તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Friday, 28th June 2024
હવે હાજીહાથી કામ નહિ ચાલે
આંતરિક અંધાધુંધીથી પરિણામોના આઘાત બાદ ગુજરાત ભાજપની કારોબારીઃ પાવર ફૂલ નેતૃત્વ નહિ મળે તો...
ગુજરાતમાં પ્રધાન મંડળની બેઠકમાં ભાજપનો ગઢ રાજકોટ કોંગ્રેસના એલાનથી બંધ રહ્યું, તેની ગંભીર નોંધ લેવાઇ છે. માત્ર આકરા નિવેદનો કરવાથી હાસ્યાસ્પદ બની ગયેલા ગુજરાતના પ્રધાને અગ્નિકાંડ મામલે કહ્યું કે, ચમરબંદીને પણ છોડાશે નહિ.
આ પ્રધાનશ્રીને કોઇકે જાણ કરવી જોઇએ કે, ચમરબંદીને છોડતા પહેલા તેને પકડવા જરૂરી હોય છે...! નાના અધિકારી સિવાય કોઇ પકડાયા જ નથી તો છોડવાની વાત કયાં આવી ?
મોદી-શાહના ગઢ ગુજરાતમાં ભાજપ સાવ ખોખલો થઇ ગયો છે. લોકો ત્રાહીમામ છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આવેલા પરિણામો ચેતવણીરૂપ છે. જો કે પક્ષમાં અને સરકારમાં દમ વગરની નેતાગીરીના કારણે ભાજપમાં આંતરિક અંધાધુંધી પરાકાષ્ઠાએ છે. સરકારને કે પક્ષને લોકોની કંઇ જ પડી નથી. વિચારધારાના કંઇ ઠેકાણા રહ્યા નથી.
રાજયમાં ભયાવહ સમસ્યાઓ અટ્ટહાસ્ય કરી રહી છે. ગુન્હાખોરોથી પોલીસ પણ ધ્રુજી રહી છે. સરકારને શરમ પણ આવતી નથી. ધારાસભામાં ઐતિહાસિક બહુમતી પછી પણ કોંગ્રેસની ફાલતુ નેતાઓને પક્ષમાં સ્થાન આપીને મોટાભા બનાવી દીધા. ચૂંટણી વખતે કાવા દાવા - સેટિંગ કર્યા. પક્ષે શું લોચો લઇ લીધો....?
ગામડાથી માંડીને ગાંધીનગર સુધી પક્ષમાં અને સરકારમાં હાજીહા નેતાગીરી ગોઠવાઇ ગઇ છે. ઘણાં તર્ક વ્યકિત કરે છે કે, ગુજરાતના નેતાઓને પદ અપાયા છે, પણ પાવર અપાતો નથી. આ તર્ક કદાચ સાચો હોય, પરંતુ વિચાર કરો - ગુજરાત સરકારમાં ગોઠવાઇ ગયેલા નેતાઓને પાવર અપાય તો પણ તે કંઇ ઉકાળી શકે તેમ છે...? તેમની પાસે સમગ્ર ગુજરાતમાં કામ કરવાની લાયકાત, ક્ષમતા કે ડિઝાઇન જ નથી...
આવા નેતાઓથી ગુજરાતને મુકત કરવું પડશે. મોદીજી બાદ રાજયમાં ત્રણ સરકારો આવી, પણ હાજીહા જ હતી. આ કારણે રાજયમાં ભાજપ પતન તરફ ગતિ કરવા લાગ્યો છે. આગામી સમયમાં ભાજપની પ્રદેશ કારોબારી મળી રહી છે. પક્ષની આંતરિક અંધાધુંધી અને ચૂંટણી પરિણામોના આઘાત બાદ આ મીટિંગ મળે છે.
ભાજપ માટે જ નહિ, આ સમય ગુજરાત માટે પણ નિર્ણાયક છે. રાજયમાં કાયદા-કાનૂન જેવું કંઇ રહ્યું નથી. અધિકારીઓ માલામાલ છે. અને પક્ષના નેતાઓ બેફામ છે. દારૂથી માંડીને ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય મથક બની ગયું છે. સામાન્ય માણસ પરેશાન છે. ચોમેર ભ્રષ્ટાચાર છે. આ સ્થિતિ રાજયની બને તેવી કલ્પના પણ થઇ શકતી ન હતી.
મોદીજી, શાહજી, તમને પક્ષમાં - સરકારમાં હાજીહા નેતાઓ પોસાતા હશે, પણ ગુજરાતને આવા નેતાઓ ભારે પડે છે. રાજયને નિર્ણાયક નેતા આપો, પક્ષ-રાજયનું હિત તેમાં છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
