News of Saturday, 25th January 2025
નકલી સામે અસલી પગલાંનો અભાવ
જાહેર આરોગ્ય બાબતે ગુજરાત ગંભીર નથીઃ દેખાડો મોટો, પરિણામ શૂન્ય
અખબારમાં એક જ પાનાં પર બે સમાચાર પ્રકાશિત થયા. ‘ખ્યાતિ પ્રકરણમાં વધુ એક મોત. ઘુટણનો દુખાવો હતો, પણ એન્જીિયોગ્રાફી કરાઇ હતી.' બીજા સમાચાર વાંચો' ઉત્તર ગુજરાતમાંથી એક જ વર્ષમાં બે કરોડનું નકલી ઘી ઝડપાયું. ભેળસેળિયા ઘીથી બીપી, કોલેસ્ટ્રોલની બિમારી'....
ખ્યાતિ પ્રકરણમાં ૧પ થી ર૦ દર્દીઓના મોત થયા છે. અસલી તબીબોએ બિનજરૂરી સારવાર કરી હતી. સરકારી યોજનામાં ગોટાળા કરીને કરોડો રૂપિયા કમાયા હતાં. ખ્યાતિ પ્રકરણ અતિ ગંભીર છે. ગુજરાતના માધ્યમોમાં ખૂબ ચગી રહ્યું છે, પણ તાળી બે હાથે વાગે. ખ્યાતિ પ્રકરણમાં નોંધવા જેવી બાબત એ છે કે, માત્ર હોસ્પિટલના તંત્ર પર જ પગલાં લેવાયા છે. કૌભાંડનો બીજો હાથ કયાં ? રાજનેતાથી માંડીને અધિકારીઓની ભૂમિકાનું ભીનું સંકેલાઇ ગયું?
મહત્વની બાબત એ પણ છે કે, ખ્યાતિ મામલે મીડિયા જેટલુ ગંભીર છે, તેટલી ગંભીરતા ભેળસેળિયા ઝેરી ખોરાક મામલે દેખાતી નથી. ખ્યાતિમાં ૧પ-ર૦ નિર્દોષ લોકોના મોત થયા હતાં. ગુજરાતમાં ખૂણે-ખૂણે ફેલાઇ ગયેલા ભેળસેળિયા-ઝેરી ફુડથી કેટલાં મરતા હશે ?
માત્ર ઉત્તર ગુજરાતમાંથી જ એક વર્ષમાં રૂા. બે કરોડનું નકલી ઘી ઝડપાયું, એ સમાચાર સાવ સામાન્ય સ્વરૂપે પ્રકાશિત થયા છે. સવાલ એ થાય કે ન ઝડપાયેલું નકલી ઘી કેટલું હશે ? સમગ્ર ગુજરાતમાં નકલી ઘી કેટલું બનતું હશે ? સામાન્ય જથ્થો ઝડપાય છે, મોટો જથ્થો ગુજરાતીની હોજરી સુધી પહોંચી જાય છે. ભેળસેળિયું ઘી આટલું હશે તો ટોટલ ભેળસેળિયું ફુડ કેટલું હશે ?
લોકો આરોગ્ય જાળવવા ઘી ખરીદે છે, ઊંચી કિંમત આપે છે, પણ એ ઘી ભેળસેળિયું અને નકલી છે. સમાચારમાં જ લખાયું છે કે, ભેળસેળિયા ઘીથી બી.પી.-કોલેસ્ટ્રોલ જેવી બિમારી થાય છે અને હૃદય રોગ પણ થઇ શકે છે. અન્ય ભેળસેળિયા ફુડથી કેન્સર સુધીની જીવલેણ બિમારી થાય છે.
આવા ફુડથી લાખો ગુજરાતીઓના આરોગ્યની પથારી ફરી ગઇ હશે. હજારો લોકોના મોત થયા હશે. ભેળસેળિયા ફુડ સામે કાર્યવાહી થાય છે, પણ માત્ર દેખાડા જેવી હોય છે. મોટાભાગે આર્થિક દંડ અને સામાન્ય સજા કરવામાં આવે છે. આ કારણે ઝેરી ફુડનો વ્યવસાય બેફામ વિસ્તર્યો છે.
૧પ-ર૦ ના મોતના પ્રકરણ ખ્યાતિકાંડના સમાચારને ભરપૂર પ્રાધાન્ય આપવામાં આવે છે, પણ હજારોના મોત માટે જવાબદાર ઝેરી-ભેળસેળિયા ફુડના ન્યૂઝને રૂટીન સમાચાર ગણવામાં આવે છે. મીડિયામાં ગંભીરતાનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.
ગુજરાતભરમાં શંકાસ્પદ ફુડ ફેલાઇ ગયું હોવા છતાં સરકાર પણ આ મામલે ગંભીર દેખાતી નથી. તંત્રના સેટિંગ જગજાહેર છે. ઉપરાંત નબળા કાયદા-તકલાદી કાર્યવાહી જ ચાલે છે. નકલી ફુડ સામે અસલી કાર્યવાહીનો સ્પષ્ટ અભાવ નજરે પડે છે.
ભેળસેળિયા-ઝેરી ફુડ મામલો અતિ ગંભીર છે, જનમટીપ -ફાંસી જેવી સજાની જોગવાઇ જરૂરી છે. ગુજરાતીઓના આરોગ્યની પથારી ફરી રહી છે. પરિણામલક્ષી કાર્યવાહી અનિવાર્ય છે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
