<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

લઘુ ઉદ્યોગ, ગુરુ સમસ્યા !

રાષ્ટ્રના વિકાસમાં મોટું યોગદાન, પણ પ્રોત્સાહનનો અભાવઃ ચેમ્બર પણ...

  ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડ બાદ કૃષિ ક્ષેત્રે નુકસાનના ગોકીરા થયા, દર વખતની જેમ આ વખતે પણ સરકાર સર્વે કરાવશે. અને ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવશે. આ પરંપરા બની ગઇ છે. દુષ્કાળ પડે કે વરસાદ વળતરના ખેલ શરૂ થઇ જાય.

પ્રકૃતિના પ્રકોપની આડઅસર માત્ર કૃષિક્ષેત્રને જ થાય છે...? અન્ય ક્ષેત્રોને નહિ ? ભારે વરસાદથી અને દુકાનોમાં પાણી ઘુસ્યા. અનેક નાની-મોટી ફેકટરી બંધ રાખવી પડી. અનેકનો માલ પલળી-બગડી ગયો. આ નુકસાનીનું વળતર કોણ આપશે...?

કોઇ નહિ. આ દિશામાં કોઇ વિચારણા-ચર્ચા પણ ચાલતી નથી. યોગાનું યોગ આજે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિન છે. લઘુ ઉદ્યોગનું મહત્વ પૂર્ણ યોગદાન રાષ્ટ્રના વિકાસમાં છે. ભારતના દરેક ખૂણામાં  લઘુ ઉદ્યોગોનું પ્રભુત્વ છે. સામાન્ય સ્તરનાં સ્થાનિક સાહસિકો ખુદના જોખમે હિંમત કરીને ફેકટરી સ્થાપે છે. અનેક લોકોને રોજગારી મળે છે. સ્થાનિકસ્તરે પ્રોડકટસનું પ્રોડકશન થાય છે. સ્થાનિક અર્થતંત્રને ધમધમતું રાખવામાં લઘુ ઉદ્યોગો મહત્વનું યોગદાન ધરાવે છે.

સાર્થ જોડણી કોશ પ્રમાણે લઘુ એટલે હલકું અથવા નાનું. આ પ્રકારના ઉદ્યોગો મહાકાય કંપનીઓ માટે સહાયકની ભૂમિકા કોશમાં લઘુનો વિરોધી શબ્દ ગુરુ છે. ગુરુ એટલે મહાકાય, વિરાટ.

ભારતમાં લઘુ ઉદ્યોગની સમસ્યાઓ ગુરુ છે. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવો કોઇ માહોલ દેશમાં નથી. પ્રોત્સાહન તો દૂરની બાબત છે, લઘુ ઉદ્યોગો માટે પ્રતિકુળતા પારાવાર છે. આ ક્ષેત્રને પ્રેરણા-પ્રોત્સાહનની જરૂર નથી, પણ સરકાર તરફથી પ્રતિકુળતા પારાવાર છે. ભારતમાં વ્યવસાય કરવો કે ફેકટરી સ્થાપવી એ પાપ કરતા હોય તેમ સરકાર તેની પાછળ પડે છે. તોતીંગ વેરા, અન્ય નિયમોનો પાર નહિ. આ બધું કર્યા બાદ અધિકારીઓ બાપુજી બનીને ગમે ત્યારે ફેકટરીમાં ત્રાટકે છે.

આ બધું કર્યા બાદ લઘુ ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. શાપર-વેરાવળ સૌરાષ્ટ્રનો જૂનો અને મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર છે. આ  એરિયામાં અસંખ્ય નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે. આ ઉદ્યોગકારોને સારા માર્ગો પણ સરકાર આપી શકતી નથી. શાપરમાં ચકકર મારો તો ચકકર આવી જાય તેટલાં ખાડા અને ગંદકી છે. સરકાર પાસે બીજી કઇ આશા રાખી શકાય.

વ્યાપારી-ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવા ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ પણ સરકારના વાજિંત્ર જેવી બની ગઇ છે. ઉદ્યોગજગતના એક પણ મુદ્ે લડત આપતી નથી. બહુ થાય તો રજૂઆત કરે છે. વીપરિત સંજોગોમાં પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર લઘુ ઉદ્યોગકારોને આજના દિને અભિનંદન...

(11:19 AM IST)