<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

બીક છોડો, મેદાનમાં આવો

અમરેલી ભાજપ નેતા દૂધાતનું અભિનંદનીય કાર્યઃ સૌરાષ્‍ટ્રભરમાં ભાજપી કાર્યકરો દૂષણો સામે મેદાનમાં આવે તો પક્ષની મોટી સેવા થશે

કચ્‍છમાં લેડી કોન્‍સ્‍ટેબલે બુટલેગર સાથે પોલીસ અધિકારી અને તેની  ટીમને ફોર વ્‍હીલમાં કચડી નાખવાનો પ્રયાસ કર્યો. આ ખતરનાક ગુન્‍હામાં ઝડપાયેલી લેડી કોન્‍સ્‍ટેબલને તુરત જ જામીન મળી ગયા...

પોલીસ પરના જીવલેણ હુમલાને પણ ગંભીરતાથી લેવાતા ન હોય તે ગુજરાતમાં સામાન્‍ય માણસની દશા કેવી હશે ? ગુજરાત અતિ જોખમી સંજોગોમાંથી પસાર થઇ રહ્યું છે. ભાજપ અને સરકારમાં ટોચ પર ગોઠવાઇ ગયેલા અમુક નેતાઓના કારણે પક્ષ-સરકારની આબરુ ધૂળમાં મળી રહી છે. અધિકારીઓ ફાટીને ધૂમાડે ગયા છે.

લોકો પરેશાન છે. આ સ્‍થિતિમાં ચૂંટણી જીતવા ભાજપના નેતાઓ વિપક્ષને તોડે છે. આ કારણે નિષ્‍ઠાવાન કાર્યકરો-નેતાઓ નારાજ છે. પદ પર ગોઠવાઇ ગયેલા નેતાઓની ધાકના કારણે કંઇ બોલી કે કરી શકતા નથી. સ્‍થિતિ કહી ન શકાય, સહી ન શકાય તેવી વિચિત્ર છે.

ગઇકાલે સૌરાષ્‍ટ્રમાં એક ઘટના મસ્‍તીની બની. અમરેલીના લીલિયામાં ભાજપના નેતા-જિલ્લા પંચાયતના સભ્‍ય વિપુલ દૂધાતે બુટલેગરોનો પીછો કરીને દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપી લીધા. બુટલેગર ઇસમોને પોલીસમાં હાજર કરીને નાલાયક તંત્રનું નાક કાપી લીધું.

લીલિયામાં જે બન્‍યું તે અભિનંદનીય છે. સૌરાષ્‍ટ્રભરના નિષ્‍ઠવાન ભાજપી કાર્યકરો-નેતાઓએ આમાંથી પ્રેરણા લેવી જોઇએ. ગામે ગામ દારૂની બેરોકટોક રેલમછેલ ચાલે છે, અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓના સેટિંગ હોવાની શંકા ઘણાંને છે. આ કારણે અસંખ્‍ય પરિવારો બરબાદ થાય છે. દારૂડિયા ભાન ભૂલીને ડીંગલ કરે છે. ભાજપી કાર્યકરે ગામે-ગામ બીક છોડીને મેદાનમાં આવવાની જરૂર છે.

ચારેબાજુ જનતા રેડ કરાવીને, સ્‍ટીંગઓ પરેશાનો કરીને સેટિંગબાજ તંત્રને ઉઘાડું પાડીને જવાબદાર નેતાઓને જવાબદારીનું ભાન કરાવવું જોઇએ. ભાજપના કાર્યકરો-નેતાઓ આવા સમાજહિતના ઓપરેશન કરવા લાગે તો તે પોતાના જ વિસ્‍તારમાં લોકપ્રિય બની જાય. લોકોનું સમર્થન હોય તેવા નેતા-કાર્યકરો સામે પગલા ભરવામાં પક્ષને પણ વિચાર કરવો પડે. સમગ્ર સૌરાષ્‍ટ્રમાં દારૂ જેવા દુષણો સામે ખુદ કાર્યકરો જ મેદાનમાં આવી જાય તો પક્ષે અને સરકારે પણ દારૂ બાબતે સક્રિય બનવું જ પડે.

સરકાર-પક્ષ સેટિંગથી દૂર જઇને લોકહિતના કાર્યોમાં સક્રિય બને તો કાર્યકરો દ્વારા પક્ષની મોટી સેવા થઇ ગણાય. રાજકોટથી માંડીને અંતરિયાળ ગામડાં સુધી દારૂ જેવા દુષણોનો પાર નથી. કાર્યકરો સંગઠિત થઇને લોકોને સાથે રાખીને રેડ કરવા માંડે તો પોલીસને પણ આબરૂ બચાવવા મેદાનમાં આવવાની ફરજ પડે.

બીક રાખ્‍યા વગર નિષ્‍ઠાવાન કાર્યકર-નેતાઓએ મેદાનમાં આવવાનો સમય છે. મોટી સંખ્‍યામાં સંગઠિત થઇને કાર્યકરો દૂષણો સામે જંગે ચઢે તો પદ પર ગોઠવાયેલા નેતાઓને પણ શરમ આવશે. લીલિયામાં થયો તેવો પ્રયોગ કરવા જેવો છે.

(10:01 AM IST)