News of Tuesday, 18th June 2024
થોડી સફળતા, વધારે હવા
કાલે રાહુલભાઇનો જન્મદિનઃ કોંગ્રેસનું પતન અટકયું, બેઠકો વધી, પણ...
વિચિત્ર સ્થિતિ છે. સરકારી ચોપડે ફુગાવો ઘટે છે. અને મોંઘવારી વધે છે. વિપક્ષ માટે આ સ્થિતિ શ્રેષ્ઠ છે. કોંગ્રેસના નેતાઓ મોંઘવારી સામે જોરદાર નિવેદનો કરે છે, પણ કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં બે દિવસ પૂર્વે પેટ્રોલ-ડીઝલમાં લીટરે ત્રણ રૂપિયા વધાર્યા....!
લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ મજબૂત થયો છે, પરંતુ ઇન્ડિયા મોરચા પાસે વિશેષ કોઇ રણનીતિ દેખાતી નથી. આ મોરચાનો મોભી પક્ષ કોંગ્રેસ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે. લગભગ ૧૩ વર્ષથી પક્ષમાં રાહુલ પ્રભાવી નેતૃત્વ છે. ગત લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસનું પતન અટકયું છે અને થોડી બેઠકો વધી છે. પરિણામો બાદ અત્યાર સુધીની સ્થિતિ જોઇએ તો કહી શકાય કે, કોંગ્રેસને સફળતા થોડી મળી છે, પણ હવા વધારે વધી ગઇ છે.
આવતીકાલે રાહુલ ગાંધીનો જન્મ દિન છે. તેમનો જન્મ ૧૯ જુન ૧૯૭૦ ના દિને થયો હતો. કોઇ જ અનુગ્રહ-પૂર્વગ્રહ રાખ્યા વગર ચિંતન કરીએ તો રાહુલની સૌથી મોટી લાયકાત નેહરુ-ગાંધી ખાનદાનમાં જન્મ થયો એ છે. લાંબાગાળાથી રાજનીતિમાં છે, કોંગ્રેસમાં પ્રભાવી ભૂમિકા ભજવે છે, પણ તેઓ હજુ સુધી કોઇ વિશેષ પરાક્રમ કરી શકયા નથી.
રાજનીતિનો સમગ્રલક્ષી અભ્યાસ કરીએ તો તારણ નીકળે છે કે, રાહુલ યુગમાં કોંગ્રેસે પતન સિવાય કોઇ વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરી નથી. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પતન અટકયું અને થોડી બેઠકો વધી છે.
આ અંગે તટસ્થા અને વાસ્તવિક વિશ્લેષણ કરીએ તો જાણી શકાય કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ ઓવર કોન્ફીડન્સમાં હતો. ભાજપમાં આંતરિક બઘડાટી પણ જોરદાર હતી. ભાજપ પાસે ઇતિહાસ સર્જવાનો મોકો હતો, પણ એક-બીજાને પાડી દેવામાં ભાજપીઓ વ્યસ્ત હતાં. આ કારણે પક્ષની બેઠકો ઘટી છે. વિપક્ષને ચૂંટણીમાં લાભ થયો છે.
આ તારણથી લગભગ દરેક વિશ્લેષકો સહમત છે. સવાલ એ છે કે, વિપક્ષ મજૂબત થયો, કોંગ્રેસની બેઠકો વધી તેમાં કોંગ્રેસની વિશેષતાને બદલે ભાજપની ભૂલ વધારે જવાબદાર છે. ભાજપીઓ દરેક રાજયોમાં એક-બીજાને પાડી દેવા સક્રિય હતા, આ સ્થિતિમાં પણ કોંગ્રેસને ૪૦-૪પ બેઠકો જ વધારે મળી છે. શાસક આંતરિક બઘડાટીમાં હોય એ વિપક્ષ માટે સૌથી મોટી તક ગણાય, પણ કોંગ્રેસ આ તક ચૂકી ગઇ છે.
થોડી સફળતા મળી, પણ હવા ખૂબ વધી ગઇ છે. એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં શપથ વિધિ થઇ ત્યારથી લગભગ દરેક કોંગી નેતા મોદીનું રાજીનામું માગે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ છ વખત આગાહી કરી કે મોદી સરકાર તુટી પડશે... રાહુલ ખુદ મહાજંગ જીત્યા હોય તે રીતે રજૂ થાય છે.
અત્યાર સુધી ભાજપ ઓવર કોન્ફીડન્સમાં હતો, હવે આવી દશા કોંગ્રેસની બની રહી છે, દેશને ગંભીર અને નિર્ણાયક વિપક્ષની જરૂર છે. કોંગ્રેસ વાસ્તવિક બનવાને બદલે હવામાં જ રહેશે તો પક્ષને જ નહિ, દેશને પણ નુકશાન છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
