News of Wednesday, 19th February 2025
એક જ વિકલ્પ મરણિયા બનો
ગુજરાતમાં કોંગ્રેસને શરમ આવવી જોઇએઃ અનુકુળ માહોલમાં પણ વિપક્ષ માટે પ્રતિકુળ પરિણામ
આજથી ગુજરાત ધારાસભાનું સત્ર શરૂ થયું છે. નક્કી જ છે કે, વિપક્ષ કોંગ્રેસ વિરોધ કરશે. વોકઆઉટ કરશે અને ભાજપ ધાર્યા કામો પાર પાડશે. ગૃહમાં અને ગૃહની બહાર કોંગ્રેસ છેલ્લા ૩૦ વષોથી એક જ સિસ્ટમથી વિરોધ કરે છે. પરાજય અબખે પડી ગયો હોય તેમ લાગે છે.
ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની રાબેતા મુજબ પથારી ફરી ગઇ. દરેક ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત ઘટતી જાય છે. આ બાબત વિપક્ષ માટે શરમજનક ગણાય.
કોંગ્રેસનું સાવ ઉઠમણું થઇ જાય તો પણ વાંધો નથી, પરંતુ અતિ નબળા વિપક્ષના કારણે ગુજરાતને પ્રચંડ નુકસાન થઇ રહયું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સર્વત્ર ભાજપ છવાઇ ગયો છે ઘણા સ્થાને વિપક્ષ પોતાની બેઠકો પણ જાળવી નથી શકયો આ અસામાન્ય સિધ્ધિ ભાજપે મેળવી છે, જે અભિનંદનનીય છે.
સવાલ એ થાય કે, લોકોને ભાજપ પર આટલો બધો પ્રેમ ઉભરાઇ રહયો છે? આ સવાલનો જવાબ એ છે કે, ભાજપ સામે નારાજગીનો પાર નથી, પણ કોંગ્રેસ કલ્યાણ કરશે તેવી આશા એક ટકો પણ રહી નથી
વિપક્ષની દૃષ્ટિએ જુઓ તો ગુજરાતમાં એકદમ અનુકુળ માહોલ છે. લોકો ત્રાહીમામ છે. ગુજરાત ક્રિમીનલ સ્ટેટ બનવા લાગ્યું છે. કાયદો- વ્યાવસ્થાના ધજાગરા ઉડી રહયા છે. ભ્રષ્ટાચારે પણ માજા મૂકી છે. ગામે-ગામ લોકપ્રશ્નોનો ખડકલો છે. આ ઉપરાંત ભાજપમાં આંતરિક બધડાટી પણ બેફામ છે. ગુજરાતમાં ભાજપ વિચારધારાથી ફંટાઇ ગયો છે. ખુરશી પર નબળા નેતાઓ ગોઠવાઇ ગયા છે.
વિપક્ષ માટે આ માહોલમાં મત લણવા સાવ સરળ ગણાય. શકિતસિંહ જેવું નેતૃત્વ પણ કોંગ્રેસ પાસે હતું. છતાં કોંગ્રેસ કંઇ ઉકાળી શકી નહી. આ પરિણામો માટે કહયું પરિબળ જવાબદાર ગણાય?
અનેક કારણો હોય છે, પણ મુખ્ય પરિબળ કોંગ્રેસની વિરોધ નીતિ છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસના નેતાઓ નિવેદનિયો વિરોધ કરી રહયા છે. બહુ-બહુ તો ધરપકડ વહોરે છે. આવા વિરોધ માત્ર ઓૈપચારિક બની ગયા છે. આヘર્ય એ છે કે, ૩૦ વર્ષના ગાળામાં કોંગ્રેસ એક પણ નિર્ણાયક લડત નથી આપી. શાસકો વિપક્ષથી ધ્રુજતા હોય છે, ગુજરાતમાં વિપક્ષ ધ્રુજી રહયા છે.
નિવેદનિયા વિરોધ-દેખાવથી શાસકોને કે લોકો પ્રભાવિત થતા નથી. કોંગ્રેસે હવે બદલાવ લાવવો પડશે. કરવા ખાતર વિરોધ નહી, પરિણામલક્ષી વિરોધ તરફ જવું પડશે. આ માટે એક જ વિકલ્પ છે, મરણિયા બનો પ્રશ્નો ઉકેલવા શાસકોને ફરજ પડે તેવી લડત આપવી પડશે. આ અઘરું છે, પણ અનિવાર્ય છે. લડત નિણાર્યક અપાશે તો જ લોકોમાં પક્ષ વિશ્વાસુ બની શકશે. યાદ એ રાખવાનું કે સત્તા કયારેય ગિફટમાં નહી મળે. તાકાત દેખાડવી જ પડશે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
