<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

પીળું પાણી બરાબર ચઢ્‍યું!

જેના પર દારૂબંધીના અમલની જવાબદારી છે તે કામ કરવાને બદલે દારૂ ન પીવા સમાજને અપીલ કરે છે!: સમાજની ચિંતા હોય તો ત્રાટકો...

 ચર્ચાસ્‍પદ બનેલું પીળું પાણી ભુપેન્‍દ્રભાઇ સરકારની પોલ ખોલી રહ્યું છે. આનંદની બાબત એ છે કે, પોલ ખોલનારા પોલીસ અધિકારી છે અને બીજા ભાજપના જ નેતા છે. આ બંને જવાબદાર સ્‍થાનો પર છે.

તાજેતરમાં સુરતના મહિલા પીએસઆઇ એ પોતાના પાટીદાર સમાજની ચિંતા કરતા જણાવ્‍યું હતું કે, ‘સમાજના યુવા વર્ગમાં દારૂનું ચલણ ખૂબ વધી  ગયું છે. ટોટલ પીધેલા પકડાય છે તેમાંથી પ૦ ટકા પીધેલા પાટીદાર સમાજના હોય છે.

મહિલા પોલીસ અધિકારીની ચિંતા અસ્‍થાને નથી. સમાજમાં પીવાનું પ્રમાણ ભયજનક હદે વધી રહ્યું છે. મહિલા પીએસઆઇની વાતને ગંભીરતાથી લેવાને બદલે ઘણાં કહેવાતા સામાજિક અગ્રણીઓએ મહિલા પોલીસ અધિકારીની વાતના ખંડન કર્યા છે. અમુક તો કહે છે કે, ટકાવારી ખોટી આપવામાં આવી છે.

આ વિવાદ ચાલે છે ત્‍યાં ભાજપના વરિષ્‍ઠ અગ્રણી ગોરધનભાઇ પટેલે પણ પાટીદાર સમાજની ચિંતા કરતા નિવેદન આપ્‍યું કે, ‘ઘરમાં પીળું પાણી (દારૂ) રાખવાનું બંધ કરો, તેના પરિણામ અંગે પત્‍ની-દીકરીને પૂછો.'

ગોરધનભાઇની વાત પણ ખોટી નથી. દારૂની લતથી પરિવારમાં મહિલાઓની દશા ખૂબ ખબરા થાય છે. કહી ન શકાય, રહી ન શકાય તેવી દશા બને છે. ઘરની એક વ્‍યકિત દારૂના રવાડે ચઢે અને આખો પરિવાર બરબાદ થાય છે.

આ કારણે ગુજરાતમાં દારૂબંધી છે. હવે અન્‍ય રાજયો પણ દારૂબંધી તરફ વળી રહ્યા છે. જો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજયમાં જે ખૂણે જેવો માંગો તેવો અને જેટલો માંગો તેટલો મળી રહે છે. વિવિધ વિદેશી બ્રાન્‍ડથી માંડીને પહેલ-છેલ્લી ધારના દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય-પીવાય છે.

છેલ્લા દશ વર્ષમાં કાયદા-સજામાં ફેરફાર કરીને દારૂબંધી હળવી કરવામાં આવી છે, પરંતુ હજુ કાયદાકીય પ્રતિબંધ છે. દારૂબંધીનો અમલ કરાવવા માટે મોટું તંત્ર કામ કરે છે, પરંતુ સ્‍થિતિ એવી છે કે, રાજયના એકાદ-બે વિસ્‍તારોમાં પીવાના પાણીની અછત છે, પણ દારૂના ધોધ સમગ્ર ગુજરાતમાં વહે છે.

દારૂબંધી અમલ કરવાની જવાબદારી પોલીસ તંત્રની છે, પરંતુ પોલીસને સમાજ સેવકનો ઢઢ્ઢો ચઢે ત્‍યારે દારૂ ન પીવા સમાજને અપીલ કરે છે. સમાજની ચિંતા દારૂ અને દારૂડિયા પર ત્રાટકતા કેમ નથી ? ગોરધનભાઇઓ જેવા નેતા પાટીદાર સિમ્‍બોલના કારણે પાવરમાં છે. તેમના પક્ષ ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તામાં છે. નબળા અને સેટિંગબાજ સત્તાધીશોના કારણે ગુજરાત દરૂડિયું જ નહિ, ડ્રગ્‍સ બાજ પણ બની ગયું છે.

ગોરધનભાઇ સમાજને સુફિયાણી સલાહ આપે છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધીનો પૂરેપૂરો અમલ કરાવવા સરકારને કે પક્ષને કડકાઇથી કંઇ કહેતા કે કરતા નથી. આ બાબત સમાજને મૂરખ બનાવવા જેવી નથી?

મહિલા પોલીસ અધિકારી અને ગોરધનભાઇને કહો કે, પોલીસ તંત્ર અને નેતા તંત્રના પાપના કારણે માત્ર પાટીદાર સમાજ નહિ, સમસ્‍ત સમાજ ત્રાહીમામ થઇ ગયા છે. દરેક સમાજમાં દારૂ-ડ્રગ્‍સ ઘુસી ગયા છે. પોલીસ-નેતાઓના સેટિંગથી ગુજરાત બરબાદ થઇ રહ્યું છે. સંવેદનશીલ મુખ્‍યમંત્રીને પાટીદાર સમાજ કે અન્‍ય સમાજની ચિંતા થતી ન હોય તેમ લાગે છે, નિવેદન પણ આપતા નથી...! (પ-ર)

(9:48 AM IST)