હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચરબી ચઢી ગઇઃ ભારેખમ સમસ્યા!
વડાપ્રધાનનું સ્થૂળતા વિરોધી અભિયાનઃ શ્રમની અનિવાર્યતા સ્થાપવી પડશે
ભાજપના અનેક નેતાઓથી માંડીને શેરીના ટાબરિયા જેવા કાર્યકરોના મગજમાં સત્તાની ચરબી ચઢી ગઇ છે. આ ચરબીને નજર અંદાજ કરીને વડાપ્રધાન મોદીજીએ સ્થૂળતા વિરોધી અભિયાન શરૂ કર્યું છે. આ માટે ૧૦ સેલીબ્રિટીને નોમીનેટ કર્યા છે. ખોરાકમાં ખાદ્યતેલ ઘટાડવા પણ પ્રચાર શરૂ થયો છે.
આયુર્વેદ પ્રમાણે સ્થૂળતા અનેક ગંભીર શારીરિક સમસ્યાની જનની જેવી છે. ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ જોખમી હદે વધી રહયું છે. વડાપ્રધાન આવું અભિયાન શરૂ કરે એ સરાહનીય છે, પણ સ્થૂળતાની સમસ્યામાં થોડા ઊંડા ઉતરવું જરૂરી છે.
એલોપથીના મોટાભાગના તબીબો તેલ-ઘી જેવા પદાર્થો બંધ કરવા કે ઘટાડવા સલાહ આપે છે. ઘણાં પ્રાકૃતિ તબીબો માને છે કે, તેલ-ઘી પોષણના મુખ્ય સોર્સ છે, શરીરને ઉર્જા-પોષણ જરૂરી છે. મુખ્ય મુદ્ો ઉર્જાનો ઉપયોગ કરવાનો છે. શ્રમ ને શરમ માનવામાં આવે છે. તે આપણી ગેરસમજ છે. શ્રમનું મહત્વ સ્થાપિત કરીને શ્રમ તરફ વળે તો સ્થૂળતા આપોઆપ દુર થઇ જાય તેમ છે.
ઘણાં ભારેખમ લોકો ફરિયાદ કરે છે કે, જિદંગી જીવવાની મજા આવતી નથી. સુખ સાધનો વધી ગયા છે, સુવિધા પણ વધી ગઇ છે. માણસ આર્થિક રીતે સુખી થતો જાય છે તેમ શ્રમથી દુર થતો જાય છે. આર્થિક સુખ અને શારીરિક દુખ આ બંનેનો સાથે જ પ્રારંભ થતો હોય તેમ લાગે છે.
ભારતમાં વિચિત્રતા એ છે કે, જે વર્ગ હદ ઉપરાંતનો શ્રમ કરીને ગુજરાન ચલાવે છે, તે વર્ગને પૂરતું પોષક ભોજન મળતું નથી અને જે વર્ગ પાસે કોઇ જ શ્રમ નથી તે અતિ પોષણ યુકત ભોજન લે છે. આ બંને સ્થિતિ આરોગ્યની પથારી ફેરવનારી છે. ભારત આ દિશામાં દોડી રહયું છે
એક મત એવો પણ છે કે, સ્થૂળતાની સમસ્યામાં ભેળસેળિયો અને પ્રોસેસ્ટ ખોરાક મોટી ભૂમિકા ભજવે છે. તેલ-ઘી સામે વાંધો નથી, પણ આ બંને શુધ્ધ શોધવા જ અઘરા છે. ઉત્પાદકો તેલ-ઘીના નામે શેના ઘુટવા ભરાવે છે તેનો ખ્યાલ આવતો નથી. નિયમો-તંત્ર બધુ જ છે, પણ દેશભરમાં સેટિંગના સામ્રાજયથી ભેળસેળ-નકલી બેફામ વેચાય છે. સરકારે સ્થૂળતા સામે નક્કર જંગ ખેલવો હોય તો ફૂડ માર્કેટને શુધ્ધ કરવી અનિવાર્ય છે.
ઘણાં ભારેખમ લોકો ઉપવાસ પર ઉપવાસ કરે છે, પણ પરિણામ મળતું નથી. સ્થૂળતાના અનેક કારણો હોઇ શકે છે. આ અંગે નિષ્ઠાપૂર્વક રિસર્ચ થવું જોઇએ. મન કી બાતમાં વડાપ્રધાને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા પર જ ભાર મૂકયો છે, માત્ર આ એક કદમ પરિણામ આપે તેમ લાગતું નથી. જો કે મોદીજીએ લોકોના સ્વાસ્થ્યમાં રસ દેખાડયો એ જ આવકાર્ય બાબત છે. કરવા ખાતર કામ ન કરે તો સારું
આ અભિયાન સાથે ભાજપી નેતા-કાર્યકરોના મગજમાં ચઢેલી સત્તાની ચરબી ઘટાડવા પણ અભિયાન ચાલે તો દેશનું આરોગ્ય પણ ટનાટન બને.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
