<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

લાખોની કમાણી, હજારોનો દંડ !

ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ સામે કાર્યવાહી શંકાસ્‍પદ : નિયમ જ સેટિંગ જેવા બની ગયા

ગુજરાતમાં અતિ ગંભીર ગણાતા એક પણ પ્રશ્નનો કાયમી ઉકેલ ન લાવવો, તેવો સંકલ્‍પ શાસકોએ કરી લીધો હોય તેમ લાગે છે. નિર્ણાયક કાર્યવાહીને બદલે જીવલેણ જેવા પ્રશ્નોમાં સેટિંગ જેવા જ ખેલ થાય છે.

જવાબદારીના ભાન વગરના શાસકોના કારણે ગુજરાતમાં શુધ્‍ધ ખાદ્ય સામગ્રી શોધવી કઠીન બની છે. ખોરાકમાં ઝેરી ભેળસેળ વ્‍યાપક બની છે. ગામેગામ અખાદ્ય સામગ્રી મળી રહી છે. દરરોજ ઢગલાબંધ પકડાઇ રહી છે અને ન પકડાયેલી લોકોની હોજરીમાં જઇ રહી છે.

ગુજરાતીઓ નાની ઉંમરે જીવલેણ રોગોનો ભોગ બને છે, પણ સરકાર કે તંત્ર જરાપણ ગંભીર નથી. નિયમો અને કાર્યવાહી એવા બનાવી દીધા છે કે, ભેળસેળિયા તત્‍વો અને તંત્રને મોજ થઇ ગઇ છે અને નિર્દોષ લોકો મરી રહ્યા છે.

ગઇકાલના રાજકોટના સમાચાર પ્રમાણે ટૂટીફૂટી, ઘી, દૂધ, પનીરમાં ઝેરી ભેળસેળ સાબિત થતા અધિક કલેકટરના તંત્રએ આઠ વ્‍યાપારીઓને રૂા. ૧૧ લાખનો દંડ ફટકાર્યો.

સામાન્‍ય માણસને રૂા. ૧૧ લાખ મોટી રકમ લાગે, પરંતુ ભેળસેળિયા તત્‍વો માટે આ દંડ મોજે દરિયા જેવો બની ગયો છે. ભેળસેળિયા તત્‍વો શુધ્‍ધતાના નામે હલકા - ભેળસેળિયા ખોરાક ધાબડીને લાખો રૂપિયાનો નફો કરે છે અને પકડાય ત્‍યારે હજારોનો દંડ ભરીને છૂટી જાય છે.

ભેળસેળિયો - ઝેરી ખોરાક ખરીદીને લોકો છેતરાય છે, જીવલેણ બિમારીનો ભોગ બને છે, આ ગંભીર ગુન્‍હામાં નિર્ણાયક સજા કરવાને બદલે આર્થિક દંડ કરીને સરકાર - તંત્ર આવક મેળવીને અધિકારીઓ પ્રસિધ્‍ધિ મેળવે છે. સમસ્‍યા લટકતી જ રહે છે.

સામાન્‍ય - નિર્દોષ લોકોને ફાયર એન.ઓ.સી.ના નામે સીલ મારીને ધંધા બંધ કરાવ્‍યા. ઝેરી ભેળસેળ કરનાર વ્‍યાપારીને દંડ કરીને તંત્ર મોજ કરાવે છે. ખોરાકમાં ઝેરી ભેળસેળ પકડાય તેને આકરી સજા અને તેના વ્‍યાપાર સ્‍થાનને એક વર્ષ સીલ મારવાનો નિયમો કેમ નથી બનાવાતો ?

મહત્‍વની બાબત એ છે કે, ભેળસેળનો ભોગ નિર્દોષ લોકો બને છે. સરકાર દંડની જે રકમ ઉઘરાવે છે એ રકમ ભોગ બનનારને વિતરણ ન કરવી જોઇએ ? ફૂડ માર્કેટમાં ભેળસેળિયા લોકો દરરોજ કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે. જ્‍યારે ભેળસેળ પકડાય ત્‍યારે હજારો કે લાખ રૂપિયા દંડ ભરી દેવો એ ભારે પડે ?

રોકડ રકમનો દંડ એ નિયમ પ્રમાણેના સેટિંગથી વિશેષ કંઇ નથી. લોકોએ અને મીડિયાએ આવી કાર્યવાહીનો જબ્‍બર વિરોધ કરવો જરૂરી છે. ગુજરાતને ઝેરી બનતું અટકાવો.

(10:25 AM IST)