<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

કુંભમાં અગ્નિતત્‍વ પર જલાભિષેક

વિકરાળ આગ પર ક્ષણવારમાં કાબૂઃ મીડિયા સંયમ અનિવાર્ય હતો...

 

 પંચ મહાભૂત એટલે કે અગ્નિતત્‍વ, જલતત્‍વ, પૃથ્‍વીતત્‍વ, વાયુતત્‍વ અને આકાશતત્‍વ... આ પંચતત્‍વ સનાતનનો આધાર છે. સનાતન પરંપરાનો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ કુંભમાં સનાતનની તમામ પરંપરાના સાધુ-સંતો-મહાત્‍માઓ-સાધ્‍વીજીઓ તથા ભકતો કરોડોની સંખ્‍યામાં ઉમટી રહ્યા છે. મકર સંક્રાંતિએ એક જ દિવસમાં સાડા ત્રણ કરોડ લોકો ઉમટયા હતા અને સ્‍નાન કર્યું હતું. આ અસામાન્‍ય દૃશ્‍ય હતું. કલ્‍પનાતીત મેનેજમેન્‍ટ હતું. વિશ્વને દંગ કરનારું આ પરિબળ હતું. દરરોજ લાખો લોકો ઉમટી રહ્યા છે. ૪પ દિનનું દીર્ઘ આયોજન છે. આ અલૌકિક- અકલ્‍પનીય આયોજન સનાતન પરંપરાનું ગૌરવ છે.

મહાકાય કુંભમેળામાં અનીચ્‍છનીય ઘટના બને તે સ્‍વાભાવિક ગણાય, પણ ઘટના બાદનું માનવીય મેનેજમેન્‍ટ મહત્‍વનું ગણાય. ગઇકાલે કુંભમેળામાં બપોરે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ પવનના કારણે ઝડપથી ફેલાઇ રહી હતી. કુંભમેળા પર મોટું જોખમ સર્જાયું હતું. જો કે મેળામાં મોજુદ તંત્ર ક્ષણવારમાં હરકતમાં આવી ગયું હતું અને ધારણા કરતા પણ ખુબ ઝડપથી આગ પર કાબૂ કર્યો હતો.

૧૦ થી વધારે ગેસ સિલિન્‍ડર બ્‍લાસ્‍ટ થયા. પ૦થી વધારે તંબુઓ સ્‍વાહા થઇ ગયા. જો કે  આ ઘટનામાં નુકસાન ખૂબ થયું પણ જાનહાની ન થઇ એ અસામાન્‍ય વાત નથી ? આગની  ઘટના બની ત્‍યારે ટીવી ન્‍યૂઝ ચેનલોએ જે રીતે ન્‍યૂઝ શરૂ કર્યા એ પરથી લાગ્‍યું કે, આખો કુંભમેળો ભસ્‍મિભૂત થઇ ગયો હશે.

કુંભમેળા કરતા ન્‍યૂઝ ચેનલોમાં જબ્‍બર ભડકાં દેખાતા હતાં. એક ચેનલે તો આગની જવાળા પરથી ટ્રેન પસાર થતી હોય તેવા દૃશ્‍યો દેખાડયા હતાં. થોડીવારમાં જ આખી ટ્રેન ભસ્‍મિભૂત થઇ જશે તેમ ન્‍યૂઝ ચેનલના દર્શકને લાગ્‍યું હતું.

થોડી ક્ષણોમાં આગ બુઝાઇ ગઇ. ચેનલો પણ ઠરી ગઇ. જો કે કુંભની આગના ધૂમાડા ચેનલોમાં મોડી રાત્રી સુધી ઉઠયા હતાં. ટેવ પ્રમાણે નવરી બજાર જેવા નેતા-નેતીઓને પડદા પર ગોઠવીને ધૂમાડા કાઢતા રહ્યા. ઘણાં તો યોગી આદિત્‍યનાથ સામે મશીનગન તાકીને જ બેઠા છે. કુંભમાં અનિચ્‍છનીય કંઇક બને તેની રાહ જોઇને બેઠા હશે. યોગીજી સામે મશીનગનમાંથી નિવેદનો - આક્ષેપોનો મારો ચલાવી દે છે.

આગની ઘટનામાં પણ આવો પ્રયાસ થયો હતો, પરંતુ કુંભમાં કાર્યરત યોગીજીના તંત્રએ વીપરિત સ્‍થિતિ પર તત્‍કાળ કાબૂ મેળવી લેતા મશીનગન બોદા થઇ ગયા હતાં. ન્‍યુઝ ચેનલો સમાચારો સાથે એવી અપીલ પણ કરતી હતી કે, લોકો અફવામાં ન આવે... વાસ્‍તવિકતાએ હતી કે રિપોર્ટિંગ જ અફવાના પર્યાય જેવું હતું.

જે હોય તે, પરંતુ સનાતનના મહાકુંભમાં અગ્નિતત્‍વ પણ મહાલવા પહોંચ્‍યું હતું. જલતત્‍વએ અગ્નિદેવનું વિશિષ્‍ટ સ્‍વાગત કરીને મેળો સુરક્ષિત રાખ્‍યો હતો. વાયુદેવ તો અગ્નિતત્‍વને પૂરા મેળાના દર્શન કરાવવા થનગનતું હતું પરંતુ... 

(10:08 AM IST)