<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

રાજયમાં વિપક્ષ માટે મહાકાય તક

રાજકોટમાં કોંગ્રેસ સક્રિય, પણ લડત નિર્ણાયક બનવી જોઇએઃ તક ચૂકી ગયા તો...

 સ્‍પીકરપદ માટે ટીડીપીએ હઠાગ્રહ કરતા ભાજપ ફરીથી ભીંસાયો છે. લોકસભાની ચૂંટણી બાદ રાષ્‍ટ્રીયસ્‍તરે ભાજપ ગોટે ચઢી ગયો છે. સાથી પક્ષોને સાચવવા મોટો પડકાર બન્‍યો છે. ગુજરાતમાં ભાજપ ચૂંટણી પૂર્વે જ સાવ ડલ થઇ ગયો હતો, ચૂંટણી બાદ પક્ષ આકરા પગલાં ભરાશે તેવી આશા હતી, પણ કેન્‍દ્રમાં જ ભાજપ ફસાઇ ગયો હોવાથી ગુજરાત લટકી ગયું છે. આ સંજોગોમાં ઘણાં વર્ષો બાદ ગુજરાતમાં વિપક્ષ માટે મોટી તક સર્જાઇ છે.

ગઇકાલે સુત્રો દ્વારા ગુજરાત સરકારે સમાચાર પ્રસારિત કરાવ્‍યા કે, રાજયમાં દારૂના ભાવ વધતા પરમીટ લેનારાની સંખ્‍યા ઘટી ગઇ. કેટલો હાસ્‍યાસ્‍પદ તર્ક છે...? પરમીટ લેવાની ગુજરાતમાં જરૂર રહી છે ખરી ? જયાં માંગો ત્‍યાં જોઇએ તેટલો મળી જતો હોય તો પરમીટની મગજ મારીમાં શા માટે પડવું...?

રાજયમાં નબળી નેતાગીરીના કારણે જનાધાર ઘટી ગયો છતાં નાટક બંધ થતા નથી. આ સ્‍થિતિ વિપક્ષ માટે તક સમાન છે. સ્‍થાનિકથી માંડીને રાજયસ્‍તરના ભાજપીઓ કંઇ ઉકાળી શકતા નથી. રાજકોટમાં ભયાવહ અગ્નિકાંડ બાદ પણ સમિતિઓ અને તપાસના નામે નાટક કર્યે રાખે છે.  માછલા પકડયા, મગરમચ્‍છો છટકી રહ્યા છે. હાઇકોર્ટની બેફામ ઝાટકણી પછી પણ સરકાર કંઇ કરી શકતો નથી.

આ સ્‍થિતિમાં રાજકોટમાં કોંગ્રેસે જોરદાર કાર્યક્રમો કર્યા છે. કોંગ્રેસ ઘણાં વર્ષો બાદ અગ્નિકાંડથી માંડીને ખાનગી શાળાઓ સુધીના મુદ્‌્‌ે લડત આપે છે. જો કે આ લડત નિર્ણાયક જેવી નથી. ઘણાં કોંગીજનો તો કરવા ખાતર જ વિરોધ કરે છે. વિપક્ષમાં સ્‍થાનિક સ્‍તરે લડાયક નેતાની જરૂર છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં એક જ બેઠક ભલે મળી, પરંતુ દરેક બેઠકો પર કોંગ્રેસના મત વધ્‍યા છે. મોદી-શાહના ગુજરાતમાં એક બેઠક ખુંચવી લેવી એ સામાન્‍ય બાબત નથી. ચિંતન કરવા જેવી બાબત એ છે કે, વર્ષોથી રાજયમં કોંગ્રેસ સાવ નિસ્‍ક્રીય - નબળી છે, ચૂંટણી પૂર્વે પણ કોંગ્રેસ કોઇ જ લડત આપી ન હતી. આમ છતાં કોગ્રેસનો દેખાવ સુધર્યો છે.

મતલબ એ છે કે, ભાજપના ગામડાથી રાજયસ્‍તરના સાવ નબળા નેતાઓથી લોકો જ કંટાળી ગયા છે. આ સ્‍થિતિમાં કોંગ્રેસ લોકપ્રશ્નોને નજરમાં રાખીને નિર્ણાયક લડત આપે તો લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી શકે. લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ-આપનું જોડાણ તૂટી ગયું છે.

‘આપ' ના દમ વગરનાં નેતાઓ પણ રાજકોટ આવીને અગ્નિકાંડ મુદ્‌્‌ે  પત્રકાર પરિષદ કરીને આક્રોશના નાટક કરવા લાગ્‍યા છે. ઇસુદાન અને તેની ટોળકી કયારેય માર્ગો પર આવીને લોકપ્રશ્ને લડી નથી. આ ટોળકીને એસીમાં બેઠા-બેઠા મત જોઇએ છે. આવો નાટકિયો પક્ષ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બને તેમ છે.

કોંગ્રેસ પણ વિરોધના નાટક કર્યે રાખશે તો મળેલી તક ગુમાવશે. શકિતસિંહે ડલ અને સેટિંગબાજ કોંગીજનોને ચેતવણી આપવી જોઇએ. ભાજપ સરપંચથી વડાપ્રધાન પદ સુધી ગોટે ચઢયો છે. વિપક્ષ માટે જનાધાર વધારવાનો સમય છે.

(11:22 AM IST)