<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ગુજરાત બચાવવું હોય તો...

ભાજપે આક્રમક - નિર્ણાયક નેતાગીરી ગોઠવવી જ પડશેઃ કાવા- દાવા છોડીને લોકોને કામ કરવા તાકાત વાપરો

ગુજરાતમાં ઘણા વર્ષે પ્રથમ વખત વિપક્ષ કોંગ્રેસની આક્રમકતા સામે  ભાજપ ઢીલો પડી રહયો છે. રાજકોટમાં પોલીસ કમિશનરે મનઘડંત નિયમ જાહેર કરી દીધો કોંગ્રેસ આક્રમક બની  આ આક્રમતા સામે એક પણ ભાજપી નિવેદન પણ ન કરી શકયો અને પોલીસ કમિશનરને પણ કંઇ ન કહી શકયો.

માત્ર રાજકોટમાં જ નહી સમગ્ર ગુજરાતમાં ભાજપની આવી દશા છે. સરકાર અને પક્ષમાં ગોઠવાઇ ગયેલા ઉપર હા-જી-હા કરે છે  અને નીચે તેનું કોઇ સાંભળતું નથી. આ કારણે ગુજરાતમાં જનસમર્થન તૂટી રહ્યું  છે.

રાજકોટ અગ્નિકાંડ બાબતે એક રમૂજ ચાલે છે કે, સાગઠિયાની તટસ્‍થ બનીને તપાસ થાય તો ભાજપના મોટા ગણાતા માથા અંદર થઇ જાય. નવી જ નેતાગીરી સર્જવી પડે. સાગઠિયા ધરી માત્ર છે, તેની આસપાસ ભાજપીઓ અને બિલ્‍ડર્સ ઘુમતા હતા.

લોકો જાય તેલ લેવા તેવી નીતિ ભાજપમાં ઉપરથી નીચે સુધી હતી. ચુંટણી આવે ત્‍યારે ભાજપીઓ ઘાંધા થાય. હિન્‍દુત્‍વના ગોકીરા કરે અને કોંગ્રેસના ફાલતુ તત્‍વોને તોડીને પક્ષમાં ઘાલે. મીર માર્યો હોય તેવો દેખાવ કરે. લોકોને મૂરખ સમજતા ભાજપીઓને લોકસભાની ચૂંટણીમાં આંખે અંધારા આવી ગયા હતા.

કોંગ્રેસ મુકત ભારતનો નારો હતો, પણ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની અલોપ થવાને બદલે મજબૂત બની છે. ઐતિહાસિક બહુમતી ધરાવતા ગુજરાતના ભાજપીઓ કોંગ્રેસની આક્રમકતા સામે ગેંગેફેફે થવા લાગ્‍યા છે.

હવે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી આવી રહી છે. ભાજપીઓ માટે કસોટીનો સમય છે. હવે હાજીહા નેતાગીરીથી કામ ચાલે તેમ નથી. કોંગ્રેસને તોડીને પક્ષ મજબૂત બનાવવાની નીતિ ફેઇલ ગઇ છે. કાવા-દાવાથી લોકો કંટાળી ગયા છે. ભાજપીઓના સેટિંગ ઉઘાડા પડી ગયા છે. અગિ્નકાંડ બાદ ભાજપના મોટામાથા ફફડી ગયા છે.

આવી દમ વગરની નેતાગીરીથી હવે પક્ષે મુકત થવાની જરૂર છે. કાવા-દાવા, સેટિંગ, વિપક્ષને તોડવાની પ્રવૃતિ બંધ કરીને લોકહિતમાં તાકાતને લગાવવી પડશે. આ માટે આક્રમક અને નિર્ણાયક નેતાગીરી ગોઠવવી પડશે. ફાલતુ નેતાઓથી પક્ષે મુકત થવું પડશે.

હજુ મોડું નથી થયું, ગુજરાતને બચાવવું હોય તો આ સમય જાગવાનો છે. ફાલતુ નેતાઓને ઘેર બેસાડીને જવાબદાર નેતાને પદ-પાવર આપીને  ટાર્ગેટ આપવા પડશે. અધિકારીઓની  દાદાગીરી સામે પણ આક્રમક બનવું જરૂરી છે. મોદીજી, ગુજરાતની સ્‍થિતિને ગંભીરતાથી લો.

(9:56 AM IST)