<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

૧૦૦ કલાકઃ નાટક કે...

અસામાજિકોની યાદી તૈયાર કરવા આદેશઃ યોગી બનવાની તક પણ હાસ્‍યાસ્‍પદ બનવાની શકયતા વધારે

 

  ગુજરાતમાં રાજાશાહી જેવો વટ મારતા ટોચના અધિકારીઓ કંઇ વિશેષ ઉકાળી શકતા નથી. રાજયના ભાજપી નેતાઓનું તેની સાથે કંઇ ઉપજતું નથી. બિહારમાં દશ દિવસમાં બે આઇપીએસની હત્‍યા લોકોએ કરી નાખી. ગુજરાતમાં વટ મારનારા અધિકારીઓ અન્‍ય રાજયોમાં ફફડતા રહે છે. ગુજરાતમાં અધિકારીઓ ગુંડાઓ પર ધાક જમાવી શકતા નથી, અને લોકો ફફડતા રહે છે. ગુન્‍હાખોરીનું પ્રમાણ અનહદ વધી ગયું છે.

ધૂળેટીએ અમદાવાદમાં પરપ્રાંતીઓના ટોળાએ માર્ગો પર લાઠી અને તલવારથી વાહનોમાં તોડફોડ કરીને રીતસર આતંક મચાવ્‍યો હતો. ગુજરાત માટે આ દૃશ્‍યો શરમજનક અને ચિંતાજનક હતાં. લોક આક્રોશ ફાટવાની તૈયારીમાં હતો. શરમ મારી સરકારે આદેશ આપ્‍યો કે, ૧૦૦ કલાકમાં રાજયભરના અસામાજિકોનું લીસ્‍ટ તૈયાર કરો.

આ સમાચાર ગુજરાતભરના મીડિયામાં છવાયા. ફફડતા લોકોમાં આશા જાગી. સરકાર આક્રમક બની રહ્યાનો અહેસાસ થયો. આ આદેશને લગભગ ૧૦૦ કલાક પુરા થવા આવ્‍યા છે. ગુન્‍હાખોરોમાં ફફડાટ કે મંદીનો માહોલ દેખાતો નથી.

ગુજરાતમાં ગોઠવાઇ ગયેલા નેતાઓને યોગી બનીને આબરુ સુધારવાની તક છે. ગુન્‍હાખોરો પર કડકાઇથી તૂટી પડીને લોક વિશ્વાસ પ્રાપ્ત કરવાની તક છે, પરંતુ મહત્તમ સંભાવના નેતાઓ-અધિકારીઓ યોગી બનવાને બદલે હાસ્‍યાસ્‍પદ બને તેમ લાગે છે. ભુતકાળમાં ગુજરાતના ગૃહમંત્રીએ વ્‍યાજખોરો પર તૂટી પડવાનો આદેશ આપીને ખૂબ પ્રસિધ્‍ધિ લીધી હતી. સ્‍થિતિ શું બની ? વ્‍યાજખોરો પૂરી તાકાતથી હાહાકાર મચાવે છે અને નેતુ ડલ સાબિત થઇ ગયું છે.

ડીજીપી દ્વરા ૧૦૦ કલાકનો આદેશ અપાયો છે, તો ઝીણવટથી વાંચો તો ખ્‍યાલ આવશે કે આદેશમં અનેક પ્રકારના ગુન્‍હા કરનારાઓ ક્ષેત્રના નામ સાથે ઉલ્લેખ કરાયો છે, પણ સમગ્ર આદેશમાં દારૂનો કોઇ ઉલ્લેખ નથી. દેશી દારૂના ખુલ્લે આમ ધંધાના કારણે ગુન્‍હાખોરીનું તંત્ર ગુજરાતભરમાં ફેલાયું છે. દારૂ પકડાય છે એ પણ વિદેશી પકડાય છે. દેશી સાથે ગજબના સેટિંગ હોય તેમ નથી લાગતું...?

૧૦૦ કલાક બાદ કાર્યવાહી થાય તો પણ દેશીવાળા તો હાહાકાર મચાવતા જ રહેશે. વિચિત્ર બાબત એ પણ છે કે જો  આદેશ અપાયો છે તે યાદી તૈયાર કરવાનો છે. અસામાજિકોના સફાયાનો આદેશ આપવાનો હોય કે તેની યાદી બનાવવાનો ? યાદી બનાવવાનું કાર્ય પણ પોલીસને જ સોંપાયું છે. ગામ આખાને ખબર છે કે ઉપરથી નીચે સુધી સેટિંગ ચાલે છે. જે ગુંડું કમાઇને આપતું હોય તેને યાદીમાં સ્‍થાન મળે ?

સમગ્ર આદેશ જ ખોખલો નથી લાગતો ? બબુચક જેવા ખેલ કરીને પ્રસિધ્‍ધિ લેવાને બદલે ગૃહમંત્રી અને ડીજીપીએ સાથે મળીને પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને ગુજરાતને ગેરન્‍ટી આપવી જોઇએ કે, ૧૦૦ કલાકમાં ગુજરાતભરમાંથી ગુંડાતત્‍વોનો સફાયો થઇ જશે....

આવું કરી દેખાડવાની વૃત્તિ, શકિત, ક્ષમતા દેખાતી નથી. રાજયમાં પરપ્રાંતીય-વિધર્મી ગુન્‍હાખોરી બેફામ બનવા લાગી છે. સરકારનો કોઇ કાબુ રહ્યો નથી. બિહાર જેવી સ્‍થિતિ બની રહી છે. ગુન્‍હાખોરો માત્ર લોકોને જ નથી નડતા. યાદ રાખજો, બિહારમાં દશ દી'માં બે આઇપીએસની હત્‍યા ગુંડાઓએ કરી છે. 

(10:29 AM IST)