<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

હિંસાની ગુલામીમાંથી દેશને આઝાદ કરો

હિંસાને પણ રાજકીય દૃષ્‍ટિકોણથી જોવાની પરંપરા બંધ કરોઃ કોઇ પણ પ્રકારની હિંસા કરનારાઓને ફુંકી મારો

ગઇકાલે દેશભરમાં આઝાદીનો ઉત્‍સવ ઉજવાયા હતો. દિલ્‍હીથી માંડીને અંતરિયાળ ગામડામાં દેશના ગૌરવના ભાષણો અપાતા હતા ત્‍યારે પ.બંગાળમાં જંગલી ટોળા હોસ્‍પિટલમાં ઘુસીનોે તોડફોડ કરતા હતા. તબીબો ભયના માર્યા હોસ્‍પિટલ છોડીને ભાગ્‍યા. જંગલીઓએ ઇમરજન્‍સી વોર્ડને કાટમાળ જેવો બનાવી દીધો. આખી સરકારી હોસ્‍પિટલમાં ખેદાન-મેદાન કરી નાખ્‍યું. પોલીસ જોતી રહી અને ટોળા રાક્ષસી અટ્ટહાસ્‍ય કરતા રહ્યા. વિચાર તો કરો કે દર્દીઓની માનસિકતા કેવી થઇ ગઇ હશે ?

આઝાદી પ્રસંગે આ શરમજનક ઘટના બાદ આખો દિવસ રાજકીય જીવડાઓ ટીવીના પડદે બાખડતા રહ્યા. ભાજપ દ્વારા પ.બંગાળમાં અર્ધ સૈનિક દળો ગોઠવવાની માંગ થઇ. તૃણમૂલ કોંગ્રેસ આ હિંસાનું ખુલ્લુ સમર્થન કરતી રહી. કોંગ્રેસ અસમંજસમાં રહી. ડાબેરી પક્ષો મમતાની ઝાટકણી કાઢતા રહ્યાં.

નોંધપાત્ર બાબત એ છે કે, હિંસા જેવી જંગલી-અરાજકતાને પણ રાજકીય પક્ષો પોતાના રાજકીય લાભના દૃષ્‍ટિકોણથી જ જુએ છે. ગુજરાતની કૌમી હિંસા વખતે સરકારને બરતરફ કરવાની માંગ કરતા મમતા પ.બંગાળની હિંસાની પરોક્ષ તરફેણ કરે છે. માત્ર મમતા જ નહિ, દરેક પક્ષો અને મોટાભાગના નેતાઓ આવો જ દૃષ્‍ટિકોણ ધરાવે છે.

આને રાજકીય દૃષ્‍ટિકોણ નહિ, રાજકીય જંગલીયત કહેવાય. ભારતભરમાં કોઇના કોઇ ખૂણે હિંસક ઘટનાઓ ચાલતી જ રહે છે. નિર્દોષ લોકો હણાતા રહે છે. અને રાજકીય જીવડા પોષણ મેળવતા રહે છે. આઝાદ ભારતની આ સૌથી મોટી શરમ છે. વિશ્વને શ્રેષ્‍ઠત્તમ જીવન શીખવનાર ભારતની ધરોહર ખુદ કાયમ નિર્દોષ લોકોના રકતથી ખરડાઇ રહી છે.

આંતરિક હિંસાખોરી સામે ભારતે અતિ આક્રમક - નિર્ણાયક બનવું જરૂરી છે. સર્વ પ્રથમ બાબત તો હિંસાને રાજકીય દૃષ્‍ટિકોણથી જોવાની પરંપરા જ બંધ કરવી પડશે. આવા રાજકારણીઓને જ હિંસાની આગમાં સ્‍વાહા કરતા શીખવું પડશે. હિંસાખોરી સામે અતિ કડક કાયદા ઘડવા પડશે અને તેનો અનિવાર્યપણે અમલ કરવો પડશે. હિંસાખોરોનો પ્રશ્ન કે મુદ્‌્‌ો ગમે તેટલો સાચો હોય, પણ હિંસા શરૂ કરે તો એ ક્ષણે જ દેખો ત્‍યાં ઠારનો કાયદો બનવો જોઇએ. હિંસાને સહન કર્યે રાખવાનો કોઇ અર્થ નથી.

પ. બંગાળ હોસ્‍પિટલમાં થયેલી હિંસાખોરી-અરાજકતાનો ગુજરાત ભાજપે પણ વિરોધ કર્યો અને મમતા સામે કડક પગલાં ભરવા માંગ કરી. ગુજરાત ભાજપની આ ‘લાઇન' પ્રથમ નજરે યોગ્‍ય લાગે, પણ થોડું ચિંતન કરો તો...

ભુતકાળમાં આવું એક ટાબરિયું સમાજના નામે પ૦-૧૦૦ નું ટોળું સર્જીને નીકળી પડયું હતું. રાજયમાં અનેક સ્‍થાનો પર અરાજકતા ફેલાવી હતી. ભાજપ સરકારે શું કર્યુ ? ટાબરિયાને ઝડપીને પગલાં લેવાને બદલે ટાબરિયાને પક્ષમાં સ્‍થાન આપીને માનભેર રાજકીય મોટાભા બનાવી દીધો. આ ભાજપના નેતાઓ પ.બંગાળની અરાજકતાને જંગલી ગણાવીને ગુજરાતીઓને ‘મામા' નથી બનાવતા? જાગશો તો એ ભાગશે.

(11:54 AM IST)