તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
૧૬૧ કરીને શું લોચો લઇ લીધો?
પાંચ લાખની લીડની લ્હાયમાં ભાજપે કોંગ્રેસ તોડીઃ ભાજપની આબરૂ ગઇ, જનાધાર ઘટયો, કોંગ્રેસ મજબૂત થઇ!
લોકસભાની ચુંટણી સાથે ગુજરાતમાં ધારાસભાની પેટા ચુંટણી પણ યોજાઇ હતી ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોના ગઇકાલે શપથ થયા હતા. આમાના મોટાભાગના કોંગ્રેસમાંથી ભાજપમાં ઘુસેલા હતા. ગૃહમાં ઐતિહાસિક બહુમતી ધરાવતા ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થયું છે.
ભાજપમાં માથાની અછત નથી ૧૫૬ હતા તે બધાં સાથે મળીને સરપંચ સ્તરનો રખડતા ઢોર જેવો પ્રશ્ન પણ ઉકેલી શકતા ન હતા. ભાજપે હવે આ ટોળું ૧૬૧નું કર્યુ, પણ સવાલ એ છે કે, ટોળું મોટું કરીને શું લોચો લઇ લીધો...?
જંગલમાં સસલાં ઘણાં હોય, પણ સાવજની એક ત્રાડ પડે તો પણ સસલું ભયથી ગુજરી જાય... સાવજ તો દુર ગુજરાત ભાજપનું ટોળું રખડતા ઢોરથી પણ ધ્રુજી જાય છે. લોકોએ મત આપીને ભાજપને પ્રચંડ શકિતશાળી બનાવ્યો હતો. આ ભાજપીઓએ લોકોના કામ કરીને લોકપ્રિય થવાને બદલે ત્રેવડ વગરના નેતાઓને મહાકાય પદ પર બેસાડી દીધા. ભાજપીઓ પડદા પાછળ કાવાદાવા- સેટિંગ કરતા રહયા.
કોઇ જ પરાક્રમ કરી ન શકનારા ભાજપીઓએ લોકસભાની ચુંટણીમાં દરેક બેઠક પર પાંચ લાખની લીડનો ધ્યેય રાખ્યો. આ માટે કોંગ્રેસના ફાલતુ નેતાઓને તોડયા. વિચારધારા પડતી મૂકીને પડદા પાછળ લઘુમતીઓ સામે મુજરા કર્યા.
પરિણામ શું આવ્યું? ભાજપની આબરૂ ગઇ... લઘુમતીના મત ન મળ્યા, બહુમતીનો વિશ્વાસ ગુમાવ્યો. લોકસભામાં એક બેઠક ગુમાવી. પાંચ લાખની લીડને બદલે ઘણી બેઠક પર જીતવા માટે પણ શ્વાસ ચઢી ગયો. ફાયદો એક જ થયો કે, ધારાસભામાં સસલાની સંખ્યા ૧૬૧ થઇ!
ગુજરાતમાં ગોઠવાઇ ગયેલા ભાજપીઓ રાજયમાં કંઇ ઉકાળી શકયા નથી. ગુન્હાખોરીનો ગ્રાફ ભયજનક હદે વધ્યો છે. ચારેબાજુ ભ્રષ્ટ તત્વો હાહાકાર મચાવે છે. રાજકારણીઓ સેટિંગમાં મસ્ત છે. ગૃહ પ્રધાન મોટા મોટા હાકલા-પડકારા કરે છે, પણ ખુદ પોલીસ માર ખાઇ રહી છે, તેમાં પણ કંઇ ઉકાળી શકતા નથી. દારૂ બંધી છે, પણ તેનો અમલ ન કરવાના સમ ખાધા છે. ભાજપીઓએ દારૂ ઉપરાંત ગુજરાતમાં ડ્રગ્સ સહિતના વિવિધ નશાઓની વ્યવસ્થા કરી દીધી છે. ચારેબાજુ કૌભાંડો થાય છે, એ માટેની તપાસ અને કાર્યવાહી મોટા માથા ને બચાવી લેવાના ધ્યેયથી ચાલે છે.
લોકો ત્રાહીમામ છે. હિન્દુત્વના નામે મત લઇને ફાલતુ કોંગીજનોને માથા પર બેસાડીને ભાજપીઓ નાચી રહયા છે. ભગવા નીચે ઘટ્ટ લીલો કલર હાઉકલી કરે છે. સેટિંગબાજ ભાજપીઓએ ગૃહમાં ૧૬૧ માથા કરી દીધા... મોદીજીની આબરૂ સાચવી ન શકયા, છતા મોટી-મોટી વાતોના પડીકા ફેકે છે, આવા ભાજપીઓથી ગુજરાતને બચાવો, મોદીજી.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
