News of Monday, 1st July 2024
રાજકોટ એરપોર્ટના રાજકીય પડઘા
આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું છાપરું રાષ્ટ્રીયસ્તરે ચર્ચાયું : ભાજપે વધારે સજ્જ-સક્ષમ બનવું પડશે
ગુજરાત સુખી - સમૃધ્ધિ - બૌધ્ધિક - વિકસિત રાજ્ય હોવાનું બ્રાન્ડિંગ થયું છે. મોદીજી રાજ્યની ધૂરા સંભાળતા હતા ત્યારે શાસનની આક્રમકતા અનુભવાતી હતી. બાદમાં તકલાદી શાસનનો જ અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતના મુખ્ય આર્થિક શહેરો ગણાતા સુરત અને અમદાવાદની ગઇકાલની જ સ્થિતિ ખરાબ હતી. પ્રથમ વરસાદે જ બંને શહેરો તરવા લાગ્યા હતા. સ્થાનિક શાસકોથી માંડીને રાજ્યના શાસકો કંઇ ઉકાળી શકતા નથી.
અમદાવાદ - સુરતમાં તો નોંધપાત્ર વરસાદ પડયો છે. રાજકોટમાં તો સીઝનનો છૂટો છવાયો ચાર-પાંચ ઇંચ વરસાદ થયો છે. આટલા વરસાદમાં જ ખાના-ખરાબી સામે આવી ગઇ છે. ચોમેર ગંદકી - પાણી ભરાવાના પ્રશ્નો, રોગચાળા ફાટી નીકળ્યા છે.
તાજેતરમાં રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયું હતું, જેનું ઉદ્ઘાટન ધામધૂમથી થયું હતું. વિકાસ - સમૃધ્ધિના મોટા-મોટા દાવા થયા હતા. આ વિકાસ અડધો ઇંચ વરસાદમાં ધ્વસ્ત થઇને ભંગાર થઇ ગયો હતો. રાબેતા મુજબ ભારે વરસાદનું બહાનુ આપી દેવાયું હતું, પરંતુ સામાન્ય છાંટામાં જ છતનું પતરું તૂટી પડયું હતું. વિકાસ તકલાદી સાબિત થયો હતો.
આ ઘટનાના અસામાન્ય પડઘા પડયા છે. રાજકોટની ઘટના બની તેના આગલા દિવસે જ દિલ્હી એરપોર્ટમાં છત તૂટી હતી. દિલ્હીની ઘટના અંગે ભાજપીઓએ નિવેદન કર્યું હતું કે, આ એરપોર્ટ કોંગ્રેસના શાસનમાં બન્યું હતું.
બીજા જ દિને રાજકોટ એરપોર્ટની છત તૂટી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ સામે મસ્તીના કટાક્ષ કર્યા હતા. પ્રિયંકા ગાંધીથી માંડીને અન્ય નેતાઓએ ભાજપને બરાબરનો ઝાટક્યો હતો. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે, ‘રાજકોટ એરપોર્ટ દુર્ઘટના માટે પણ નેહરુને જ જવાબદાર ગણવા જોઇએ, નિર્માણ - ઉદ્ઘાટન ભલે મોદીજીએ કરાવ્યું હોય...'
આપના સાંસદ સંજય સિંહે કહ્યું કે, રાજકોટ એરપોર્ટ ચંદા લો, ધંધા દો યોજના હેઠળ ધડામ થયું છે. આ ઘટનામાં તપાસ પણ નહિ થાય, કારણ કે, પડદા ઉપર અને પડદા પાછળ બધે જ ભાજપ સંડોવાયેલો છે.
મોદીજી સળંગ ત્રીસેક વર્ષથી શાસક છે. ગુજરાત - કેન્દ્રના શાસનમાં મોદીજીએ ક્યારેય આક્રમક વિપક્ષનો સામનો કર્યો નથી. વિપક્ષ બિચારો જ રહ્યો હતો. હવે વિપક્ષ રાજકોટ જેવા મુદ્દે પણ રાષ્ટ્રીય સ્તરે બઘડાટી બોલાવે છે. અગ્નિકાંડ બાદ એરપોર્ટ... ગુજરાતનું શાસન રાષ્ટ્રીયસ્તરે ઉઘાડું પડી રહ્યું છે.
રાજ્યમાં અને દેશમાં વિપક્ષ નબળો હતો તેથી તકલાદી ગુજરાતના શાસકો ઉઘાડા પડતા ન હતા. આ કારણે લોલમલોલ ચાલતું હતું. હવે ભાજપે વધારે સક્ષમ અને સજ્જ થવું પડશે. મોદી - શાહનું ગુજરાત રાષ્ટ્રીયસ્તરે હાસ્યસ્પદ બની રહ્યું છે.
વિપક્ષની બોલતી બંધ કરવાને બદલે શાસકોને જવાબદાર અને સક્ષમ બનાવવા એ શ્રેષ્ઠ માર્ગ ગણાય. ગુજરાતમાં જવાબદારીપૂર્વક કામ કરે તેવા નેતા નથી ? ગુજરાતને બદનામ થતું અટકાવો.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
