તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
પ.બંગાળમાં રામ પ્રયોગઃ ભગવો સક્રિય
મમતા શાસન પર ધર્મ સંકટઃ રાજનીતિ રંગ જમાવશે...
અમુક સમાચારો અખબારોમાં આવતા નથી. રામ નવમી નિમિતે અમદાવાદમાં યોજાયેલી રથયાત્રા એક વિસ્તારમાં જતી પોલીસે અટકાવી હતી. રથયાત્રામાં સામેલ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, રોડ પર બેસી ગયા. ધરણા શરૂ થયા. પોલીસે ધરણા કરનારા સાથે વાતચીત કરીને સમાધાન કર્યુ, બાદમાં રથયાત્રા આગળ વધી.
સમાધાનના ભાગરૂપે યાત્રાનો એક ફલોટ દૂર કરાયો હતો. આ ફલોટ લવ જેહાદ વિરોધી હતો. આ ફલોટ ગુજરાત પોલીસે લઘુમતી વિસ્તારમાં જતો અટકાવ્યો હતો. લવ જેહાદ ગુજરાતની મોટી સમસ્યા બની ગઇ છે. હિન્દુવાદી ગુજરાત સરકાર કંઇ ઉકાળી શકતી નથી. પોલીસ ફરીયાદ પણ લેતી નથી. આ સામે લોકોને જાગૃત કરવાની પણ અઘોષિત મનાઇ છે. ભાજપના હિન્દુવાદની ગુજરાતમાં આવી દશા છે.
મત મળી ગયા બાદ ભાજપ ભગવા રંગને અભેરાઇએ મૂકી દે છે. ગુજરાત આવો અનુભવ ૩૦ વર્ષથી કરી રહ્યો છે. ગુજરાત કવર થઇ ગયા બાદ નવું ફોકસ પヘમિ બંગાળ છે.
પ. બંગાળમાં ભાજપીઓ દૃઢ હિન્દુવાદી બનીને ઉતર્યા છે. તાજેતરમાં રામ નવમી નિમિતે સમગ્ર રાજયમાં ભાજપે માહોલ ગરમ કરી દીધો હતો. મમતા સરકારે રથયાત્રા પર પ્રતિબંધ લગાવી દેતા આયોજકો હાઇકોર્ટ પહોંચ્યા હતાં. કોર્ટ દ્વારા મંજૂરી મેળવીને રંગેચંગે રથયાત્રા નીકળી હતી. ધારણા પ્રમાણે જ અનેક વિસ્તારોમાં તનાવ સર્જાયો હતો.
મમતા બેનરજી મજબૂત ગણાય છે, પણ નિરંતર આવા પ્રયોગોથી મમતા સરકાર પર ધર્મ સંકટ ફેલાયું છે. જો કે મમતાએ લઘુમતીઓ ખાસ કરીને ઘુસણખોરો તરફી રણનીતિ અપનાવી છે. આ નીતિ દેશ માટે ખતરનાક છે મમતાની આભા હિન્દુ વિરોધી નેતાની થઇ ગઇ છે.
સરકારે સામે સંકટ એ છે કે, બહુમતી મતદારો હિન્દુ છે. માથે ધારાસભાની ચૂંટણી આવી રહી છે. હિન્દુ સમાજ મમતા સામે આવી રહ્યો છે. હિન્દુ મતદારોને મનાવવાનો પ્રયાસ કરે તો લઘુમતી સમુદાય નારાજ થઇ જાય. બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની નજર પણ લઘુમતી સમુદાય પર છે. આ કારણે સ્પર્ધાત્મક માહોલ છે. મમતા ભગવા બિગ્રેડની રણનીતિમાં ગુંચવાઇ ગયા છે. જો કે મમતા દીદી આસાનીથી પરાજય સ્વીકારી લે તેવા સ્વભાવના નથી. મરણિયા બનવાના છે. આ કારણે પ.બંગાળમાં આગામી દિવસો નવા-જૂનીના એંધાણ છે. ભગવા બ્રિગેડ પણ મમતાને આસાનીથી જીતવા દે તેવી નથી. રામ પ્રયોગ વધારે ઘટ્ટ બનશે.
ભગવાન બ્રિગેડનું કેન્દ્ર સ્થાન ગુજરાત છે. ગુજરાતમાં ભગવો વિચાર સાવ ઝંખવાઇ ગયો છે. હિન્દુવાદી રાજયમાં લવ જેહાદીઓ બેફામ છે, પરંતુ તેની સામે અવાજ ઉઠાવવાની પણ મંજૂરી નથી. મમતાએ ગુજરાતમાં ભાજપના હિન્દુત્વના વીડિયા બનાવીને પ.બંગાળમાં લોકોને દેખાડવા જોઇએ. ભાજપની હવા આસાનીથી નીકળે તેમ છે, પણ કોઇ સહેલો રસ્તો અપનાવતા નથી. (પ-ર)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
