News of Monday, 12th August 2024
બિહામણુ અટ્ટહાસ્ય હિંડનબર્ગનું...
કંઇક તો ગરબડ છેઃ વિદેશી તત્વો કહે ત્યારે ભારતને ખુદના કૌભાંડની ખબર પડે છે કે....
બાંગ્લાદેશની ઉથલ-પાથલ મુદ્્ે કોંગ્રેસ પર સવાલો ઉઠયા છે. બળવા પૂર્વે ખાલીદા ઝિયાના પુત્ર રહેમાનની મુલાકાત રાહુલ ગાંધી સાથે થઇ હતી. બાદમાં બળવો થયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે, હિન્દુઓ પર હુમલામાં રાહુલ અને કોંગ્રેસ ષડયંત્રમાં સામેલ છે.
જો કે હાલમાં એક ગરમા ગરમ મુદ્્ામાં ભાજપ ગેંગેફેફે થઇ રહ્યો છે. હિંડનબર્ગે એક અહેવાલ જાહેર કર્યો છે કે, સેબી અધ્યક્ષા બુચ અદાણી સાથે જોડાયેલા છે અને કૌભાંડમાં ભીનું સંકેલવામાં સામેલ છે.
આ રિપોર્ટથી દેશભરમાં બઘડાટી બોલી ગઇ છે. રાજકીય તથા આર્થિક જગતમાં સનસનાટી મચી ગઇ છે. આક્ષેપો-પ્રતિ આક્ષેપોના ઘોડાપુર ઘુઘવવા લાગ્યા છે. આ રિપોર્ટની અસર શેરબજાર પર પણ તીવ્ર થવાની સંભાવના છે.
હિંડનબર્ગના રિપોર્ટ અંગે સેબી અધ્યક્ષા તથા તેમના પતિ અને અદાણી ગ્રુપે ખુલાસા કરીને રિપોર્ટને તથ્ય વગરના ગણાવ્યા છે. ભારતીય મીડિયા એકધારા હિંડનબર્ગના સમાચારો બે દિવસથી આપી રહ્યા છે.
સાચું જે હોય તે, પરંતુ આ મામલામાં કંઇક તો ગરબડ લાગે છે. પ્રથમ સવાલ એ ઉઠે છે કે, કોઇ વિદેશી ટોળકી કહે ત્યારે જ ભારતને ખબર પડે છે કે, કૌભાંડ થયું છે? દેશમાં ર૪ કલાક ચાલતા રાષ્ટ્રીય મીડિયાના રાફડા ફાટયા છે, આ મીડિયાને ગંધ પણ નથી આવતી ? સંભાવના એ પણ છે કે, કૌભાંડની મીડિયા જગતને ખબર હોય, પણ સેટિંગના કારણે મૌન હોય. અથવા ખબર જ ન હોય. અથવા આવું કંઇ બન્યું જ ન હોય, હિંડનબર્ગે રિસર્ચના નામે ગપ્પાબાજી જ ચલાવી હોય....
હિંડનબર્ગ શું છે ? માત્ર એક વેબસાઇટ છે, જે માર્કેટ વોચ-રિસર્ચના નામે અવારનવાર ખેલ નાખે છે. આવી સંસ્થાની વેલ્યુ કેટલી ? બીજો સવાલ એ પણ છે કે, હિંડનબર્ગને માત્ર ભારત જ દેખાય છે ? ભારતમાં પણ અદાણી જ કેમ નજરે પડે છે...? દેશમાં માત્ર એક જ કંપનીમાં ભ્રષ્ટાચાર ચાલે છે...?
સવાલો એમની સામે અને આપણી સામે અનેક ઉઠે છે. આ અંગેના સત્ય બહાર આવવા જ જોઇએ.
હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અપેક્ષા પ્રમાણે જ રાજકીય બઘડાટી શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસે મોદી સરકાર પર રીતસર આક્રમણ કરી દીધું છે. ભાજપે આ મામલામાં કોંગ્રેસ પર અતિ ગંભીર આક્ષેપો કરતા કહયું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી હિંડનબર્ગ ટોળકી સાથે મળીને ભારતને બદનામ કરવાના ષડયંત્રો ઘડે છે. ગૃહ શરૂ થવાનું હોય ત્યારે જ હિંડનબર્ગના અને બીબીસીના રિપોર્ટ આવ્યા છે, જે અનેક સવાલો સર્જે છે.
ભાજપ-કોંગ્રેસ બંનેને અંગત લાભા-લાભમાં જ રસ છે. ભારત માટે સ્થિતિ ગંભીર છે. હિંડનબર્ગ સાચુ હોય તો કડક પગલાં જરૂરી છે અને ખોટું હોય તો તેને અને મળયિાઓને ઉઘાડા પાડો.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
