News of Saturday, 15th February 2025
ટ્રમ્પઃ કડવો ઘુટ, સ્વીટ ફલેવર!
અમેરિકાના રાષ્ટ્રપતિ નિર્ણાયક શાસન આપવાના મૂડમાં છેઃ ભારતની કસોટી
કોઇ પણ શાસક પોતાના દેશનું હિત ઇચ્છે તો તેને નાલાયક ન કહેવાય. ભારતમાં વ્યાપકપણે એવી માનસિકતા પ્રવર્તે છે કે, ફલાણા દેશનો શાસક બદલીયો, હવે આપણું કલ્યાણ થશે! જે દેશ પોતાનું કલ્યાણ કરવા સક્ષમ કે તૈયાર ન હોય, એ દેશનું કલ્યાણ કોઇ કરી ન શકે.
નરેન્દ્રભાઇ મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે મીડિયા - સમીક્ષકો અને વિપક્ષો પ્રશ્ન કરતા હતા કે ભારતને શું મળશે? અમેરિકા કે ટ્રમ્પ કોઇ દાતા નથી અને ભારત દાન પર જીવતો દેશ નથી. મોદીજીનું વ્યકિતત્વ અને વિદેશનીતિ બંને પાવરફુલ હોવાથી વિશ્વમાં ભારતની આભા પાવરફુલ બની છે. ગ્લોબલ વિશ્વના યુગમાં એક દેશની નીતિની અન્ય દેશો પર અસર થતી હોય છે. અમેરિકા મહાસત્તા છે, તેની થોડી વધારે અસર વિશ્વ પર થાય છે, પરંતુ એ અસર ભારત માટે નિર્ણાયક હોય જ ન શકે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મૂડ જોતા એ નિર્ણાયક શાસનની વેતરણમાં હોય તેમ લાગે છે. ટેરીફ જેવા મુદ્્ે વિશ્વના તમામ દેશો માટે ટ્રમ્પે જેવા સાથે તેવાની નીતિ જાહેર કરતા ભારતને પણ આડ-અસર થનાર છે. ટ્રમ્પ ભારતના અને મોદીજીના વખાણ કરે છે, પણ આકરો ડોઝ આપવાનું ચૂકતા નથી. સ્વીટ ફલેવરમાં કડવી દવા પીવડાવી દેવા જેવી આ વાત છે. જો કે ટ્રમ્પના દૃષ્ટિકોણથી જુઓ તો એ અમેરિકાના હિત માટે નીતિ જાહેર કરે છે, તેને નાલાયક ગણી ન શકાય.
ભારત-અમેરિકા વચ્ચે વિવિધ કરારો થયા છે, તે અંગે નિષ્ણાતો લાભ-હાનીની સમીક્ષા કરી રહ્યા છે. એક બાબત યાદ રાખવી જ પડશે કે કયાંય વધારે પડતી અપેક્ષા ન રખાય, આપણા દેશનું કલ્યાણ આપણે જ કરવું પડે. દયાભાવ પર દેશ ન ચલે, ભારત ખુદનું જ નહિ, પણ વિશ્વનું કલ્યાણ કરવા સક્ષમ છે, આ માટે આપણે પ્યોર ભારતીય બનવું પડે.
ટ્રમ્પ-મોદી મુલાકાત પ્રસંગે ભારતના અમુક મીડિયા અને વિપક્ષો અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા ભારતીયોની વાપસી રોકવાનો મુદ્્ો ઉછાળી રહ્યા છે. આ મુદ્્ે અસ્થાને છે. અન્ય દેશમાં ગેરકાયદે ઘુસી જવું એ યોગ્ય ગણાય ? આવા ઘુસણખોરોને કોઇ દેશ સહન ન કરે. અમેરિકામાં ગેરકાયદે ઘુસેલાને ટ્રમ્પ પરત રવાના કરી રહ્યા છે. આ બાબત પણ ટ્રમ્પની રહેમ ગણાય. અમેરિકા તેને સખ્ત સજા આપી શકે છે, પણ ટ્રમ્પ શાસન પરત મોકલી રહી છે.
અમેરિકામાં ગેરકાયદે ધબકતા ભારતીયો એ રાષ્ટ્રવાદનો મુદ્્ો નથી. આવા ભારતીયોને ખુદના દેશ પર વિશ્વાસ કે આશા ન હતી તેથી અન્ય દેશોમાં જીવના જોખમે ઉડયા હતાં. આવા તત્વોની ભારતે ચિંતા કરવાની જરૂર નથી. કોઇપણ દેશમાં જવું હોય તો વિધિવત જવાય, એ સંદેશ તેમને મળી ગયો છે.
ટ્રમ્પનો મૂડ મોટી નવા-જૂની કરવાનો છે. અનેક ઇસ્લામિક દેશો-ફફડી ગયા છે. આપણે સજાગ અને સક્ષમ રહ્યું પડશે. (પ-ર)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
