<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

આંસુ નહિ, આક્રોશ વહાવો

આક્રોશના ભડકામાં ભ્રષ્ટતત્વો પણ સ્વાહા થવા જોઇએઃ સંચાલકો - નેતાઓ - અધિકારીઓ સામે તપાસ ચલાવો...

 

રાજકોટના બિહામણા અગ્નિકાંડના કલાકોમાં જ દિલ્હીમાં એક હોસ્પિટલમાં આગ લાગી અને સાત નવજાત શિશુઓ ભડથુ થઇ ગયા. આ ઘટના બાદ દિલ્હી ભાજપના નેતાઓએ મોટા પાયે દેખાવો કરીને કેજરીવાલનું રાજીનામું માંગયું. દિલ્હી ભાજપ કહે છે કે, આગની ઘટના માટે દિલ્હીની ભ્રષ્ટ સરકાર જવાબદાર છે. કેજરીવાલ તપાસના નાટક કરે છે અને મંજૂરી વગર ધંધા કરવા દે છે.

દિલ્હી આગકાંડમાં ભાજપ સત્તાધીશને દોષિત ગણે છે. રાજકોટમાં પણ પૂરી મંજૂરી વગરના ગેમઝોનમાં ભયાવહ આગકાંડ થયો. અહીં શાસક ભાજપના ધારાસભ્ય કેમેરખ સામે હસતા-હસતા કહે છે, હું શું કરી શકું? ભાજપનું એક સ્થાનિક નેતુ આયોજકોને છટકાવવા ભલામણો કરે છે....

રાષ્ટ્રપતિ-વડાપ્રધાન પણ હચમચી ગયા તેવી ઘટનામાં સ્થાનિક શાસકો કે રાજય સરકારે, પ્રારંભિક ગંભીરતા દાખવી નહિ. મત માંગવા હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરતા નેતાઓ લોકોને બચાવવામાં સ્ફૂર્તિ દાખવતા જોવા મળ્યા ન હતાં. ઘટના બન્યાના સાત કલાકે ગૃહપ્રધાન સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે બધું રાખ થઇ ગયું હતું.

રાજય સરકાર પહોંચી પણ વાતોના વડા સિવાય કંઇ ન કર્યુ. રાજયના એક પ્રધાને તો જ્ઞાન વહાવ્યું કે, આ ઘટના અકસ્માત છે, માનવ સર્જિત નહિ. દિલ્હીમાં કેજરીવાલનું રાજીનામું માગનારો ભાજપ ગુજરાતમાં હાથ ઊંચા કરી રહ્યો છે.

મામા બનાવવાના ધંધા સ્પષ્ટ નજરે પડે છે.   ટીઆરપી ગેમઝોનના ભુતકાળના ફોટા જુઓ તો ખ્યાલ આવશે કે રાજકોટમાં ટોચના પદ પર સેવા આપી ચુકેલા અધિકારીઓ ગેમઝોનના માલિકો-સંચાલકો સાથે મોજ કરતા ગુલદસ્તા સ્વીકારી ખુશખુશાલ  નજરે પડે છે. મંજૂરી વગરના ગેરકાયદે ગેમ ઝોનમાં ટોચના અધિકારીઓની મીલીભગત સ્પષ્ટ નજરે પડે છે. બીજી તરફ દુર્ઘટના સ્થળેથી ભાજપનું નેતુ માલિકોને બચાવવાનો પ્રયાસ કરે છે.

આ પાપ માત્ર ગેમઝોનના માલિકોનું નથી, વ્યાપક છે. પાપમાં સીધા કે આડકતરા રાજકારણીઓ અને અધિકારીઓ સંડોવાયેલા છે. તપાસ માત્ર ગેમઝોન કે તેના માલિકો સુધી મર્યાદિત રહેવી ન જોઇએ. તમામ નાલાયકો ઉઘાડા પડવા જોઇએ.મૃતદેહો કોયલા જેવા બની ગયા છે. ઓળખ માટે DNA ટેસ્ટ કરવા   પડે તેવી સ્થિતિ છે. અનેક પરિવારો ખંડિત થયા છે. રાજકોટમાં ચોમેર આંસુ વહી રહ્યા છે. પડદા પાછળ નાલાયકો છટકબારીના ખેલ કરી રહ્યા છે. આ સમય આંસુ વહાવવાનો નથી, આગકાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે સંડોવાયેલા ને જવાબદારીનું ભાન કરાવવાનો છે. આ સમય આંખમાં આંસુ નહિ, આક્રોશ આંજવાનો છે. રાજકારણીઓ, અધિકારીઓ, જવાબદારો લોકો કાંડ ભૂલી જાય તેની રાહ જુએ છે.

લોકોમાં આક્રોશની આગ ભડકવી જોઇએ. આ ભડકામાં જવાબદારો અનિવાર્યપણે દાઝવા જોઇએ. આક્રોશ એટલો હોવો જોઇએ કે, લાયકાત વગર પદ પર ગોઠવાઇ ગયેલા નેતાઓ ધ્રુજી જવા જોઇએ. રાજા બનીને ગુજરાતને ધમરોડતા અધિકારીઓને ભાગવું પણ ભારે થવું જોઇએ. નાલાયકોને સહન કરવાની જરૂર નથી.

(12:57 PM IST)