<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

જરા યાદ કરો કુરબાની...

શહીદોને ઔપચારિક શ્રધ્‍ધાંજલીથી દેશ બરબાદ થાયઃ ત્રેવડ હોય તો શહીદવીરોની કલ્‍પનાનું રાષ્‍ટ્ર નિર્માણ કરી દેખાડો...

 

 ગઇકાલે મૌની અમાવસ્‍યા હતી. આ દિવસ પિતૃદેવોને મુકિત અપાવવાનો - પ્રસન્‍ન કરવાનો દિન ગણાય છે. કરોડો લોકોએ કુંભમાં સ્‍નાન કર્યુ, કરોડો ભારતીયોએ પિતૃકાર્ય કર્યુ. આજનો દિન પણ સામાન્‍ય નથી. આજે રાષ્‍ટ્રીય પિતૃઓને પ્રસન્‍ન કરવાનો દિન છે. આજે શહીદ દિન છે. શહીદવીરો દેશના પિતૃઓ ગણાય.

૩૦ જાન્‍યુઆરીએ રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની હત્‍યા થઇ હતી. આ દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. આઝાદી પૂર્વેના ભારતની કલ્‍પના કરો. મુગલોની ગુલામી બાદ અંગ્રેજોની ગુલામી... મહાન ભારત બિચારું-ગરીબ-લાચાર હતું.

દેશને અવદશામાં મુકત કરવા અનેક રાષ્‍ટ્રવીરો મેદાનમાં આવ્‍યા હતાં. અંગ્રેજોના કૃર શાસન સામે જંગ છોડીને જાતનું બલીદાન આપીને દેશને આઝાદી અપાવી છે. ગાંધીજીનો માર્ગ અહિંસાનો હતો, પરંતુ અસંખ્‍ય નામી-અનામી ક્રાંતિવીરોએ તો કરો યા મરોનો જંગ છેડયો હતો. ભારત ભૂમિમાં અસંખ્‍ય માથાં વધેરાયા હતાં. આ ધરતી રકતના રંગે રંગાઇ હતી. ત્‍યારે આઝાદી મળી છે.

આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઇએ છીએ, એ આઝાદી સસ્‍તી ન હતી. આપણા સુખ માટે ક્રાંતિવીરોએ માથા આપ્‍યા હતાં. આજે શહીદ દિન મનાવાઇ રહ્યો છે. સરકારી આયોજન પ્રમાણે મૌન પાળવામાં આવે છે. મૌનમાં થોડો લોકો જોડાય છે, એ પણ ઔપચારિકતા ખાતર... ઘણાં નેતા શહીદી અંગે ભાષણ ફટકારે છે. ઘણાં વિવાદવીરો શહીદ દિને પણ ગાંધી માર્ગ અને ભગતસિંહના માર્ગ અંગે વિવાદ કરે છે. રાહુલ જેવા સાવરકરની બુરાઇ કરતા રહે છે.

વાસ્‍તવિકતા એ છે કે, આઝાદીના સાડા સાત દાયકે આપણે શહીદોને અંજલી આપવાની લાયકાત પણ કેળવી શકયા નથી. આ મામલે પણ ઔપચારિકતા કે નાટક ચાલે છે. અથવા અંગત હિત માટે શહીદોનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર નેતાઓ જ નહિ, લોકો પણ આ માર્ગે જ દોડી રહ્યા છે.

દેશના પિતૃદેવો પ્રસન્‍ન થાય એ માટે આપણે શું કર્યુ ? કંઇ નહિ. શું થઇ શકે ? આ પ્રશ્ન અગત્‍યનો છે. ક્રાંતિકારીઓના ઘણાં ગ્રુપ આઝાદી માટે સક્રિય હતાં. આઝાદ ભારતની કલ્‍પના દરેક જૂથની અલગ-અલગ હતી.

સર્વ સામાન્‍ય ઇચ્‍છા આદર્શ ભારતના નિર્માણની  હતી. ક્રાંતિવીરોની કલ્‍પનાનું ભારત નિર્માણ કરી શકીએ તો દેશના પિતૃઓ - શહીદવીરો પ્રસન્ન થઇ શકે.. આવું કરવાની ત્રેવડ છે?

જે દેશ શહીદીને સામાન્‍ય ઘટના ગણે એ દેશ બરબાદ થવાની પૂર્ણ લાયકાત ધરાવતો દેશ ગણાય. આપણે આ લાયકાત ધરાવીએ  છીએ. આજે પણ નકસલીના હાથે કે કાશ્‍મીરમાં જવાન શહીદ થાય તો પણ રૂટીન ન્‍યુઝમાં જ સ્‍થાન મળે છે. કોઇને કંઇ પડી નથી.

શહીદી જવાન માટે ગોૈરવ ગણાય, પણ રાષ્‍ટ્ર માટે તે શરમ  છે. આજના શહીદોનો બદલો મોદી સરકાર બરાબરનો લે છે, પણ જવાન શહીદ ન થાય તે માટે વિશેષ આયોજન દેખાતું નથી. શહીદોના માનમાં મોૈન નહિ રાખો તો ચાલશે, પરંતુ ત્રેવડ હોય તો શહીદોની કલ્‍પનાનું રાષ્‍ટ્ર નિર્માણ કરી  દેખાડો.

(9:51 AM IST)