<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

પિત્‍ઝુ અડદિયા સામે હારી જાય

પિત્‍ઝા, બર્ગર, મોમોઝથી કેન્‍સરનું જોખમઃ લાઇફને બ્રેક મારો અને યુટર્ન લો...

 

 રોટલો, ઓળો, ડુંગળીનો દડો, ગોળનો લોંદો, છાસ... મિષ્‍ટાનમાં જવું હોય તો અડદિયા, ચીકી, મોહનથાળ... ફળોમાં આંબળા, બોર, જામફળ... ઓૈષધોમાં ચ્‍યવનપ્રાસ... શિયાળો એટલે ભારેખમ સ્‍વાદને માણીને તબિયતને ગલગોટા જેવી કરવાની ઋતુ. મેનુનું લીસ્‍ટ હજુ ઘણું લાં...બું બની શકે છે.

ભારત એટલે સ્‍વાદ અને પોષણનું અપાર વૈવિધ્‍ય. દેશમાં પરંપરાગત  વાનગીઓમાં એટલું વૈવિધ્‍ય છે કે, એક જન્‍મારામાં તમામના સ્‍વાદ માણી ન શકાય અને એ સ્‍વાદની વિશેષતા જાણી ન શકાય.

પાર વગરનું વૈવિધ્‍ય છતાં દેશભરમાં કચરો ઝાપટવાનો ટ્રેન્‍ડ ચાલી રહ્યો છે. પિત્‍ઝા, બર્ગર, મોમોઝ, નુડલ્‍સો હોટ ડોગ, ફ્રેન્‍ચફ્રાય વગેરે જેવા ફાસ્‍ટફૂડના રવાડે ચઢી ગયા છીએ તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયાની ફિલંડલ્‍સ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે પિત્‍ઝા, બર્ગર, મોમોઝ જેવા ફૂડથી શરીરમાં બળતરા વધે છે. અને જે કેન્‍સર જેવા રોગોનું  કારણ બને છે. ફાસ્‍ટફૂડમાં કેમિકલ્‍સ, આર્ટિફિશિયલ એડિક્રિટત્‍સ હોય છે, જે શરીરમાં મેટેબોલીઝમ અસંતુલિત કરીને કેન્‍સરના કોષોને વધારે છે. રિસર્ચમાં એ પણ તારણ આપ્‍યું છે કે, આલ્‍કોહોલના એટલે કે દારૂના સેવનથી ગેસ્‍ટ્રિક કેન્‍સનું જોખમ વધે છે.

ફાસ્‍ટફુડનું બ્રાન્‍ડિંગ ગજબ છે. દેશના પરંપરાગત- સ્‍વાદિષ્‍ટ અને પોષણથી ભરપૂર સ્‍વાદને જુનાવાણી, અછૂત જેવો ગણાવીને પિત્‍ઝા-બર્ગરને શ્રેષ્‍ઠ ગણાવે છે. લોકો આ સ્‍વાદના રવાડે ચઢી ગયા છે.  પિત્‍ઝા-બર્ગર ખાનારા અને દારૂ પીનારાને આધુનિક- શિક્ષિક - સમજદાર ગણાવાઇ રહ્યા છે. વાસ્‍તવમાં પ્રચારના વાવાઝોડામાં અંજાઇ ગયેલા આ ટોળા છે.

ફાસ્‍ટ ફૂડના રવાડે ચઢેલા લોકોના તન-મન અને ભાવનાત્‍મક આરોગ્‍યની પથારી ફરી ગઇ છે. ભારતીયો શરીરથી - મનથી નબળા પડી રહ્યા છે. જેવું અન્‍ન તેવું મન...  આપણી ભાવનાત્‍મકતા પણ અનબેલેન્‍સ થઇ રહી છે.

ફાસ્‍ટ ફૂડિયા કલ્‍ચરના પ્રચારની કમાલ એ છે કે, ગાઠિયા-ભજિયા વગેરેને શ્રેષ્‍ઠ .... અવા પ્રચારમાં ભારતના ટોળા ઢસડાઇ રહ્યા છે.

ભારતમાં હજુ પણ પરંપરાગત વાનગીઓ-સ્‍વાદની અછત નથી. તેની શુધ્‍ધતા સામે સવાલ જરૂર ઉઠે છે. ભેળસેળ સામે સમાજ- મીડિયા કે સરકાર જાગૃત નથી તેથી ભેળસેળીયા બેફામ છે. ભેળસેળ વગરની ભારતીય વાનગીઓ સ્‍વાદમાં  અને આરોગ્‍યમાં શ્રેષ્‍ઠ છે. દેશમાં ગણી ન શકાય તેટલી મીઠાઇનો રસથાળ છે, પણ આપણામાં બોૈધ્‍ધિકતાના  દુકાળના કારણે કેક અને ચોકલેટને શ્રેષ્‍ઠ ગણીએ છીએ.

ફાસ્‍ટફૂડ સ્‍વાદમાં કદાચ મસ્‍ત હશે, ઝડપથી આ ફૂડ બની જતું હશે, પરંતુ ફાસ્‍ટફૂડ મોત આપવામાં પણ ફાસ્‍ટ છે એ યાદ રાખજો પિત્‍ઝુ અડદિયા સામે જીતી ન શકે... લાગી શરત?

(10:24 AM IST)