<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

બાજા બજ ગયા ... સનાતનના વિવાદોમાં

બેફામ બનનારા મીડિયા પાદરીના દુષ્‍કર્મ સામે લાજ કાઢે છે...

સનાતનના વિવાદો સતત મીડિયામાં ગાજતા રહે છે. સંપ્રદાયો - કથાકારો એક-બીજાને પાડી દેવા વારંવાર વિવાદોની આગ લગાવતા રહે છે. સંપ્રદાય વારંવાર દેવી-દેવતાઓના અપમાન કરતા રહે છે. આ સામે કથાકાર  પોતાની કથામાં વિધર્મી ધુન બોલાવીને સનાતનનું અપમાન કરતા હતા તેનું શું ?

આવા વિવાદોમાં વાસ્‍તવિકતા એ છે કે, કોઇને સનાતનની પડી નથી. દરેકને પોતાનો પ્રભાવ પાથરવામાં રસ છે. મીડિયાને પણ આવા વિવાદોના ભડકા ચાલુ રાખીને પોતપોતાના અલગ ઉદ્‌્‌ેશો પાર પાડવામાં રસ છે. આ બધી વાતોનો સરવાળો એ છે કે, સનાતનીઓ જ સાથે મળીને સનાતનને બદનામ કરી રહ્યા છે.

અન્‍ય ધર્મોના વિવાદો પણ ઓછા નથી, પરંતુ કારણ ગમે તે હોય, આ વિવાદોમાં મીડિયા સનાતનના વિવાદ જેટલું કવરેજ આપતા નથી. તાજેતરમાં પંજાબના એક ચર્ચાસ્‍પદ પાદરી બજિન્‍દર સિંહને દુષ્‍કર્મ બદલ આજીવન કેદની સજા થઇ. આ પાદરીએ બેફામ નાલાયકી કરી હતી. સાત વર્ષ કેસ ચાલ્‍યા બાદ સજા થઇ છે. આ સજા બજિન્‍દરના  સમર્થકોને પચી નથી.

કેસ કરનાર પરિવારને સોશિયલ મીડિયાના માધ્‍યમથી બેફામ ધમકીઓ મળી રહી છે.  પીડિત યુવતીઓની ઓળખ છતી કરીને અપશબ્‍દોની બોછાર ચાલી રહી છે. આ અંગે એકાદ-બે મીડિયા સિવાય કોઇ ઉલ્લેખ કરતું નથી.

પાદરી બજિન્‍દરસિંહ અકલ્‍પનીય શકિત ધરાવતા હોવાનો દાવો કરાતો હતો. તેઓના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં છે. લોકોના માથા પર હાથ રાખીને અદૃશ્‍ય શકિતનો સંચાર કરાતો હોવાની વાતો પ્રસરી હતી. અનેક લોકોએ આ અદૃશ્‍ય શકિતના અનુભવ કર્યાનું પણ તેના અનુયાયીઓ કહે છે.

સનાતનમાં કોઇ મહાત્‍મા આવું કરે તો મીડિયામાં રાષ્‍ટ્રીયસ્‍તરે વિવાદો ભડકે છે. અંધશ્રધ્‍ધાળુ અને અજ્ઞાનીઓના પ્રમાણપત્રો મળવા લાગે છે. વિવાદ ભડકાવવા માટે ટીવી પડદે કહેવાતા બૌધ્‍ધિકોની ભીડ જામે છે. પાદરીએ પોતાના પ્રભાવના બળ હેઠળ દુષ્‍કર્મ આદર્યુ હતું. કોર્ટે તેમને સજા ફટકારી છે. સમર્થકો બેફામ છે, પરંતુ કોઇ મીડિયામાં આ અંગેના વિશેષ અહેવાલો કે સમીક્ષા આવતા નથી.

સનાતનીએ આવું કંઇ કર્યુ હોય તો તેની - તેના આશ્રમની રજેરજની વિગતો મીડિયામાં આવવા લાગે છે. એકાદ દુષ્‍કર્મીના કારણે સમસ્‍ત સનાતનને બદનામ કરવાની પ્રવૃત્તિ જાગે છે. કહેવાતા સનાતનીઓ પણ ટીવી પડદે ગોઠવાઇને હરીફ સનાતનીની પથારી ફેરવવા મથે છે.

પાદરી બજિન્‍દરના બાજા બજી ગયા છતાં તેનો કોઇ વિશેષ ઉલ્લેખ ભારતીય મીડિયામાં જોવા મળતો નથી. આ કોઇ સામાન્‍ય બાબત નથી. સનાતન વિરોધીઓને અને સનાતનના નામે હાલી નીકળેલાને આપણે ઓળખવા પડશે.

(1:40 PM IST)