<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

બટેંગે તો કટેંગેઃ ભાજપને પણ..

હિન્‍દુત્‍વના નામે ચૂંટણી જીત્‍યા બાદ ભાજપીઓ એક-બીજાના ટાંટિયા ખેચીને વિચારધારાની પથારી ફેરવે છેઃ પોતાનું સુત્ર ભાજપ આત્‍મજ્ઞાન કરે

મહારાષ્‍ટ્રમાં બરાબરનો રાજકીય ગરમાવો જામ્‍યો છે. પક્ષો-અપક્ષો તમામ પ્રકારનું જોર લગાવી રહ્યા છે. તટસ્‍થ રહીને નજર કરો તો ભાજપનું સુત્ર ‘ બેટેંગે તો કટેંગે'  વિરોધીઓ  પર ભારે પડી રહયું છે. આ સુત્રનું સર્જન યોગી આદિત્‍યનાથજીએ કર્યુ છે. હિન્‍દુ સમાજમાં ભાગલાં પડશે તો અસ્‍તિત્‍વ ખતમ થશે, આ બોધ સુત્રમાં આપેલો છે.

રાહુલ ગાંધીએ બંધારણના નામે હિન્‍દુ સમાજમાં  ફાટા પાડવાની રણનિતી અપનાવતા તેના તોડરૂપે બટેંગે તો કટેંગે સુત્ર આપ્‍યું છે. વૈચારિકરૂપે આ સૂત્ર હાઇડોઝ છે. હાઇડોઝની દવા લો તો ઝડપથી અસર કરે, તેમ હાઇડોઝવાળું સૂત્ર પણ તીવ્ર અસર કરે છે.

બહુમતી સમાજના મતદારો સંગઠિત - એક રહેશે તો જ સલામત રહેશે, નહિ તો કપાઇ જશે. સૂત્રમાં સટિક સંદેશો છે. સનાતની મતદારોમાં ભાગલા પડાવવાની વિપક્ષની વૃત્તિ- પ્રવૃત્તિની આ જોરદાર દવા છે. સૂત્રમાં પ્રાસ પણ ટનાટન બેસાડાયો છે.

હિન્‍દુ મતદારો એક રહે તો ભાજપની રાજકીય શકિતમાં  પ્રચંડ વધારો થઇ શકે છે. ભાજપને હિન્‍દુ મતદારોનો ભરપુર લાભ મળ્‍યો છે. મતદારો થોડા પણ આઘા-પાછા થાય તો ભાજપની રાજકીય તાકાત સડસડાટ નીચે ઉતરી જાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ બાબતનો અનુભવ થઇ ગયો છે.

સવાલ એ થાય છે કે ભાજપ શકિતશાળી બન્‍યા બાદ પણ હિન્‍દુત્‍વ તેજોમય કેમ બનતું નથી? આ પ્રશ્નના અનેક જવાબો એ છે, ,પણ મહત્‍વનો જવાબ એ છે કે, ચૂંટણી બાદ ભાજપ ખુદ હિન્‍દુત્‍વ ભૂલી જાય છે.

કરોડો હિન્‍દુ મતદારોને સંગઠિત રાખવા ઊંધામાથે થતો ભાજપ ચૂંટણી  બાદ ખુદ એક  કે નેક રહી શકતો નથી. હિન્‍દુત્‍વના નામે ચૂંટાઇને ભાજપી નેતાઓ એક - બીજાના ટાંટિયા ખેચવાની પ્રવૃત્તિમાં  વ્‍યસ્‍ત થઇ જાય છે. પક્ષમાં જૂથવાદ બેફામ બને છે. આ કારણે હિન્‍દુત્‍વની - વિચાર ધારાની પથારી ફરી જાય છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૪૦૦ પ્‍લસ બેઠકો જીતવાની આશા રાખીને બેઠો હતો હિન્‍દુ મતદારો પર મદાર હતો પણ પક્ષમાં આંતરિક બઘડાટી હતી. રાષ્‍ટ્રીય સ્‍તરે ભાજપી નેતાઓ એક - બીજાને પાડી દેવાની રણનીતિ ધરાવતા હતા. રાષ્‍ટ્રીય નેતૃત્‍વ યોગીજીને નબળા પાડવાની નીતિથી સક્રિય હતું. આ કારણે પક્ષમાં  જૂથવાદ સપાટી પર આવ્‍યો હતો.

ભાજપના નેતા જ ભાજપને પાડી દેવા સક્રિય હતા. આ કારણે મતદારની એકતા તૂટી. પરિણામોમાં ભાજપ ખુદ અતિ નબળો સાબિત થયો આ પરિણામો પછી પણ ભાજપીઓ ગંભીર બન્‍યા નથી. હજુ ગુજરાત સહિતના અનેક રાજયોમાં જઇને રાષ્‍ટ્રીયસ્‍તરે ભાજપમાં જુથવાદ ચાલી રહયો છે.

હિન્‍દુ મતદારોને એક રાખવા  મથતા ભાજપીઓ પોતે એક રહી શકતા નથી.  કટેંગે તો બટેંગે સૂત્રનો અમલ પહેલા ભાજપે ખુદે પક્ષમાં કરવો જરૂરી છે. 

(10:04 AM IST)