<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ત્રેવડ હોય તો કરી દેખાડો

સોશિયલ મીડિયામાં હીરો બની ગયેલા નીતિન ગડકરી ક્રાંતિની વાતો કરે છે, પણ કંઇ ઉકાળી શકતા નથી...

 

  મોટા પદ પર ગોઠવાઇ જવું અને જવાબદારી નીભાવવી બંને અલગ બાબત છે. ગુજરાતમાં ગોઠવાઇ ગયેલા હવે લોકોથી ભાગી રહ્યા છે. સમાચાર પ્રમાણે મુખ્‍યમંત્રીએ પોરબંદરનો પ્રવાસ રદ કર્યો છે, લોકો વિરોધ પ્રદર્શન કરે તેનો ડર લાગ્‍યો અને મુખ્‍યમંત્રીએ આવવાનું માંડી વાળ્‍યું. જેતપુરનું ગંદુ પાણી પોરબંદરના દરિયામાં નહિ છોડાય તેવું વચન મુખ્‍યમંત્રીએ લોકોને આપ્‍યું હતું. આક્રોશ ટાઢો પાડયો હતો, પણ આ યોજનામાં મુખ્‍યમંત્રીનું કંઇ ઉકળ્‍યું નહિ હોય, પાઇપ લાઇનનું કામ ધમધોકાર ચાલે છે. ધાર્મિક  ગણાતા મુખ્‍યમંત્રીને કર્મમાં રસ ન પડયો ભાગે ઇ ભાયડાની નીતિ અપનાવી.

ભારતમાં વિચિત્ર સ્‍થિતિ છે. સત્તાધીશો કામ કરી દેખાડવાનું હોય છે, અભિપ્રાયો આપવાના ન હોય. સત્તાધીશે અભિપ્રાયો જાણીને શ્રેષ્‍ઠ કામ કરવાના હોય છે. ગુજરાતના મુખ્‍યમંત્રી - ગૃહમંત્રી અને પ્રધાનો ભાષણોમાં અભિપ્રાયો આપે છે, કંઇ કરી દેખાડતા નથી.

સોશિયલ મીડિયામાં હીરો બનીને ફરતા કેન્‍દ્રિય પ્રધાન નીતિન ગડકરી પણ આ રેન્‍જના જ નેતા છે. ક્રાંતિની વાતો કરે છે, પણ ક્રાંતિ કરવાને બદલે માત્‍ અભિપ્રાયો અને ભાષણો આપતા રહે છે. તેઓ સત્તાધીશ છે. ભારતના પરિવહન અને રાજમાર્ગો વિભાગના પ્રધાન છે. સરકાર મજબૂત છે. નિર્ણયો કરવાને બદલે આમ કરવું જોઇએ, તેમ કરવું જોઇએ તેવી વાતો કરતા રહે છે. ગઇકાલે ગડકરીએ ફરીથી ક્રાંતિકારી નિવેદન આપ્‍યું કે, ‘ખરાબ રસ્‍તાનું નિર્માણ બિન જામીન પાત્ર ગુન્‍હો બનવો જોઇએ. અને અકસ્‍માતો માટે કોન્‍ટ્રાકટર તથા એન્‍જીનીયર્સને જવાબદાર ગણીને આકરી સજા થવી જોઇએ.'

વાત મસ્‍ત છે. ગડકરીના આ નિવેદનને રાષ્‍ટ્રીય મીડિયાના મુખ્‍ય સમાચારોમાં સ્‍થાન મળ્‍યું હતું. ગડકારીના નિવેદનો ક્રાંતિકારી હોય છે, પણ કોઇ તો તેમને કહો કે સરકારમાં ગોઠવાયેલાએ અભિપ્રાયો નથી આપવાના કામ કરી દેખાડવાનું હોય છે.

ગડકરી કોન્‍ટ્રાકટરને એન્‍જીનીયરને જવાબદાર ગણાવી આકરી સજા કરવાનું કહે છે, પણ આ કામ કોણે કરવાનું ? વિપક્ષે નિર્ણય લેવાનો ? ગડકરીને કહો કે, તમને નિર્ણય લેવા અને કામ કરી દેખાડવા મત મળ્‍યા છે, ત્રેવડ હોય તો કામ કરી દેખાડો.

એક બાબત લગભગ જગ જાહેર જેવી છે માર્ગોના નિર્માણ કરતા કોન્‍ટ્રાકટર્સ તથા તંત્ર સાથે નેતાઓના સેટિંગ હોય છે. હવે આ બાબતમાં સિક્રેટ જેવું કંઇ રહયું નથી. ગુજરાતમાં તો ભાજપીઓ આવા સેટિંગના માસ્‍ટર બની ગયા છે. નબળા માર્ગોના નિર્માણમાં માત્ર કોન્‍ટ્રાકટર કે એન્‍જીનીયરને જ જવાબદાર ઠેરવી ન શકાય. આ અંગે તટસ્‍થ અને ઊંડી તપાસ થાય તો ગુજરાત ભાજપના મોટા માથાઓ પણ સળિયા ગણતા થઇ જાય.

જો કે ગડકરી આવા કોઇ નિર્ણય કરે તો સેટિંગબાજ ભાજપી-જેલમાં જાય તે પહેલા જ ગડકરીએ સરકારમાંથી નવરા થઇને ઘરભેગા થઇ જાય. આ કારણે કામ-ક્રાંતિ કરવાને બદલે તોફાની નિવેદનો આપીને મીડિયા તથા સોશિયલ મીડિયાના મોટાભા બની રહ્યા છે.

ગુજરાત હોય કે કેન્‍દ્ર મહત્‍વના અનેક પદ પર નિવેદન બાજો જ ગોઠવાયેલા છે. આ કારણે થોડી પ્રતિકુળ સ્‍થિતિમાં પણ નેતું ટકી શકતું નથી. ખુદ મુખ્‍યમંત્રીએ પોરબંદરનો પ્રવાસ રદ કરવો પડયો.

(10:18 AM IST)