News of Tuesday, 18th March 2025
વકફ વિવાદઃ બારી ઉઘાડો
ધાર્મિક કટ્ટરતાના પરિણામ પડોશી દેશમાં જુઓઃ પાકિસ્તાનમાં અન્ન નથી, શાંતિનું જીવન નથી...
પાકિસ્તાનનું સેૈન્ય ભારતને હચમચાવી દેવાના સપના જોતું હતું, પણ તેનું પોતાના દેશમાં પણ કંઇ ઉપજતું નથી. બલુચ લડાકુઓના હુમલાથી બચવા પાક સૈન્ય ભાગાભાગી કરવા લાગ્યું છે.
બીજી બાજુ પાકિસ્તાનમાં ઉછરતા રાક્ષસી ત્રાસવાદીઓ ભારતમાં ખાનાખરાબી સર્જવા મરણિયા બન્યા હતા. હાલ ત્રાસવાદી ડેંડાઓના પાકિસ્તાનમાં જ ફૂરચા ઉડી રહ્યા છે.
પાકિસ્તાનનું સર્જન ધાર્મિક કટ્ટરતાના આધારે થયું છે. આવા ટોળા પાકિસ્તાનમાં ઘુમી રહયા હતા. પરિણામ શું આવ્યું? સમગ્ર દેશ બરબાદ થઇ ગયો છે. ફૂગાવો ફાટીને ધૂમાડે ગયો છે. ખાવા માટે અનાજ નથી રહયું સમગ્ર દેશમાં અંધાધુધીનો માહોલ છે. ગરીબીએ ભરડો લીધો છે. પાક વડાપ્રધાનને કોઇ દેશ ભીખ આપવા પણ તૈયાર નથી. પાકિસ્તાનના સત્તાધીશો ચીન પાસે ખુશામતિયા મુજરા કરીને પીઠબળ લે છે.
ધાર્મિક કટ્ટરતાના કારણે આ દેશ બરબાદ થયો છે છતાં હજુ કટ્ટરતાનો નશો ઉતરતો નથી. આ સામે ધર્મ નિરપેક્ષ દેશ ભારત વિશ્વભરમાં મહાસત્તાઓ સામે સકારાત્મક પડકાર બનીને ઉભરી રહ્યો છે.
સ્થિતિ નજર સામે જ હોવા છતા ભારતના લઘુમતીઓ ધર્મના નામે કટ્ટર બનવા જીદ પકડીને બેસે છે. વકફના કાયદામાં પરિવર્તન સામે ગઇ કાલે દિલ્હીમાં દેખાવો થયા હતા. જો કે અમુક નેતાઓ પોતાની રાજનીતિ અને ધર્મની દુકાનો ચાલુ રહે તે માટે વકફ જેવા મુદ્ે તનાવ સર્જવા પ્રયાસ કરે છે.
આવા તત્વોએ બારી ખોલીને પડોશી દેશની દશા જોવાની જરૂર છે. પાકિસ્તાનના અનેક વિસ્તારો પોતાના દેશમાં ત્રાહીમામ પોકારી ગયા છે. અને ભારતનો ભાગ બનવા તરફડી રહ્યા છે. ધાર્મિક કટ્ટરતાથી પેટ ભરાતું નથી, તેનો અનુભવ પાકિસ્તાનના ઘણાં પ્રાન્તોને થઇ ગયો છે.
આ સ્થિતિમાં કંઇ સિક્રેટ જેવું રહ્યું નથી, પાકિસ્તાનની બરબાદી જગજાહેર છે અને તેના કારણો પણ વિશ્વ જાણે છે. પાકિસ્તાનને જે થવું હોય તે થાય, પરંતુ તેના અનુભવમાંથી ભારતના લઘુમતી સમુદાયે ઘણું શીખવા જેવું છે.
બરબાદીનો માર્ગ છોડવાનો અવસર છે. ભારતમાં વર્ષોથી ચાલતો રાજકીય પાવરની સ્થિતિ બદલાઇ ગઇ છે. પરિવર્તનને સ્વીકારવામાં આવે કે સંઘર્ષથી, પણ અસ્વિકાર જેવો કોઇ જ વિકલ્પ રહ્યો નથી.
પોતાની દુકાન ચલાવવા કટ્ટરવાદની હવા ચલાવતા નેતાઓને સ્ટોપનો આદેશ આપવાનો આ મોકો છે. પરિવર્તન સંસારનો નિયમ છે, એ બાબત અનિવાર્યપણે યાદ રાખીને પોતાના ભવિષ્ય અંગે વિચાર કરવો જોઇએ.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
