<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

ચૂંટણી સ્‍પીકરનીઃ પાણી મપાયા

કોંગ્રેસે ઉમેદવાર રાખ્‍યા, પણ વિપક્ષ પ્રથમ ધડાકે જ વેરવીખેરઃ સરકાર સફળ રહી, પણ....

 લોકસભા સ્‍પીકર મુદ્‌્‌ે શાસક મોરચો એન. ડી. એ. માં જ વિવાદ થાય તેવું અનુમાન રાજકીય સમીક્ષકોનું હતું, પણ ભાજપનો હાથ ઉપર રહ્યો. મોરચામાં વિવાદ ન થયો. સ્‍પીકર પ્રકરણ સરળતાથી ઉકેલાઇ ગયાનું લાગતું હતું ત્‍યાં ટ્‍વીસ્‍ટ આવ્‍યો.

કોંગ્રેસે વિપક્ષનો ઉમેદવાર જાહેર કર્યો. આ જાહેરાત થતા રાજકીય રોમાંચ સર્જાઇ ગયો. કોંગ્રેસને આશા હતી કે, એન. ડી. એ. ના અમુક મતો પણ વિપક્ષના ઉમેદવારને મળશે. જો કે ઉમેદવાર જાહેર થયાના બે કલાકમાં જ વિપક્ષનું પાણી મપાઇ ગયું.

તૃણમૂલ નેતા મમતા બેનરજીએ વિરોધ કરતા કહયું કે, કોંગ્રેસે અમારી જાણ બહાર વિપક્ષના નામે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. આવો જ સૂર આમ આદમી પાર્ટીના રહ્યો હતો.

લોકસભાની ચૂંટણી બાદ વિપક્ષ ગૃહમાં મજબૂત થયો છે, પરંતુ કોંગ્રેસે સ્‍પીકરપદના ઉમેદવાર જાહેર કરતા જ વિપક્ષની મજબૂતીનું પાણી મપાઇ ગયું. આ અંગે રાજકીય સમીક્ષકો કહે છે કે, નોંધ લેવા જેવી બાબત એ છે કે, રાહુલ ગાંધી વિપક્ષ નેતા બનવાનું નકકી થયા બાદ સ્‍પીકર ઉમેદવાર જાહેર કરવાનો નિર્ણય થયો હતો. રાહુલના નેતૃત્‍વમાં કોંગ્રેસ પુખ્‍ત નિર્ણય કરે તેવી આશા રાખી ન શકાય.

એન. ડી. એ. માં ફૂટ પડવવાના ધ્‍યેયથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા અને ફુટ વિપક્ષમાં પડી. સ્‍પીકરપદની ચૂંટણી યોજાવીને કોંગ્રેસે રણનીતિ વગરનું પગલું ભર્યુ હતું.

આ નિર્ણયથી સરકાર મજબૂત બનીને ઉભરી અને વિપક્ષ વેરવીખેર દેખાયો. રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં તડફડ રહેશે, પણ રણનીતિ પૂર્વક વિપક્ષ નેતા આગળ ધપે તેવું લાગતું નથી. છેલ્લા ૧૦ વર્ષમાં રાહુલનું નેતૃત્‍વ કોંગ્રેસને કે વિપક્ષને અનુકુળ હોય કે ન હોય, ભાજપને અનુકુળ આવી ગયું છે. ગંભીરતા-રણનીતિનો અભાવ સ્‍પીકરની ચૂંટણીમાં જ નજરે પડયો હતો. આ રીતે વિપક્ષના નેતા આગળ ચાલશે તો પાતળી બહુમતી ધરાવતી મોદી સરકારને અનુકુળ આવી જશે.

જો કે સ્‍પીકરપદમાં ભાજપનો હાથ ભલે ઉપર રહ્યો, પરંતુ સરકારને વિપક્ષને બદલે ખુદના સાથીદારોથી જ ખતરો છે. પાતળી બહુમતીના કારણે સરકારે સાથીદારોને સંતુષ્‍ટ રાખવા અનિવાર્ય છે.

અમુક રાજકીય સમીક્ષકો આગાહી કરે છે કે, ટૂંકાગાળામાં નવા-જૂની થનાર છે. વિપક્ષમાં રહેલા અમુક પક્ષો એનડીએનો હિસ્‍સો બની જશે અથવા અમુક પક્ષો તૂટીને ભાજપમાં મર્જ થઇ શકે છે. કોઇપણ ભોગે સરકાર મજબૂત બનવા મથી રહી છે.

(9:40 AM IST)