<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સત્તાનો અપચોઃ ગુજરાત ગરમ

પોતાના પક્ષ ઉપર કાબૂ રાખી શકતો નથી, ગુજરાત પર કાબૂ કેળવવો તો દૂરની વાત ગણાય...

ગરમી બેફામ બની ગઇ છે. આટલા તાપમાં ખાવા-પીવામાં ખૂબ કાળજી રાખવી જરૂરી છે. પાચન તંત્ર નબળું પડી જતું હોય છે. અપચાના કારણે અનેક સમસ્‍યાઓ સર્જાતી હોય છે. જો કે તીવ્રત્તમ તાપમાં ગુજરાતમાં સૌથી અઘરો અપચો ભાજપને થયો છે.

ભાજપીઓની પાચનશકિત કરતા વધારે સત્તા મળી ગઇ છે. આને સત્તાનો અપચો કહેવાય, જેનો ઇલાજ મુશ્‍કેલ હોય છે. આ માટે હવે સર્જરી કરવી અનિવાર્ય બનશે.

ગુજરાતીઓએ ધારાસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી આપી છતાં ગુજરાતના ભાજપીઓએ લોકોના દિલ જીતીને પક્ષને વધારે મજબૂત કરવાને બદલે મજબૂતીના ટૂંકા માર્ગ અપનાવ્‍યા. હોજરીની ક્ષમતા કરતા વધારે ઓહિયા થઇ ગયું.

લોકસભાની ચૂંટણી પૂર્વેથી આંતરિક ધુંધવાટ હતો. ઇફકોની ચૂંટણી બાદ પક્ષની આંતરિક બઘડાટી સપાટી પર આવી ગઇ.  હવે ક્રિભકોની ચૂંટણી ર૧ મીએ આવી રહી છે. ત્‍યારે પણ નવાજૂની થવાની ચર્ચા છે. ભાજપના નેતાઓ અંદરો-અંદર ઢીસુમ-ઢીસુમ કરીને ગુજરાતને મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

સૌરાષ્‍ટ્રમાં અમરેલીનું રાજકારણ સૌથી અઘરું ગણાતું હતું. આ વિસ્‍તારના નેતાને રાજકોટમાં ટિકિટ આપ્‍યા બાદ અઘરું રાજકારણ સૌરાષ્‍ટ્રભરમાં ફેલાઇ ગયું. આ માહોલ હવે પ્રદેશકક્ષાએ પણ અઘરો થઇ ગયો છે.

લોકોના કલ્‍યાણ માટે લડવાને બદલે ભાજપીઓ અંગત સ્‍વાર્થ માટે અંદરો-અંદર લડી રહ્યા છે. લાંબા સમયથી બઘડાટી ચાલે છે, છતાં રાષ્‍ટ્રીયસ્‍તરેથી કોઇ હલચલ દેખાતી નથી. આ બાબત ગુજરાત માટે ચિંતાજનક છે.

ભાજપમાં કોઇ નેતા ચંૂકેચાં કરી શકતા ન હતા, નબળી નેતાગીરીના કારણે અમરેલી, માણાવદર, જામનગર, કચ્‍છ અને ગુજરાતના ઘણાં વિસ્‍તારોમાં ભાજપ સામે ભાજપીઓ જ પડકાર બનીને સામે આવી ગયા છે. પક્ષમાં અંધાધૂંધીનો માહોલ સર્જાઇ ગયો છે. પક્ષના પ્રદેશ મોભીઓ લાચાર બનીને જોયા કરે છે. પ્રચંડ બહુમતી છતાં કોંગ્રેસને તોડીને ટિકિટ આપી દેવાની પ્રવૃત્તિ, લાયકાતને બદલે સેટિંગ પ્રમાણે હોદા ફાળવવાની પ્રવૃત્તિ, લોકોના કામ કરવાને બદલે લોકોને મામા બનાવીને મત ખંખેરવાની વૃત્તિ નડી રહી છે.

પક્ષમાં વર્ષોથી મહેનત કરનારાને તડકે મૂકીને કોંગ્રેસમાંથી આવેલા સામે ભાજપ મોભીઓ મુજરા કરતા રહ્યા. દબાવેલી સ્‍પ્રિંગ હવે છટકી છે. ગજબ બાબત તો એ છે કે, ઐતિહાસિક બહુમતી ધરાવતી ગુજરાત સરકાર પોતાની પાસે કોઇ પાવર જ ન હોય તેમ દર્શક બનીને બધું જોયા કરે છે.

રાષ્‍ટ્રીય મોવડીઓએ ગુજરાતમાં પક્ષને હાસ્‍યાસ્‍પદ બનતો અટકાવવા નિર્ણાયક સર્જરી કરવી પડશે. લોકોના ગુસ્‍સાની સ્‍પ્રિંગ છટકશે તો...

(11:24 AM IST)