News of Saturday, 13th July 2024
વ્યાજખોરોનું અટ્ટહાસ્ય... ગુજરાત ભય માં
રાક્ષસી પ્રવૃતિમાં અનેક પરિવારો સ્વાહાઃ ભાંગી તોડી નાખવાના નિવેદનો કરનાર ગૃહ પ્રધાનની ધાકનો અભાવ
રાજકોટમાં કોંગ્રેસ પાસે ૩ કોર્પોરેટર છે. ભાજપના કોર્પોરેટર ૬૯ છે. પાવરફુલ દેખાતો ભાજપ વિપક્ષને ગણકારે પણ નહિ, તેવી સંખ્યાબળની સ્થિતિ છે. વાસ્તવિકતાએ છે કે, વટ કોંગ્રેસનો પડી રહ્યો છે. કોંગ્રેસે માર્ગો પરનાં ખાડા બુરવાનું શરૂ કર્યા બાદ ભાજપીઓ ખાડા બાબતે સક્રિય થયા. લોક પ્રશ્નો બાબતે ભાજપ સાવ ખાડે ગયેલા પક્ષ બની ગયો છે. જો કે કોંગ્રેસ સ્કૂર્તિમાં આવી જતા ભાજપીઓને લાચાર બનીને લોકપ્રશ્ને જોતરાવુ પડે છે.
માત્ર રાજકોટમાં જ નહી, ગ્રામીણક્ષેત્રથી માંડીને ગાંધીનગર સુધી આવી દશા છે. ગુજરાતમાં જીવણેલ જેવા મુદ્દે પણ ભાજપ કંઇ ઉકાળી શકતો નથી. પ્રચંડ બહુમતી ધરાવતા શાસકોને ગુજરાતમાં કોઇ બ્રેક મારી રહ્યું છે કે ભાજપીઓની ત્રેવડ જ નથી ?
પાંચ-છ દિવસથી ગુજરાતમાં વ્યાજખોર રાક્ષસો સામે લડવાની વાતો ગુજરાત સરકાર અને પોલીસતંત્ર કરે છે, પણ રાક્ષસો સામે શસ્ત્રો વગર લડતા હોય તેમ લાગે છે. વ્યાજખોરો સામે લડતના એલાન બાદ પણ રાક્ષસો ભય વગર અટ્ટહાસ્ય કરે છે હાકલા પડકારા કરી રહેલા ગુજરાતના ગૃહ પ્રધાન દર્શક બનીને લોકોના કમોત જોઇ રહ્યા છે.
જામનગરના આહીર પરિવારે સામૂહિક આપઘાત કર્યા બાદ દબાણમાં આવેલ પોલીસે ટાબરીયા જેવા બે રાક્ષસોને પકડયા લાંબાગાળા સુધી કેસ ચાલશે અને અન્ય પીડિતોના પણ મોત થશે. વ્યાજખોરીનું તાંડવ ગુજરાતના ગામેગામ ચાલી રહ્યું છે. આ રાક્ષસી પ્રવૃતિના મૂળિયા ખૂબ ઊંડા હોવાની આશંકા છે પોલીસતંત્ર માત્ર વ્યાજખોરીના ઝેરી વૃક્ષના પાંદડા તોડીને જ સંતોષ માની લે છે, રાક્ષસી વૃત્તિના મૂળ સુધી જવાનો પ્રયાસ પણ થતો નથી.
વ્યાજખોરીમાં પકડાઇ રહેલા ટાબરિયાઓ માત્ર માછલા જેવા છે, તંત્રએ મગરમચ્છો સુધી પહોંચવું જરૂરી છે. ઘટનાઓ અંગે ઊંડાણથી અને નિષ્ઠાપૂર્વક તપાસ થાય તો જ મગરમચ્છો હાથમાં આવે. જાણકારો કહે છે કે, વ્યાજખોરીના ચકરડા ફેરવનારાઓમાં નેતાઓ અને પોલીસતંત્ર ઉપરાંત મોટામાથાઓ મુખ્ય છે. તેઓની રકમો ફરે છે અને આવા માથાઓના પીઠબળથી ટાબરિયા સમાજમાં રાક્ષસ બનીને તાંડવ કરે છે. અસંખ્ય પરિવારો સ્વાહા થઇ રહ્યા છે.
ગુજરાત સરકાર અને પોલીસતંત્રમાં ત્રેવડ હોય તો રાક્ષસોના મૂળમાં ઘા કરીને પ્રશ્ન ઉકેલે. આવું કરવાની ત્રેવડ ન હોય તો વ્યાજખોરી સામેના જંગના લવારા બંધ કરો. આ મુદે કોંગ્રેસ પણ મેદાનમાં નથી આવતી કારણ કે મગરમચ્છો તેમના પક્ષમાં પણ હશે. ગૃહપ્રધાને ખેલદિલી પૂર્વક સ્વીકારવું જોઇએ કે, અમે કંઇ કરી શકતા નથી.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
