<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

કુંભ મનોરંજનનું માધ્‍યમ નથી

કુંભ એટલે સનાતનનો મહાસંગમઃ વૈવિધ્‍યનું પ્રદર્શનઃ મોનાલીસા- હર્ષા છાબરિયાની જ ચર્ચા મુર્ખામી

  સનાતન એટલે શાશ્વત. સનાતન પરંપરા બ્રહ્માંડના સર્જન પૂર્વે પણ હતી, વર્તમાનમાં પણ છે અને બ્રહ્માંડના વિસર્જન બાદ પણ રહશે. આ મહાન ગૌરવવંતી અને અલૌકિક પરંપરામાં અસંખ્‍ય સંપ્રદાયો, શાખાઓ, સાધનાઓ છે. તમામ શાખા-સાધના વિશિષ્‍ટ છે અને પરમતત્‍વને પ્રાપ્ત કરાવવા શકિતમાન છે. આ અકલ્‍પનીય શાખાઓ-સંપ્રદાયો-સાધનાઓનો મહાસંગ એટલે કુંભ મેળો...

હાલ પ્રયાગરાજમાં મહાકુંભ આયોજિત થયો છે. દેશ-દુનિયામાંથી કરોડો સનાતનીઓ ઉમટી રહ્યા છે. દોઢ મહિનો આ મહાસંગમ ચાલશે. પારાવાર વૈવિધ્‍ય ધરાવતી સનાતન પરંપરાને દોઢ મહિનામાં જાણવી શકય નથી.

ટેકનોલોજીના યુગમાં મીડિયા વિસ્‍ફોટ થયો છે. સત્તાવાર માધ્‍યમો અને સોશિયલ મીડિયા લગભગ દરેક નાગરિકના માનસ સુધી પહોંચી ગયા છે. સનાતનનું વૈવિધ્‍ય પીરસવાનો આ શ્રેષ્‍ઠ અવસર ગણાય. મીડિયાએ સનાતન તરફ ફોકસ કરવાને બદલે આખા કુંભમેળાને આડા પાટે ચઢાવવાનો પ્રયાસ જાણતા-અજાણતા થઇ રહ્યો છે.

મહાકુંભના પ્રથમ દિને જ હર્ષા છાબરિયા નામની અતિ સામાન્‍ય મહિલા પર મીડિયા અને સોશિયલ મીડિયાનું ફોકસ થઇ ગયું. રાષ્‍ટ્રીય સ્‍તરની ગણાતી અમુક ટીવી ચેનલોએ તો હર્ષાને કુંભની સૌથી સુંદર સાધ્‍વી ગણાવી દઇને વિશેષ સ્‍ટોરી રીલીઝ કરી દીધી. સોશિયલ મીડિયામાં પણ ચાર-પાંચ દિવસ હર્ષા જ વાયરલ થતી રહી છે. વાસ્‍તવમાં હર્ષા માત્ર યુ-ટયુબર અને ગતકડાબાજ જ હતી.

હર્ષા બાદ આઇ. આઇ. ટી. બાબાના નામે એક ઔર ગતકડું વાયરલ થયું. આ અંગેના વિવાદો મીડિયામાં ચગ્‍યા. આ હજુ પુરૂ નો તું થયું ત્‍યાં માળા વેચનારી એક ભોળી યુવતી મોનાલીસાના નામે વાયરલ થઇ ગઇ. સોશિયલ મીડિયાથી માંડીને લગભગ દરેક મીડિયામાં આ ચહેરો છવાઇ ગયો. આ યુવતીનું પ્રાકૃત સૌંદર્ય પ્રસિધ્‍ધ બને તે ખરાબ બાબત નથી, પણ...

મહાકુંભ મેળો આવા કાર્યો માટે નથી. દોઢ મહિનામાં અપાર વૈવિધ્‍ય જાણવું પણ શકય નથી ત્‍યારે ફાલતુ કે સામાન્‍ય ચહેરાની જ ચર્ચા થાય તે મૂર્ખામી ગણાય.

સનાતન પ્રમાણે દરેક જીવનની ગતિ પરમ તરફથી હોય છે. દરેક વ્‍યકિત આ દિશામાં જુદા જુદા સ્‍તરે હોય છે. ઘણાના આધ્‍યાત્‍મિકતા તરફ લગાવ અનહદ બની જાય છે, પણ માર્ગ સૂજતો નથી. આવા લોકો માટે કુંભમેળો માર્ગોના મ્‍યુઝિયમ જેવો છે. સનાતનની તમામ શાખાઓ આ મેળામાં પોતાની શકિત અને વિશેષતા પ્રદર્શિત કરે છે. લોકો પોતાને અનુકુળ માર્ગ શોધી શકે છે.

મીડિયા-સોશિયલ મીડિયામાં દોઢ મહિના સુધી દરરોજ એક-એક માર્ગની વિશેષતા-સાધના પધ્‍ધતિ-મહાત્‍માઓ વગેરેની સ્‍ટોરી રીલીઝ તો પણ રોચક અને અલૌકિક સ્‍ટોરીઝ ખૂટે તેમ નથી. આવું કરવાને બદલે હર્ષા જેવીના ફાલતુ વિવાદો કુંભના નામે ચાલે છે.

દેશમાં ઘણાં મીડિયા પોતે હિન્‍દુવાદી હોવાનું ગણાવે છે, પણ તેઓને કુંભનું અલૌકિક તત્‍વ શોધવાનું સૂજતું નથી. કુંભને મનોરંજન જેવો ગણાવી દેવો એ સાર્વજનિક પાપ  છે, જે ભારતમાં થઇ રહ્યું છે.

(10:54 AM IST)