોલ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ, આજે ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધંચ છે.

"રેડ બોલે મને સબર અને લડવાની તાકાત આપી"

ચહલે સોશિયલ મીડિયા પર પોતાની યાદગાર તસવીરો શેર કરતા લખ્યું હતું કે, "મેં જે બોલથી રમવાનું શરૂ કર્યું હતું તે આ લાલ બોલ જ હતો. જ્યારે હું ૧૦ વર્ષનો હતો ત્યારે મને ખબર નહોતી કે આ રમત સાથે મને આટલો પ્રેમ થઈ જશે. રેડ બોલ ક્રિકેટ મારા માટે માત્ર એક ફોર્મેટ નહોતું, પરંતુ ત્યાં જ મેં મારી ધીરજ, કેરેક્ટર, મજબૂતી અને દરેક રન તથા વિકેટ માટે લડવાની સાચી ખુશી મેળવવાનું શીખ્યું છે."

"ટેસ્ટ કેપનું સપનું હંમેશા સાથે રહેશે"

પોતાની નિવૃત્તિનો નિર્ણય જાહેર કરતા ચહલે વધુમાં ઉમેર્યું કે, "મેં મારી છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમી હતી. ભારત માટે ટેસ્ટ કેપ પહેરવી એ હંમેશાં મારું સપનું હતું, જે વર્ષો સુધી મારી સાથે રહ્યું પણ પૂરું ન થઈ શક્યું. છતાં હું મારી આ સફરથી ખૂબ ખુશ છું અને મને મળેલી દરેક તક માટે કૃતજ્ઞ છું. આ ફોર્મેટે મને જિંદગીની સૌથી સુંદર યાદો આપી છે."

૪૯ મેચો અને ૧૪૮ વિકેટ સાથે યાદગાર કરિયર

યુઝવેન્દ્ર ચહલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સફર પર નજર કરીએ તો:


•    ડેબ્યૂ અને વિદાય: ૩ નવેમ્બર, ૨૦૦૯ના રોજ હરિયાણા તરફથી મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. જ્યારે છેલ્લી મેચ સપ્ટેમ્બર ૨૦૨૬માં કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી મિડલસેક્સ સામે લોર્ડ્સ ખાતે રમી હતી.

•    આંકડાકીય પ્રદર્શન: ૪૯ મેચોની ૭૯ ઈનિંગ્સમાં ૩૨.૨૭ની એવરેજથી કુલ ૧૪૮ વિકેટ ઝડપી છે.

•    શ્રેષ્ઠ પ્રદર્શન: એક મેચમાં ૯૯ રન આપીને ૯ વિકેટ અને એક ઈનિંગમાં ૪૪ રન આપીને ૬ વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેમણે ૬ વખત ફાઈવ-વિકેટ હોલ ઝડપ્યા છે.

(5:20 PM IST)