<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ટ્રમ્‍પ નામની કુકરી રઘવાઇ!

ટ્રમ્‍પે વૈશ્વિક રાજનીતિ બાલ મંદિર જેવી બનાવી દીધીઃ વેલ્‍યુ વગરનો જસ

એક સમયે અમેરિકાથી  વિશ્વ ધ્રુજતું હતું. અમેરિકા જગત જમાદાર ગણાતું હતું. આજનું અમેરિકા ખુદની વેલ્‍યુ ડાઉન કરી રહયું છે. વિશ્વનું શકિતશાળી પદ અમેરિકાના રાષ્‍ટ્રપતિનું ગણાય છે. આ પદ પર ગોઠવાઇ ગયેલા ડોનલ્‍ડ ટ્રમ્‍પ જસ લેવા માટે ઘાંઘા થઇ ગયા છે. રશિયા- યુક્રેન વચ્‍ચેના યુધ્‍ધમાં શાંતિ માટે જસ લેવા ટ્રમ્‍પે પ્રયાસ કર્યો, પુતીને તેને હાલતા કરી દીધા હતા. ભારત- પાકિસ્‍તાન વચ્‍ચે સર્જાયેલા તનાવમાં શાંતિ માટે ટ્રમ્‍પે ધરાર પ્રયાસ કર્યા, પણ ભારતે સ્‍પષ્‍ટ કહી દીધું કે, અમે કોઇ ત્રીજા પક્ષને સ્‍વીકારતા નથી.

ટ્રમ્‍પની અને ટ્રમ્‍પના કારણે અમેરિકાની વેલ્‍યુ વિશ્વમાં ડાઉન થઇ રહી છે. માનો કે ટ્રમ્‍પે ખરેખર મધ્‍યસ્‍થી કરી હોય તો પણ ખુદે જસ લેવાનો ન હોય. ભારત - પાકિસ્‍તાન ટ્રમ્‍પને જસ આપે તેવા પ્રયાસો કરવાના હોય.

ટ્રમ્‍પના ખેલ બાલમંદિરના ટાબરિયા જેવા છે. ગમે તે ટાબરિયું ઉભું થઇ ને બોલે કે હું મોનીટર, હું કહું તેમ કરો. આવા બની બેઠેલા મોનીટરને કોઇ કહે કે, બેસી જા, તારું કંઇ કામ નથી. મોનીટર બનેલું બેસી જાય આવી દશા ટ્રમ્‍પની છે. ભારત- પાક વચ્‍ચે જસ લેવા આવ્‍યા, પરંતુ ભારતે સ્‍પષ્‍ટ જણાવી દીધું કે કોઇ ત્રીજા  દેશની ભૂમિકા નથી. આ બાબત ટ્રમ્‍પનું અપમાન ગણાય, પણ ટ્રમ્‍પને માન- અપમાનનું ભાન હોય તેમ લાગતું નથી.

ટ્રમ્‍પે બીજો જસ લેવા પ્રયાસ કર્યો કે, મે ભારત- પાકિસ્‍તાન વચ્‍ચે પરમાણું યુધ્‍ધ થતું અટકાવ્‍યું છે. આ બાબતનો સણસણતો જવાબ વડાપ્રધાન મોદીજી એ રાષ્‍ટ્રજોગ પ્રવચનમાં આપ્‍યો કે પરમાણું હુમલાના નામે હવે ભારત બ્‍લેકમેઇલ નહી થાય. અમેરિકી  રાષ્‍ટ્રપતિને સત્તાવાર રીતે જાહેરમાં આ પ્રકારે કહી દેવું એ સામાન્‍ય બાબત નથી. ભારતે અસામાન્‍ય નિવેદન કર્યું છતાં ટ્રમ્‍પને ખુદના માન-અપમાનનું ભાન નથી. આ બધું ચાલતું હતું ત્‍યાં સમાચાર આવ્‍યા કે, ચીન -અમેરિકા વચ્‍ચે ટ્રેડ કરાર થઇ ગયા છે.

અમેરિકાએ ટેરિફ સામાન્‍ય કરતા આ કરાર શકય બન્‍યા છે. ટેરિફના નામે ટ્રમ્‍પ ઉછળતા હતા. પાણીમાં બેસી ગયા. ચીન સામે પણ અમેરિકાનો વટ ન રહયો.

ઊંદરડુ દારૂ પી ગયા બાદ હરકતો કરે તેવી આ હરકત નથી લાગતી? જગત જમાદાર ગણાતા અમેરિકી રાષ્‍ટ્રપતિ કાર્ટૂન ચેનલના પાત્ર જેવા નથી બની ગયા? કુકરી પાગલ બની હોય તેવી વિચિત્ર  હરકતોથી અમેરિકામાં પણ ટ્રમ્‍પનો વિરોધ થવા લાગ્‍યો છે.

પરિવર્તન સંસારનો નિયમ છે. મહાસત્તા અમેરિકાના નેતા વિચિત્ર વલણના કારણે કોમેડીના પાત્ર જેવા બન્‍યા છે અને ભારત નોંધપાત્ર સત્તા તરીકે ઉભરી રહયો છે. ભારતની મજાક ઉડાવનારા ભારતીયોએ રાજકીય ચશ્‍મા ઉતારીને સ્‍થિતિનું નિરિક્ષણ કરવું જોઇએ. પાકિસ્‍તાનના રસોડા સુધી આપણે ઘુસ્‍યા હતા.

(10:31 AM IST)