<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

હજુ ફાઇનલ નથી રમાયો!

ક્રિકેટમાં વિજેતા થવું એ ગોૈરવ છે, પરંતુ રિયલ જંગ જીતવોરાષ્‍ટ્ર માટે જરૂરી હોય છે

 

આજના દેશભરના અખબારો અને ન્‍યૂઝ ચેનલ્‍સમાં ક્રિકેટ જગતના સમાચાર હાવી છે. ચેમ્‍પીયન્‍સ ટ્રોફીનો ફાઇનલ મેચ છવાઇ ગયો છે. કોઇ પણ ખેલમાં જય પરાજય ચાલતા જ રહે છે. પરિણામ કરતા ખેલનું કોૈશલ્‍ય ખીલે અને આનંદ વ્‍યાપે તેનું મહત્‍વ વધારે હોય છે. ક્રિકેટ ખેલ છે, ક્રિકેટ શોખ છે, વિજેતા બનવું એક રાષ્‍ટ્ર માટે ગોૈરવની બાબત છે, પણ એ યાદ રાખવું જોઇએ કે, ક્રિકેટમાં પરાજિત કરી દેવાથી દુશ્‍મનની ટીમ પરાજિત થાય છે, દુશ્‍મન નો દેશ પરાજિત નથી થતો.

ચેમ્‍પીયન્‍સ ટ્રોફીમાં પાકિસ્‍તાન યજમાન દેશ હતો. યજમાન હારે કે જીતે, પરંતુ વિવિધ દેશોની ટીમો પોતાના દેશમાં ખેલે તો પણ ઘણો આર્થિક લાભ થતો હોય છે. હાલમાં પાકિસ્‍તાન સાવ ઠન-ઠન ગોપાલ દેશ છે. ફૂગાવો ફાટીને ધૂમાડે ગયો છે. અર્થતંત્ર થંભી ગયું છે. લોકો ત્રાહીમામ છે. આ સ્‍થિતિમાં ચેમ્‍પીયન્‍સ ટ્રોફીના આયોજનથી અર્થતંત્રમાં ગતિ આવવાની આશા હતી. લોકોની માનસિકતામાં બદલાવ આવવાની આશા હતી.

ભારતે નિર્ણય કર્યો કે અમે પાકિસ્‍તાનમાં નહી રમીએ. ભારત છેક ફાઇનલ સુધી પહોંચી ગયું પાકિસ્‍તાન યજમાન હતું, પણ મહત્‍વના મેચ તેના હાથમાંથી છટકી ગયા. યજમાનીથી લાભ લેવાની આશા મનમાં જ રહી ગઇ. પાકિસ્‍તાન ક્રિકેટ ટીમ તો સમગ્ર ટુર્નામેન્‍ટમાં કંઇ ઉકાળી ન શકી, પરંતુ યજમાની મેળવીને પણ કાંદો ન કાઢી શકયા. જીવ બાળવા સિવાય કોઇ કામ તેની પાસે ન રહયું જો કે આપણે આવું કરીને રાજી થવાની જરૂર નથી. કારણ કે હજુ ફાઇનલ બાકી છે.

ચેમ્‍પીયન્‍સ ટ્રોફીનો ફાઇનલ મેચ ગઇકાલે ખેલાઇ ગયો, પણ ક્રિકેટ ટીમનો નહિ, દેશનો રિયલ મેચ હજુ બાકી છે. તાજેતરમાં પીઓકે એટલે કે પાકિસ્‍તાનના પ્રભાવમાં રહેવું કાશ્‍મીર ચર્ચામાં છે. આંતરરાષ્‍ટ્રીય મંચ પર ગત સપ્‍તાહે પાકિસ્‍તાનુ કાશ્‍મીર મુદ્‌ો ઉઠાવ્‍યો. ત્‍યારે ભારતે સ્‍પષ્‍ટ જણાવી દીધું હતું કે, પીઓકે અમને સોંપી દો એટલે કાશ્‍મીર સમસ્‍યા ઉકલી જશે.

આવી ચર્ચા થઇ એટલે કાશ્‍મીરી નેતા ઓમાર અબ્‍દુલાનો ગરાસ લૂટાયો હોય તેમ  ભારત સરકાર સામે કટાક્ષભર્યા ઉચ્‍ચારણો કર્યા હતા. પાકિસ્‍તાન પણ કાશ્‍મીર અંગે વારંવાર ગરમાગરમ નિવેદનો આપીને રાક્ષસીવૃતિ ઉજાગર કરે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નિવેદન કર્યુ હતું કે, પીઓકેના લોકોએ જ નિર્ણય કરવો જોઇએ કે કોની સાથે રહેવું છે. અમેરિકામાં ઘાંઘા બનેલા ટ્રમ્‍પ તંત્ર ને પણ લાગી રહયું છે કે, ભારત પીઓકે મામલે કંઇક નવાજૂની કરવા જઇ રહયું છે.  આજના અહેવાલો  પણ આજ દિશા નિર્દેશ કરે છે.

સમગ્ર  માહોલનું તારણ આ નીકળે છે કે, ક્રિકેટમાં ભલે વિજયોત્‍સવ થઇ ગયો, પરંતુ રિયલ જંગનો ફાઇનલ ખેલાવાનો હજુ બાકી છે. આઝાદી સમયે ભારતે કાશ્‍મીર મામલે ઐતિહાસિક ભૂલો કરી હતી. સાડા સાત દાયકે આ ભૂલો સુધારવાની તક છે.

ન્‍યૂઝિલેન્‍ડ સામે ભારતે રોમાંચક  વિજય મેળવ્‍યો અને ભારતભરમાં દિપાવલીનો માહોલ થઇ ગયો. ક્રિકેટના મેદાનમાં રોમાંચ થઇ ગયો, પરંતુ આપણે યાદ રાખવું જોઇએ કે, દેશના મુખ્‍ય જંગનો ફાઇનલ ખેલાવાનો હજુ બાકી છે.

(10:40 AM IST)