<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

કુખ્‍યાતિઃ ગુજરાતમાં લોલમલોલ સ્‍થિતિ હોસ્‍પિટલમાં પણ લૂંટફાટઃ નબળી નેતાગીરીથી સબળું નુકસાનઃ મોતના તાંડવ જેવા પ્રકરણોના ફિંડલા વાળવામાં ગુજરાત અગ્રેસર

 

 તુલસી વિવાદ માત્ર ધાર્મિક નહિ, આધ્‍યાત્‍મિક અને આરોગ્‍યનો ઉત્‍સવ છે. દેવ દિવાળી બાદ શિયાળો જામવા લાગે કફનો પ્રભાવ વધે. આ સ્‍થિતિમાં નિર્દોષ અને રામબાણ ઇલાજ તુલસી પાન છે. માનવ સમુદાય પ્રકૃતિનો પ્રેમ પામીને ઉત્તમ આરોગ્‍ય પ્રાપ્ત કરે તેવો પણ ઉદ્‌્‌ેશ આ પર્વનો છે.

તુલસી વિવાહના દિને જ ગુજરાતમાં એક આરોગ્‍યધામે દર્દીઓને મોતનું દાન આપ્‍યું. સરકારી યોજનાના પૈસા ખંખેરવા ધરાર સારવાર કરી... અમદાવાદની ખ્‍યાતિ હોસ્‍પિટલ પર લાગેલા આ આરોપોથી ગુજરાત સ્‍તબ્‍ધ બની ગયું છે.

વૈદ્ય-તબીબને પરમાત્‍મા સમકક્ષ ગણવાની સંસ્‍કૃતિ ધરાવતા ગુજરાતમાં તબીબ યમદૂત બનીને તાંડવ કરવા લાગ્‍યા છે. આરોગ્‍ય ક્ષેત્રે છેતરપીંડીથી માંડીને ખોટી સારવાર-ખોટા નિદાન-ખોટા ઇલાજ કરવાની ઘટનાઓ વ્‍યાપક બની રહી છે. આ કારણે આદર્શ-સંનિષ્‍ઠ તબીબો સામે પણ અવિશ્વાસ ફેલાવા લાગ્‍યો છે.

છેલ્લા એક દાયકાની ઘટનાઓ યાદ કરો. મોતના તાંડવ જેવા ભયાવહ કાંડ ગુજરાતમાં વધી રહ્યા છે. મોટાભાગના કેસોમાં યાદગાર સજાનો અભાવ જોવા મળે છે. કાંડ બને ત્‍યારે સરકારી નેતાઓ મોટી-મોટી વાતો કરે છે. પણ અંદરખાને ગુન્‍હાખોરો છટકી જાય તેવા કાંડ રચાતા હોવાની ઘણાંને શંકા જાય છે. થોડી ઝીણી નજરે જુઓ તો મોતના તાંડવ જેવી ઘટનાઓમાં પડદા પાછળ મોટામાથા હોય છે, જે મોટા ભાગે ભાજપના સિમ્‍બોલવાળા હોય છે, પણ છટકી જવામાં નિષ્‍ણાંત બની ગયા છે.

ગુજરાતમાં કર્મચારી, અધિકારીથી માંડીને કોર્ટ પણ નકલી ધમધમે છે. ગુન્‍હાખોરીનું પ્રમાણ અનહદ વધી ગયું છે. એક પણ ભાજપી નેતા - નેતીને શરમ આવતી નથી. નિર્દોષ લોકો કમોતે ગુજરી જાય તો પણ કોઇને કંઇ પડી નથી. ગમે તેવા ભયાવહ કાંડ થાય, થોડા દિવસમાં લોકો ભૂલી જશે તેવી માનસિકતા ભાજપી નેતાની બની ગઇ છે.

કોઇ ક્ષેત્રમાં સરકારનો પ્રભાવ દેખાતો નથી. સરકારી તંત્ર ખુદ લોકોને મામા બનાવી રહ્યું છે, પણ નેતા-નેતી તને કંઇ કહી  શકતા નથી. દશ દિવસે પૂર્વે અચાનક હેલ્‍મેટનું ગતકડું અમલમાં આવ્‍યું. ત્રણ દિવસ લોકોને દંડિત કરીને લાખો રૂપિયા ખંખેર્યા. બાદમાં ગતકડું અચાનક ગાયબ થઇ ગયું. હાઇકોર્ટના આદેશના નામે નિયમ અમલ કરાવ્‍યો હતો. હાઇકોર્ટે ત્રણ દિવસનો જ અમલ કરવા કહયું હતુ ?

વાસ્‍તવિકતા એ છે કે, ગુજરાત બદનામ, કુખ્‍યાત, ગુન્‍હાખોર, અશાંત અને કમોતનું ક્ષત્ર  બની ગયું છે, જોખમી રાજયમાં સમાવેશ કરવો પડે તેવી સ્‍થિતી છે. સરકાર પ્રવચનો-પ્રસિધ્‍ધિમાં પડી છે. મુખ્‍યમંત્રી મંદિરોમાં અને કાર્યક્રમોમાં હડિયું કાઢયે રાખે છે. ગૃહમંત્રીનું  પોતાનાં મતક્ષેત્ર સુરતમાં પણ કંઇ ઉપજતું નથી. દારૂથી માંડીને વિવિધ મહાકાય કાંડોમાં ભાજપી નેતાઓ અને અધિકારીઓની ભૂમિકા શંકાસ્‍પદ બની ગઇ છે.

સહન કરવાની કુટેવથી ગુજરાતીઓને મોતની ગિફટ મળી રહી છે. લોલમલોલને ફગાવી દેવાની વૃત્તિ કેળવો, સુખી થશો.

(9:56 AM IST)