<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

વાતો નહી, કામ કરો

વ્‍યવસાય - ઉદ્યોગ જગતને અનુકુળતા કરી આપવી એ રતના તાતાને સાચી અંજલી ગણાય

 

 શેરીથી માંડીને રાજયસ્‍તરનાં  ઘણાં નેતાઓ એવા હશે કે, જેમણે  રતન તાતાનું નામ પ્રથમ વખત સાંભળ્‍યું હશે, પરંતુ અંજલિ આપવામાં આવા નેતાઓ અગ્રેસર છે. લુખ્‍ખા શબ્‍દો વહાવવાએ સદ્‌ગત આત્‍માને પ્રસન્ન રાખી ન શકે. ઘણાં વ્‍યકિતત્‍વ એવા હોય છે કે, તેને શ્રધ્‍ધાંજલી આપવી હોય તો પણ લાયકાત કેળવવી પડે.

રાષ્‍ટ્રીયસ્‍તરના રાજકીય નેતાઓ પણ રતન ટાટાને અંજલી આપી રહ્યા છે. વાસ્‍તવમાં વાતો કરવાને બદલે કામ કરી દેખાડે તો સ્‍વર્ર્ગસ્‍થનો આત્‍મા વધારે પ્રસન્ન થાય. રતન તાતાનું ક્ષેત્ર ઉદ્યોગ  અને વ્‍યવસાયનું રહ્યું હતું. કેન્‍દ્રિય પ્રધાનો પણ તેમને અંજલી આપે છે.

કેન્‍દ્ર સરકારે તથા રાજયોની સરકારોએ રતન તાતાને અંજલી આપવી હોય તો વ્‍યવસાય - ઉદ્યોગ જગત પ્રત્‍યેનો સરકારી દૃષ્‍ટિકોણ બદલવો જોઇએ. દેશને સૌથી વધારે કરવેરા વ્‍યવસાય ઉદ્યોગ જગત  ચુકવે છે, પરંતુ ભારતમાં વ્‍યવસાય - ઉદ્યોગજગતને પ્રોત્‍સાહનનો સંપૂર્ણ અભાવ છે. રાજકોટના શાપરમાં તો ઉદ્યોગ જગતને સારા માર્ગો પણ સરકાર આપી શકી નથી...

આ ઉપરાંત વ્‍યવસાય કે ઉદ્યોગને તો પાપ  જેવું જ માનવામાં આવે છે. આ ક્ષેત્રો પર અધિકારીઓ ઝેરી સાપ બનીને ફૂંફાડા મારતા રહે છે. કાયદા - કાનૂન અને જંગી કરવેરા તથા અજગર ભરડા જેવી સિસ્‍ટમમાં વ્‍યવસાયીઓ -ઉદ્યોગકારો ભીડાતા રહે છે.

કાયદાનું મનઘડંત અર્થઘટન કરીને આ ક્ષેત્રને ખંખેરવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓ નિષ્‍ણાત બની ગયા છે. આ બધુ ખુલ્લેઆમ વર્ષોથી ચાલી રહ્યું છે, છતાં આંખ આડા કાન કરવામાં આવે છે.

વાસ્‍તવમાં જોઇએ તો વ્‍યવસાય - ઉદ્યોગએ કુશળતાનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રના કારણે દેશ ધમધમે છે. સવા અબજથી વધારે ભારતીયોની વિવિધ અધધધ જરૂરિયાતો પૂરી કરે છે. સરકારો ઉદ્યોગ - વ્‍યવસાયી જગતની ઋણી ગણાય, પરંતુ ફાલતુ નેતાઓ અને અધિકારીઓ બાપુજી  બનીને ફરતા રહે છે. ઉદ્યોગકારો અને વ્‍યવસાયીઓ તોતીંગ કરવેરા આપીને ફફડતા રહે છે. ઘણા તો તંત્રથી કંટાળીને આપઘાત કરી લે છે.

સમગ્ર બાબતનું તારણ એ છે કે, વ્‍યવસાય કે ઉદ્યોગ જગતમાં પ્રામાણિક રહેવું મુશ્‍કેલ છે નીતિ - નિયમોના કોળા ભેદી બની ગયા છે, જે પાર કરવા અસંભવ જેવા છે. સેટિંગ કરી લો તો આ કોઠા સડસડાટ પાર થઇ જાય.

આવા માહોલમાં સરળ, આદર્શ, સફળ, સાદગીભર્યુ નેતૃત્‍વ જાળવીને રતન ટાટાએ અસંભવને સંભવ કરી દેખાડયું એટલે એ મહાન છે. એ માણસને શ્રધ્‍ધાંજલી આપવાની લાયકાત ભારતમાં ઘણા જ ઓછા લોકો પાસે છે. સરકારોએ લુખ્‍ખી અંજલી આપવાને બદલે સાચી દિશામાં કામ કરી દેખાડવું જોઇએ.

(10:59 AM IST)