News of Monday, 6th May 2024
કોંગ્રેસની કુંડળીમાં ‘રાહુ' જાગ્યો...!
ક્ષત્રિયો મુદે બેન્ડ વળી ગયેલા ભાજપને રાહુલ ગાંધીએ રાહત આપીઃ મહારાજા અંગેના નિવેદને માહોલ બદલી નાખ્યો...
ઘણાંની કુંડળીમાં અમુક ગ્રહો એવા હોય છે કે, એ ખરા સમયે પથારી ફેરવવા પગટતા હોય છે. કોંગ્રેસની કુંડળીમાં ચૂંટણી સમયે બરાબરનો માહોલ જામ્યો હોય ત્યારે જ ‘રાહુ' પ્રગટે છે. આ ગ્રહ પક્ષને સત્તાથી તળિયા સુધી લાવ્યો છે.
ગુજરાતમાં ભાજપ ખૂબ મજબૂત છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લડવા ખાતર જ લડતી હોય છે. આ સમયે પણ આવો જ માહોલ હતો. ગુજરાત ભાજપ ખૂબ નબળો હતો, પણ મોદીજીના નામે ભાજપ મજબૂત બનીને મેદાનમાં હતો. ભાજપ આસાનીથી જીતે તેમ હતો. ભાજપીઓ દરેક બેઠક પર પાંચ લાખની બહુમતીના સપના જોતો હતો.
આ સમયે રાજકોટના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાજીએ ક્ષત્રીયોની લાગણી દુભાવતું નિવેદન કરી નાખ્યું. વિરોધ ઉઠયો. ભાજપે અને રૂપાલાજીએ પ્રારંભમાં વિરોધને બહુ ગંભીરતાથી લીધો નહિ. ભાજપ ઓવર સ્માર્ટ બન્યો અને ભાજપના ક્ષત્રીયો સાથે બેઠક કરીને સમાધાન થઇ ગયાની વાતો વહેતી કરી.
ભાજપના આવા રાજકીય ખેલથી ક્ષત્રીયોનો આક્રોશ ફાટયો અને રાજયવ્યાપી લડત શરૂ થઇ. રૂપાલા સામેની લડત ભાજપ સામે પરિવર્તિત થઇ. ભાજપને ચારે-બાજુ પ્રચારમાં ખલેલ થઇ. ઘણી જગ્યાએથી તો ભાગવું પડયું.
મજબૂત-બિનહરીફ ગણાતો ભાજપ ચૂંટણી સમયે જ ફસાઇ ગયો. ટેન્શનમાં આવી ગયેલા ભાજપીઓ માફા-માફી કરવા લાગ્યા. ગુજરાતના દરેક સાઇઝના ભાજપી નેતાઓએ ક્ષત્રીયો સાથે બેઠકો કરી, પણ સમાજનો સ્વયંભૂ રોષ વધતો જ ગયો લડત તોડવાના હીન પ્રયાસો પણ થયા, પણ લડત તૂટી નહિ.
આ માહોલમાં ચારેક બેઠકો પર કોંગ્રેસ માટે આશાનું કિરણ જાગ્યું હતું. ભાજપ કોઇ કાળે લડત ટાઢી પાડી શકતો ન હતો. આ કારણે કોંગ્રેસ જોરમાં આવી ગઇ હતી. ગુજરાતમાં મોદીજીની સભામાં હોબાળો થવાનો ભય પણ ભાજપને લાગવા માંડયો હતો. રાજકોટમાં ચૂંટણીસભાનું આયોજન ન થયું.
કોંગ્રેસના જીવમાં જીવ આવી ગયો હતો. ભાજપના ગઢ ગણાતી રાજકોટ બેઠક પર પણ જ્ઞાતિવાદી સમીકરણો સેટ થવા લાગ્યા હતાં. ભાજપ માટે ગુજરાતમાં સાવ એક તરફી જંગ રહયો ન હતો. વિપક્ષ માટે ઘણાં વર્ષે ગુજરાતમાં મસ્ત માહોલ બન્યો હતો. આ સમયે જ કોંગ્રેસની કુંડળીમાં રાહુ ગ્રહ પ્રગટ થયો. રાહુલ ગાંધીએ એક સભામાં વગર વિચાર્યે રાજા-મહારાજા સામે અપમાનજનક નિવેદન કરી નાખ્યાં.
ક્ષત્રીયોના રોષથી છૂટવા વલખા મારી રહેલા ગુજરાતના ભાજપીઓને મુદ્્ો મળી ગયો. રાહુલે રાજવીઓના અપમાન કર્યાના ગોકીરા કરી મૂકયા. ખુદ મોદીજીએ પણ સવાલ ઉઠાવી દીધો કે, તેને રાજા-મહારાજામાં કમી દેખાય છે, બાદશાહો-નવાબો સામે કંઇ જ બોલતા નથી. આખો મુદ્્ો અચાનક ટર્ન લઇ ગયો. કરણી સેનાના અમુક હોદેદારોએ પણ રાહુલનો વિરોધ કર્યો. જો કે કરણી સેના અને ક્ષત્રીય સમાજના આગેવાનોએ આ લડત ડાયવર્ટ કરવાના પ્રયાસો સમજી લીધા હોય તેમ લડત ભાજપ સામે જ ચાલુ રાખવા મન બનાવી લીધું છે.
દરમિયાન રાતોરાત જવતલિયા બની ગયેલા રાજકોટ કોંગ્રેસના ઉમેદવારને રાહુલના નિવેદન અંગે સવાલ કરાયો તો આ ઉમેદવાર જવાબ આપ્યા વગર રવાના થઇ ગયા... કોંગ્રેસની કુંડળીમાં રાહુ જાગી ગયો છે, ભલભલા બોલતા બંધ થઇ જશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
