News of Saturday, 11th January 2025
માર્ગ બંધ ટોલ ચાલું
હાઇવેની દશા ગાડા માર્ગ જેવી છતાં તોતીંગ ઉઘરાણાઃ લોક આક્રોશ ફાટવો જોઇએ
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી ક્રાંતિની વાતો કરે છે, સોશિયલ મીડિયામાં પોતાને અન્યથી જુદા રાજકારણી ગણાવે છે, પરંતુ ગડકરીનું તંત્ર લાલુબ્રાન્ડ જ રહયું છે. હાઇવે નિર્માણ કરવા એ બાબત લોકો પર સરકારનો ઉપકાર નથી એ કામો સરકારે કરવાના જ હોય છે. નેતાઓ માર્ગોના નિર્માણ સ્વખર્ચે કરતા નથી. લોકોના ખર્ચે નિર્માણ કર્યા બાદ તેના ઉપયોગ માટે લોકો પાસેથી અધધધ રૂપિયા વસુલવામાં આવે છે. જે માર્ગો પર તોતીંગ ચાર્જ વસુલાય છે, તે માર્ગની દશા ગાડા માર્ગ જેવી બની ગઇ છે. છતા લોકોએ ટોલ-ટેકસ અનિવાર્યપણે ચુકવવો પડે છે. આ બાબતની ગડકરીને ખબર છે. છતા કંઇ ઉકાળતા નથી. આ નીતિ લાલુબ્રાન્ડ ન ગણાય?
રાજકોટ-જેતપુર વચ્ચે માત્ર ૩૬ કિલોમીટરમાં બે ટોલ નાકા ધમધમે છે. વાહન ચાાલકો મુંડાઇ રહયા છે. આ માર્ગ પર સિકસલેન માર્ગનું નિર્માણ થાય છે. હાલ આ માર્ગની દશા ભંગાર અને કંગાળ છે. ૩૫ કિમી અંતર કાપવા દોઢ કલાક જેટલો સમય લાગે છે. ધુળની ડમરીઓ અને ભંગાર ડાઇવર્ઝનમાંથી પસાર થવું પડે છે. કામ લાંબુ ચાલશે વૈકલ્પિક માર્ગની ઉત્તમ વ્યવસ્થા કરાઇ નથી. ભંગાર માર્ગથી વાહન ચાલકો ત્રાહીમામ છે. હાઇવે ઓથોરિટી માટે આ શરમજનક સ્થિતિ ગણાય, પણ શરમાવાને બદલે હજુ આ માર્ગ પર વાહન ચાલકો પાસેથી તોતીંગ ટોલટેકસ વસુલવામાં આવે છે.
ખુલ્લેઆમ અન્યાયી નીતિ છતા ભાજપનું એક પણ નેતુ આ સામે અવાજ ઉઠાવતું નથી. રાજકોટ-જેતપુર માર્ગ પર કામ ચાલે ત્યાં સુધી આ માર્ગ પર ટોલટેકસ રદ્ કરવા ગોંડલ કોંગ્રેસે માંગણી કરી છે. આ રજૂઆતને કોઇએ ગંભીરતાથી લીધી હોય તેમ લાગતું નથી.
ગુજરાત કોંગ્રેસમાં દર રહયો નથી એ દરેકને ખ્યાલ છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષની આવશ્યકતા છે. જ કોંગ્રેસ પાસે લોકોના દિલ જીતવાની કોઇ રણનીતિ નથી. કોંગ્રેસ લડત આપવાનું ભૂલી ગઇ છે. આ કારણે ભાજપના ફાલતુ તત્વો મોટાભા બની ને હવામાં ઉડી રહયા છે.
રાજકોટ-જેતપુર માર્ગ અંગે ગોડલ કોંગ્રેસ કહેલી રજૂઆત વાસ્તવમાં લોકપ્રશ્ન છે. આવા મામલે લોકોના સહયોગ કોંગ્રેસને મળવો જોઇએ ટોલ ટેકસના નામે માત્ર એક માર્ગ પર જ નહિ, સમગ્ર ગુજરાતમાં લોકો બેફામ લુટાઇ રહયા છે. ઘણાં માર્ગો તો એવા છે કે, તેના નિર્માણ ખર્ચ કરતા અનેક ગણો વધારે ટોલ વસુલાઇ ગયો છે. આવા માર્ગો પર હજુ તોતીંગ ઉઘરાણા શા માટે?
ઉઘરાણા બાદ પણ ગુજરાતના હાઇવેની દશા વખાણવા જેવી નથી. આ તમામ બાબતે ગુજરાતીઓનો આક્રોશ ફાટવો જોઇએ. કોંગ્રેસે પણ માત્ર રજૂઆત કરવાને બદલે અન્યાય સામે મરણિયો જંગ આદરવો જરૂરી છે. બ
બકાશો હાંકતા લોકલ ભાજપીઓમાં લોકહિત હોય તો તેમણે પણ ઉપર બેઠલા ગડકરીઓના ધોતીયા ઢીલા કરવા જોઇએ.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
