News of Friday, 3rd January 2025
ચેમ્બર ખુશામતનો વ્યવસાય ન કરે
સરકારના વખાણ જ કરવાને બદલે વ્યાપાર અને વ્યાપારીની હાડમરી અંગે નક્કર લડત આપે....
વ્યાપાર ગુજરાતીઓના લોહીમાં છે. વ્યાપાર-ઉદ્યોગ ગુજરાતની મુખ્ય ઓળખ છે. ગુજરાતીઓની આ લાક્ષણિકતાઓના કારણે દુનિયાભરમાં તે જામી ગયા છે. આヘર્ય એ છે કે હાલમાં ગુજરાતમાં જ વ્યાપાર-ઉદ્યોગ મુશ્કેલી બન્યા છે. વ્યાપારીઓ-ઉદ્યોગકારો જિંદગી ટૂંકાવવા મજબૂર બની જાય છે. આ મામલા અતિ ગંભીર છે, પરંતુ વ્યાપારીઓના સંગઠનને કે ગુજરાત સરકારને તેની કંઇ પડી નથી.
સમાચારો પ્રમાણે રવિવારે રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્નેહ મિલન સહિતના વિવિધ આયોજનો થયા છે. આ આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ તથા ગૃહમંત્રી હર્ષભાઇ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમ મસ્ત છે, પરંતુ એવું સ્પષ્ટ અનુમાન છે કે, આ પ્રોગ્રામમાં ચેમ્બરના હોદ્્ેદારો શાસકોની ખુશામત કરીને મુજરા સુધીના ખેલ નાખશે.
ચેમ્બર વ્યાપાર-ઉદ્યોગની અગ્રણી સંસ્થા છે. શકિતશાળી સંગઠન છે. વ્યાપાર ક્ષેત્રના મોભી જેવા હોદેદારો પાસે સભ્યોને અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. વ્યાપાર જગતને સુખ-શાંતિ-સલામતીની અનિવાર્યતા હોય છે. ગુજરાતમાં આ ત્રણેય બાબતોની અછત સર્જાતી જાય છે. ગુન્હાખોરીનો વ્યાપ વધતો જાય છે. વ્યાપાર જગતે પણ દાદાગીરી સહન કરવી પડે છે. સેટિંગબાજોના ચકરડામાં નાના વ્યાપારી-ઉદ્યોગકારોને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ છે. વ્યાજખોરોના તાંડવથી માંડીને અધિકારીઓના બેરહેમ ત્રાસથી વ્યાપાર-ઉદ્યોગ અપાર મુશ્કેલી અનુભવે છે. તોતીંગ વેરા ભર્યા બાદ વ્યાપાર-ઉદ્યોગને સ્વમાન તો ઠીક, પ્રાથમિક સુવિધા પણ પ્રાપ્ત નથી. શાપર-વેરાવળ જુઓ રસ્તા-માર્ગોના પણ ઠેકાણા નથી. ભીંસ અનુભવતા વ્યાપારીઓ તથા ઉદ્યોગકારો તનાવમાં આવીને આપઘાત કરવા માંડયા છે.
આટલી જીવલેણ સ્થિતિ છતાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્્ેદારોના પેટના પાણી પણ હલતા નથી. વ્યાપાર-ઉદ્યોગના પ્રશ્નોને લઇને સરકાર સામે પરિણામલક્ષી જંગ આદરવાને બદલે શાસકોની ખુશામત કર્યે રાખવી યોગ્ય ગણાય ?
કૃષિક્ષેત્રએ પણ વ્યાપારનું સ્વરૂપ લઇ લીધું છે. ખેડૂતોને થોડી પરેશાની થાય તો પણ સરકાર ઉપરથી નીચે સુધી હલબલી જાય છે. ખેડૂતોની રાજકીય તાકાતથી આ શકય બને છે. વ્યાપારીઓ તથા ઉદ્યોગકારોની રાજકીય તાકાત કમ નથી, પરંતુ તેના સંગઠનો મોટાભાગે મુજરાબાજ બની ગયા હોવાથી શાસકોને જવાબદારીનું ભાન થતું નથી.
વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે તીવ્ર અન્યાયી નીતિ અમલમાં છે. તોતીંગ વેરા, સુવિધાનો અભાવ, વિચિત્ર નિયમો, અધિકારીરાજ, ગુંડાગીરી, સલામતી-પ્રોત્સાહનનો અભાવ... આવા તમામ પ્રશ્નો ચેમ્બરે રવિવારે ઉઠાવીને શાસકો સામે નકકર જવાબો માંગવા જોઇએ. હર્ષભાઇને ગુન્હાખોરી બાબતે પણ પૂછી શકાય. ખુશામતખોરીનો નશો ઉતરે તો જ આવું શકય બને.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
